ભાવનગર:ભાવનગર જિલ્લામાં અનેક તાલુકાઓમાં સિંહો વસવાટ કરે છે, ત્યારે ભાવનગર જિલ્લાના અલંગ નજીક મીઠીવીરડી ગામના દરિયા કાંઠે સિંહ મૃત હાલતમાં મળી આવ્યો હતો. દરિયાકાંઠે મળેલા મૃત સિંહને પગલે વન વિભાગને જાણ કરવામાં આવી હતી. બનાવને પગલે વન વિભાગની સમગ્ર ટીમનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.
દરીયા કિનારે થયું હતું સિંહનું મૃત્યુ
ભાવનગર જિલ્લામાં પાલીતાણા,મહુવા,જેસર, તળાજા અને ઘોઘા તાલુકામાં સિંહનો વસવાટ છે, ત્યારે અલંગ નજીક આવેલા મીઠીવીરડી ગામના દરિયા કાંઠે સિંહ મૃત હાલતમાં મળી આવ્યો હતો. સિંહના મૃતદેહને જોઈને આસપાસના લોકો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગની ટીમ સ્થળ ઉપર જઈને તપાસ હાથ ધરી હતી. જો કે દરિયા કાંઠે સિંહના મૃત્યુને લઈને અનેક અટકળો ઊભી થઈ રહી છે. આખરે સિંહનું મૃત્યુ કઈ રીતે થયું તે સૌથી રહસ્યનો વિષય બની ગયું છે.
સિંહની ઉંમર અને બનાવ પગલે તંત્રનો મત
મીઠીવીરડીના દરિયા કાંઠે મૃત હાલતમાં સિંહ મળી આવતા વન વિભાગના અધિકારી જયન પટેલે ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે મીઠીવીરડીના દરિયાકાંઠે હાલ સિંહનો મૃતદેહ મળી આવ્યો છે. અમારી એક ટીમ સ્થળ ઉપર જઈને તપાસ કરી રહી છે. સિંહને શરીરના ભાગ ઉપર કોઈ ઈજાના નિશાન જોવા મળતા નથી. જો કે આ સિંહ ત્રણથી પાંચ વર્ષની ઉંમરનો છે. સિંહના પોસ્ટમોર્ટમ કર્યા બાદ તેના મૃત્યુનું કારણ સામે આવી શકે છે. હાલ પ્રાથમિક કાર્યવાહી પોસ્ટમોર્ટમ કરવા માટેની હાથ ધરવામાં આવી છે.
મૃત્યુ સ્થળમાં સિંહોનો વસવાટ
વન વિભાગના અધિકારી જયન પટેલે ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, તળાજા વન વિભાગના ક્ષેત્રમાં ત્રણ જેટલા સિંહો છે. જો કે મીઠીવીરડી વિસ્તારમાં સિંહ હોવાની વાત હતી. પરંતુ કેટલા છે તે સ્પષ્ટ થયું નહોતું. આ જે સિંહનું મૃત્યુ થયું છે તે તળાજા વન વિભાગ વિસ્તારનો છે કે કેમ તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે.
- જુનાગઢના સક્કરબાગ ઝૂમાં રોયલ બેંગોલી ટાઈગરના થશે દર્શન, ઝૂમાં સફેદ નર અને માદા વાઘની એન્ટ્રી
- રાજસ્થાનમાં કાર અને બસ વચ્ચે ગોઝારો અકસ્માત, વડોદરાની મહિલા સહિત પાંચના મોત