સુરત :આજે બુધવારના રોજ સુરત જિલ્લાથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. સુરત જિલ્લાના વાવ ખાતે આજે સવારે PSI ભરતી પરીક્ષાની શારીરિક દોડ દરમિયાન એક ઉમેદવારનું મોત નિપજ્યું છે. વાલીયા SRP દળ જૂથ-10માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા 36 વર્ષીય સંજયકુમાર રસીકભાઈ ગામીત PSI ની ભરતી પરીક્ષામાં ઉપસ્થિત થયા હતા.
PSI ભરતી દરમિયાન બન્યો દુઃખદ બનાવ :સુરતના SRPF ગૃપ 11 વાવ ખાતે PSI ભરતી પરીક્ષાની શારીરિક દોડ યોજાઈ હતી. આ દરમિયાન સવારે 4:45 વાગ્યે પ્રથમ બેચમાં 5 કિલોમીટર દોડ દરમિયાન ઉમેદવાર સંજયકુમાર રસીકભાઈ ગામીત અચાનક બેભાન થઈને પડી ગયા હતા. ફરજ પરના ડૉ. ચિરાગ કટારીયાએ તાત્કાલિક CPR, ઓક્સિજન અને દવાની પ્રાથમિક સારવાર આપી હતી.
પોલીસ ભરતી પરીક્ષા ઉમેદવારનું 5 કિમી દોડ દરમિયાન મોત (ETV Bharat Gujarat) શારીરિક દોડ દરમિયાન ઉમેદવારનું મોત :જોકે, ઉમેદવારની સ્થિતિ ગંભીર જણાતા તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે સવારે 5:05 વાગ્યે દિનબંધુ હોસ્પિટલ, ખોલવડ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડૉક્ટરોએ સવારે 5:30 વાગ્યે તેમને મૃત જાહેર કર્યા હતા. બાદમાં મૃતકના પરિજનોને ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. મૃતદેહને વધુ કાર્યવાહી માટે CHC હોસ્પિટલ કામરેજ ખાતે ખસેડવામાં આવ્યો છે.
કોણ છે મૃતક ?મૃતક સંજયકુમાર રસીકભાઈ ગામીત તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ચીખલવાવ ગામના વતની છે. ઉપરાંત હાલ તેઓ વાલીયા SRP દળ જૂથ-10માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી રહ્યા હતા. પોલીસ જવાનનું મોત થતા તેમના પરિજનો, મિત્રો અને સમગ્ર પોલીસ વિભાગમાં શોકની લાગણી ફેલાઈ છે.
હૃદય બેસી જવાથી મોતની આશંકા :SRPF ગૃપ 11 વાવના DySP અનિલ પટેલે જણાવ્યું કે, હાલમાં SRPF ગૃપ 11 વાવ ખાતે પોલીસ ભરતીને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના યુવક શારીરિક કસોટી આપવા આવ્યા હતા. જ્યારે તેઓ દોડી રહ્યા હતા, તે દરમિયાન અચાનક ગ્રાઉન્ડ પર ઢળી પડ્યા હતા અને મોતને ભેટ્યા હતા.
- ઓલપાડમાં બાઈકસવાર પરિવાર પર ડમ્પર ફરી વળ્યું: માતા-પુત્રીનું કરુણ મોત
- વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, સુરતમાં દોઢ વર્ષના બાળકે ડીઝલ પીધું