જામનગર: જામનગર નજીક દરેડ સ્થિત તક્ષશીલા સંકુલમાં ભગવાન પરશુરામનું ભવ્ય મંદિર બનશે. આ ઉપરાંત, આ સંકુલમાં સ્પોર્ટ્સ મેદાન અને હોસ્ટેલ પણ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે દ્વારકા પીઠના શંકરાચાર્ય પૂ.સદાનંદ સરસ્વતીજી તારીખ 1 ઓક્ટોબરે જામનગરની મુલાકાત લેશે. તે સમયે વિધિવત જાહેરાત કરશે. શંકરાચાર્યજીની આ જાહેરાતથી દરેડ અને આસપાસના વિસ્તારના લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
તક્ષશીલા સંકુલમાં પહેલાથી જ શિવ મંદિર આવેલું છે, અને હવે પરશુરામ મંદિર બનવાથી આ સંકુલ આધ્યાત્મિક કેન્દ્ર તરીકે વિકસશે તેવી આશા સેવાઈ રહી છે. આ પ્રોજેક્ટને બ્રહ્મ એજ્યુકેશન એન્ડ સોશ્યલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ દ્વારા હાથ ધરવામાં આવી રહ્યો છે. ટ્રસ્ટના ફાઉન્ડર ટ્રસ્ટીમાં પી.સી. ખેતીયા અને જયદેવભાઇ ભટ્ટ છે. શંકરાચાર્યજી આ સંકુલના મેનેજિંગ ટ્રસ્ટી છે.