સુરત : માંગરોળ તાલુકાના ઓગણીસા ગામના ખેડૂત પ્રકાશભાઈ રાયાભાઈ ચૌધરી પરિવાર સાથે ગામની સીમમાં આવેલા પોતાની માલિકીના ખેતરમાં ઘર બનાવી પશુપાલન અને ખેતીવાડી કરે છે. પિતા રાયાભાઈ અને ઘરના સભ્યો કામકાજ અર્થે બહારગામ ગયા હતા. જેથી પ્રકાશભાઈ અને તેમની પત્ની ઘરે હતાં. ત્યારે આજે એક દીપડો શિકારની શોધમાં ખેતરમાં આવ્યો હતો આ સમયે ઘર આંગણામાં બાંધેલી વાછરડી પર દીપડાએ હુમલો કર્યો હતો.
દીપડા સામે બાથ ભીડી ઘરમાં પૂર્યો : વાછરડી પર ધસી આવેલા દીપડાને લઇને ત્યારે ખેડૂત પ્રકાશભાઈએ વાછરડીને છોડાવવાનો પ્રયાસ કરતા દીપડો સીધો તેમના સામે ધસી આવ્યો હતો. તેમના પર હુમલો કરતા ખેડૂતે દીપડા સાથે બાથ ભીડી હતી. આ સમયે ખેડૂતની મદદે પત્ની પાર્વતીબેન લાકડી લઈને દોડી આવી હતી અને દીપડાને પડકારતાં કરતા દીપડો ખેડૂતના ઘરમાં ઘૂસી ગયો હતો. આ સમયે ખેડૂત અને પત્નીએ સમયસૂચકતા વાપરી ઘરનો દરવાજો બંધ કરી દઈ દીપડાને ઘરમાં કેદ કરી લીધો હતો.
સમગ્ર ઘટનાની જાણ સ્થાનિક વન વિભાગને કરાઈ આ ઘટના :અંગેની જાણ ગામના સરપંચ સોમાભાઈ ચૌધરીને કરવામાં આવી હતી. ત્યારબાદ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સમાં ઈજાગ્રસ્ત ખેડૂત પ્રકાશભાઈને ઝંખવાવ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જઇ સારવાર આપવામાં આવી હતી. તેમજ વન વિભાગનો સંપર્ક કરાતા રેન્જ ફોરેસ્ટ ઓફિસર હિરેનભાઈ પટેલ સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતાં.
ડાર્ટ ગનથી બેહોશ કરાયો : વનવિભાગ દ્વારા દીપડાને પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. એક કલાકની મથામણ બાદ વન વિભાગના શૂટર હિતેશભાઈ માલીએ ડાર્ટ ગન વડે દીપડાને શૂટ કરી બેહોશ કર્યો હતો. ત્યારબાદ દીપડાને પાંજરે પુરી ઝંખવાવ વન વિભાગના રેસ્ક્યુ સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યો હતો. વન વિભાગના ફોરેસ્ટ ગંગાબેન ચૌધરી ફીલીપભાઈ ગામીત, પ્રીતિબેન ચૌધરી નારણભાઈ ચૌધરી વગેરે સ્ટાફ દ્વારા દીપડાના રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી હતી.
ખેડૂતને સારવાર માટે લઇ જવાયા : વાંકલ 108ના ઈએમટી અધિકારીના જણાવ્યા મુજબ પ્રકાશભાઈ રાવાભાઈ ચૌધરીનું ખેતરમાં ઘર છે તેઓ ઘરે હાજર હતાં ત્યારે દીપડાએ હુમલો કર્યો હતો. ત્યારે તેઓની પત્નીએ દીપડાને માર્યો હતો ત્યારે સદનસીબે પ્રકાશભાઈનો જીવ બચી ગયો છે. તેઓને ઝંખવાવ ખાતે પ્રાથમિક સારવાર આપી સિવિલ હોસ્પિટલમાં શિફ્ટ કર્યા છે. હાલ તેઓની તબિયત સુધારા પર છે. દીપડાએ હુમલો કરીને તેઓને પકડી લીધા હતાં ત્યારે કોદાળી દીપડાને મારતા દીપડાએ તેઓને છોડી દીધા હતાં અને બાદમાં તેઓ દોડીને ઘરની બહાર નીકળી ગયા હતાં અને ઘર બંધ કરીને દીપડાને પૂરી દીધો હતો.
- Porbandar News: ટુકડા ગામે આતંક મચાવનાગર દીપડો અંતે પાંજરે પુરાયો
- Gir Somnath Leopard : કોડીનારમાં અકસ્માતે પશુવાડામાં સીધો ગાયો વચ્ચે પડ્યો દીપડો અને પછી...