કિરીટ પટેલ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સુરત: સરકારે ચૂંટલી ટાણે આપેલાં વચનો પૂર્ણ નહીં થતાં શિક્ષકોએ ફરી એકવખત ગાંધી ચીંધ્યો માર્ગ અપનાવ્યો છે. જેમાં જૂની પેન્શન યોજનાનું અમલીકરણ તથા અન્ય પડતર પ્રશ્નોનાં સંતોષકારક ઉકેલ સંદર્ભે આજરોજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત પ્રાથમિક શાળાનાં શિક્ષકોએ કાળા વસ્ત્રો પહેરીને સરકાર સમક્ષ વિરોધ નોંધાવ્યો હતો.
શિક્ષકોએ સરકાર સામે બાંયો ચડાવી આ તકે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો અને ગુજરાત રાજય કર્મચારી મહામંડળ દ્વારા કર્મચારીઓનાં પડતર પ્રશ્નો સંદર્ભે વિવિધ આંદોલનાત્મક કાર્યક્રમો જાહેર કરવામાં આવ્યાં આવેલ છે, જેને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે ટેકો જાહેર કર્યો છે. ગત બે દિવસ સુરત જિલ્લાનાં શિક્ષક ભાઈ-બહેનોએ કાળી પટ્ટી ધારણ કરી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.
આજરોજ શિક્ષકોએ કાળા વસ્ત્રો પહેરીને કરજ બજાવતાં હોય તેનાં ફોટોગ્રાફ સોશિયલ મિડીયામાં અપલોડ કરીને પણ વિરોધ નોંધાવવાનું નક્કી કરાયું છે. જૂની પેન્શન યોજના માટે રાજ્યમાં કર્મચારીઓની લાંબા સમયથી લડત ચાલી રહી છે ત્યારે મને આશા છે કે વિધાનસભા ચૂંટણી પહેલાં સરકારનાં પ્રતિનિધિમંડળે કર્મચારીઓની માંગણીઓ સ્વીકારવાનું જે આશ્વાસન આપ્યું હતું તેને આ સંવેદનશીલ સરકાર લોકસભાની ચૂંટણી પહેલાં પરિપૂર્ણ કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજયમાં બધાં જ કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા, ફિકસ પગાર યોજના દૂર કરવા ઉપરાંત સરકાર સાથે થયેલાં સમાધાન મુજબનાં પ્રશ્નોનું નિરાકરણ આજ સુધી મળેલ નથી. જે સંદર્ભે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો અને ગુજરાત રાજય કર્મચારી મહામંડળ દ્વારા આંદોલનાત્મક કાર્યક્રમો જાહેર કરી સરકાર સામે બાંયો ચડાવવાની જરૂર પડી છે. જેને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ સહિત જિલ્લાનાં અન્ય કર્મચારી મંડળોએ ટેકો આપી રાજ્યવ્યાપી આંદોલનનાં સમર્થનમાં પોતાનો સૂર પૂરાવ્યો હતો. હવે પછી તા. 23 ફેબ્રુઆરીનાં રોજ ગાંધીનગર ખાતે શિક્ષકો સહિત કર્મચારીઓ બપોરે 12:00 થી 15:00 કલાક દરમિયાન ધરણાં કાર્યક્રમમાં જોડાશે.
- Farmer Protest: દેશ વ્યાપી બંધ સંદર્ભે ઉપલેટામાં ખેડૂતો અને આંગણવાડી કર્મચારીઓએ રેલી કાઢી, લોકસભા ચૂંટણી બહિષ્કારની ચીમકી
- Bharat Bandh by Farmer: બજારો બંધ કરાવે એ પહેલા દેલાડ ગામેથી ખેડૂત આગેવાનોની પોલીસે અટક કરી