કચ્છ:પૂર્વ કચ્છ અંજાર તાલુકાના સિનુગ્રા ગામમાં એક મકાનમાંથી પોલીસે ગાંજાની ખેતી ઝડપી પાડી છે, મકાનમાંથી ગાંજાના 38 છોડ ઉપરાંત પેટી પલંગમાંથી મળીને કુલ 16.251 કિલો ગાંજો ઝડપી પાડવામાં આવ્યો છે. જોકે, ગાંજાની ખેતી કરનાર આરોપી પોલીસની પકડમાં આવ્યો ન હતો. તો પોલીસે FSL અધિકારીને બોલાવી ચકાસણી કરતા ગાંજાના છોડ અને તેના પાંદડામાં કેનાબિસના સક્રિય ઘટકો અને ગાંજો હોવાનું બહાર આવ્યું છે, અને પોલીસે આરોપીને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.
આરોપી પોલીસ પકડથી દૂર
એસઓજી પીઆઈ ડી.ડી.ઝાલાના જણાવ્યા અનુસાર, પૂર્વ કચ્છના અંજારના દેવળિયા નાકા જાગરિયા ફળિયામાં રહેતા મહમદ હાજી મહમદ હુસેન સૈયદ નામનો વ્યક્તિ સિનુગ્રાના આંબેડકર નગર તળાવની બાજુમાં પોતાના કબજાના મકાનમાં ગાંજાની ખેતી કરતો હતો, આ અંગેની બાતમીના આધારે પોલીસ ત્યાં પહોંચી હતી અને આ મકાનમાંથી આ વ્યક્તિ મળી આવ્યો હતો.
મકાનમાંથી મળ્યા ગાંજાના 38 છોડ
પોલીસ જ્યારે આરોપીના ઘરની તપાસ કરી રહી હતી, ત્યારે પંજાબના તરનતારનથી આવેલા રાજીન્દર કૌર સતનામસિંઘ સરદારસિંઘ નામની મહિલા પણ મકાનમાંથી મળી આવી હતી. પોલીસે મકાનની તપાસ કરતા ઘરમાં રસોડા બહારના ફળિયામાં છોડ વાવેલાં જણાયાં હતાં, જે 5 ફૂટ ઊંચા અને 38 જેટલા હતા. ઉપરાંત આ છોડ લીલા અણીદાર પાંદડાવાળા અનિયમિત આકારના નાના-મોટા જણાઈ આવ્યા હતાં. પંજાબની મહિલાએ આ છોડ ગાંજાનાં હોવાનું તથા તેની ખેતી મહમદ હાજી કરતો હોવાનું જણાવ્યું હતું.
પેટી પલંગમાંથી મળ્યો ગાંજો
જ્યારે પોલીસે મકાનમાં રહેલા અન્ય સામાનની તપાસ કરી, ત્યારે પેટી પલંગની તપાસ કરતાં તેમાંથી પ્લાસ્ટિકની કોથળીમાંથી 551 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો, અને મહમદ હાજી આ ગાંજાનું વેંચાણ કરી રહ્યા હોવાનું પણ પોલીસને જાણવા મળ્યું હતું. પૂર્વ કચ્છ એસ.ઓ.જી પોલીસે એફ.એસ.એલ. અધિકારીને બોલાવી આ છોડ અને તેના પાંદડાની પ્રાથમિક તપાસ કરતાં આ ઝાડ અને પાંદડામાં કેનાબિસના સક્રિય ઘટકોની હાજરી હોવાનું અને આ છોડ ગાંજાના હોવાનું બહાર આવ્યું હતું.
કુલ 16.251 કિલો ગાંજો કબજે કર્યો
એસ.ઓ.જી પોલીસે આરોપીના મકાનમાંથી 16.251 કિલો ગાંજો તથા એક વજનકાંટો અને આધારકાર્ડ મળીને કુલ 1,63,510 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આરોપી મહમદ હાજી પોતે ગાંજાની ખેતી કરી રહ્યો છે, તેની કોઇને ખબર ન પડે તે માટે ઝાડ ઉપર લીલા રંગની નેટ બિછાવી રાખી હતી.
- ગાંજો ઉગાડતા 2 ખેડૂતો SOG પોલીસ હાથે ચડ્યા, એક ખેડૂતની ધરપકડ - Cannabis farmer arrested
- અમદાવાદમાં 200 કિલોથી વધુ ગાંજો અને ડ્રગ્સ ઝડપાયું, ક્યાંથી આવ્યું આ કન્સાઈનમેન્ટ - Ahmedabad Drug