સુરત :વેપાર-ઉદ્યોગ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સ્તરે ઝળહળતા સુરત શહેરને પ્રવાસન સ્થળ બનાવવા માટે ભરપૂર પ્રયાસો થઈ રહ્યા હોવાના દાવા સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યા છે. પાછલા એક વર્ષમાં પર્યટકોને આકર્ષવા માટે ડુમસ સી ફેસ સહિતના પ્રોજેક્ટોને સાકાર કરવાની દિશામાં પ્રયાસો પણ થયા છે. બીજી બાજુ બાળકો અને પર્યટકોને આકર્ષી શકે એવા ત્રણ પ્રોજેક્ટ એક વર્ષથી ઠપ પડ્યા હોવાથી પાલિકા તંત્રની સજાગતા સામે પ્રશ્નો ઉભા થયા છે.
તંત્રની ઉદાસીનતાનો ભોગ બનેલા પ્રોજેક્ટ : ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે અને બાળકો, વાલીઓ વેકેશનમાં સામાન્ય જ્ઞાનમાં વધારો થાય એવા સ્થળની મુલાકાત લેવાનું વધુ પસંદ કરે છે. સિટીલાઈટ સ્થિત સાયન્સ સેન્ટરનું પ્લેનેટોરિયમ, વેસુ સ્થિત શહીદ સ્મારક ગેલેરી અને ચોકબજાર સ્થિત કિલ્લાનો લાઇટ એન્ડ સાઉન્ડ શો વહીવટી તંત્રની ઉદાસીનતાનો ભોગ બન્યા છે. હાલની દ્રષ્ટિએ આ ત્રણેય પ્રોજેક્ટ જુલાઈ માસ પહેલા આગળ ધપે એવી કોઈ શક્યતા નથી. એવામાં બાળકો અને પર્યટકો માટે આ બંધ પડેલા પ્રોજેક્ટ પાલિકા તંત્રની નીરસતાનો જાગતો પુરાવા હોવાનો મત પ્રબુદ્ધ નાગરિકો આપી રહ્યા છે.
પ્લેનેટોરિયમ અપગ્રેડેશન ટલ્લે :વર્ષ 2009 માં કાર્યરત થયેલ સાયન્સ સેન્ટરનું પ્લેનેટોરિયમ અપગ્રેડેશનનું કામ એક વર્ષથી ટલ્લે ચડ્યું છે. પ્લેનેટોરિયમ પ્રોજેક્ટર અને અન્ય સાધનોની આવરદા 10 વર્ષની હોવા છતાં તેને 13 વર્ષ સુધી ઉપયોગમાં લેવાયા હતા. ત્યારબાદ હવે નવી ટેકનોલોજીના કારણે તેને અપગ્રેડ કરવા જરૂરી હોવાથી એક વર્ષ પહેલાં પ્લેનેટોરિયમ બંધ કરી અપગ્રેડેશનની તૈયારી શરૂ કરી હતી. જોકે યેનકેન પ્રકારે વહીવટી ગૂંચ વચ્ચે ત્રણ પ્રયાસો છતાં પણ 10 કરોડના અપગ્રેડેશનનું કામ આગળ વધ્યું નથી. હાલ ત્રીજા પ્રયાસમાં ટેન્ડર આવ્યું હોવાથી આગામી દિવસોમાં પ્રેઝન્ટેશન સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ વખતે પાલિકા તંત્ર થોડો રસ દાખવીને કામગીરી આગળ ધપાવે એવી શક્યતા છે.
"હાલ કેટલાક મહત્વના પ્રોજેક્ટને લઈ નિર્ણય બાકી છે, આચારસંહિતા પૂર્ણ થયા બાદ આ નિર્ણય લેવાના છે. જેથી સુરતના પર્યટન સ્થળને લઈ લોકોમાં રુચિ વધે. હાલ કોઈ ઉદાસીનતાના કારણે પ્રોજેક્ટ બાકી હોય એવું નથી, પરંતુ મહત્વના નિર્ણય લેવામાં સમય લાગે છે." -- દક્ષેશ માવાણી (મેયર, સુરત શહેર)
આકર્ષક પ્રોજેક્ટ પૂર્ણ, પણ લોકાર્પણ ક્યારે ?સુરત શહેરના ગૌરવવંતા ઇતિહાસનો પરચો આપતા ચોકબજાર સ્થિત કિલ્લાનું પાલિકા તંત્ર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે રિડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે. કિલ્લામાં પર્યટકોને આકર્ષવા માટે લાઇટ એન્ડ સાઉન્ડ શોની જોગવાઈ કરી છે. તે પૈકી હાલમાં તેને લગતી તમામ હાઇટેક મશીનરી સ્થળ પર કાર્યરત કરી દેવામાં આવી છે. જોકે, તેમાં એક માત્ર હિન્દી ભાષાની જ સ્ક્રીપ્ટ તૈયાર છે અને અન્ય બે ગુજરાતી અને અંગ્રેજી ભાષાની સ્ક્રીપ્ટ બાકી હોવાનું કારણ આગળ કરીને લાઈટ એન્ડ સાઉન્ડ શોનું લોકાર્પણ થયું નથી. આ સ્થિતિમાં હવે 15 જૂનથી ચોમાસું શરૂ થવાનું છે, ત્યારે દિવાળી સુધી શો શરૂ થશે કે કેમ એ પ્રશ્ન છે.
વોર મેમોરિયલ ગેલેરી પ્રત્યે નિરસતા :સુરતના વેસુમાં શહીદ સ્મારક બનાવવાની મોટી જાહેરાત કર્યા બાદ ત્યાં વોર મેમોરિયલ ગેલેરી માટે કોઈ ખાસ રસ દાખવવામાં આવ્યો નથી. પાલિકાના ઉપરી અધિકારીઓએ પ્લેનેટોરિયમ અને લાઇટ-સાઉન્ડ શોની માફક શહીદ સ્મારક ગેલેરી મુદ્દે ઉદાસીનતા દાખવી હોવાનું બહાર આવ્યું છે. જેમાં 3 ગેલેરી શરૂ કરવાની જાહેરાત બાદ ત્યાં શું રાખવામાં આવશે એનો કોઈ નિર્ણય લેવાયો નથી. આર્મી ટેન્ક લાવવી કે પછી એરફોર્સનું વિમાન, ગુજરાતના શહીદોની વિગતો એકત્ર કરવી કે અન્ય કઈ કઈ રોચક માહિતી રજૂ કરવી એ મુદ્દે કોઇ વિચારમંથન કર્યું નથી. વોર મેમોરિયલ ગેલેરીની જાહેરાત બાદ કોઈ ચર્ચા ન થતાં પ્રોજેક્ટ ઠપ હાલતમાં છે.
- રોલ પ્રેસ કરનાર, રત્ન કલાકાર અને ટેક્સટાઇલમાં હેન્ડ જોબ કરનારના બાળકોએ સુરતમાં ધોરણ 10ની પરીક્ષામાં ટોપ કર્યુ
- Surat News: હવે ચેતી જજો... વરઘોડામાં ફટાકડા ફોડીને જાહેરમાં કચરો કરનારને સુરત મનપાએ ફટકાર્યો દંડ