બનાસકાંઠા: જિલ્લાના સરહદી સુઈગામ તાલુકાના ડાભી ગામની માધ્યમિક શાળામાં ગ્રામજનો દ્વારા 2 દિવસ અગાઉ શિક્ષકોની કમીને લઈને તાળાબંધી કરવામાં આવી હતી. જ્યારે આજે ત્રીજા દિવસે વહેલી સવારથી ગામના લોકો ઢોલ નગારા સાથે શાળાના મેદાનમાં પહોંચ્યા હતા. વાલીઓએ શાળાની બહાર રામધૂન કરીને ઉપવાસ પર બેઠા હતા. આ ઉપરાંત શિક્ષકોની કમી અને CCTV કેમેરા અને પીવાના પાણીની સુવિધામાં કમીને લઇને ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.
195 વિદ્યાર્થીઓ સામે એક જ શિક્ષક: સુઇગામ તાલુકાના ડાભી ગામે શાળા બહાર ઉપવાસ પર બેઠેલા લોકો શાળામાં શિક્ષકોની કમીને પૂરી કરવા માટેના ગીતો ગાઇ રહ્યા હોય તેવા દૃશ્યો નજરે આવ્યા હતા. મળતી માહિતી મુજબ ડાભી ગામની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ધોરણ 9 થી 12 ધોરણમાં 195 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેઓને ભણાવવા માટે 7 શિક્ષકોની જરુરત હોય તેની સામે માત્ર 1 શિક્ષક કાયમી છે. 6 શિક્ષકોની ઘટ છે. તેમ છતા શાળા ચાલે છે. તેનાથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડી રહ્યું હોવાની વાત ગ્રામજનોએ કરી હતી, શિક્ષકોની કમીને પૂરી કરવા માટે સતત રજૂઆત કરાઇ હોવા છતા તેનો ઉકેલ ન આવતા ત્રીજા દિવસે શાળાને તાળા લાગેલા હતા.