સુરત :ગુલ્લીબાજ, લેટલતીફ અને મનમૌજી શિક્ષકોની ફરિયાદ સમયાંતરે આવે છે. જેમાં હવે રાજ્ય સ્તરે મુહિમ શરૂ થઈ છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાની ગુલ્લીબાજ શિક્ષિકા નિમિષા પટેલને ટર્મિનેટ કરી દેવામાં આવી છે. જ્યારે અન્ય બે શિક્ષકો પણ લાંબા સમયથી ગેરહાજર નોંધાયા હોય તેઓ પણ રડારમાં આવી ગયા છે. આગામી એક અઠવાડિયામાં આ બે શિક્ષકો સામે પણ કાર્યવાહી થાય તેવા ભણકારા વાગી રહ્યા છે.
ગુલ્લીબાજ શિક્ષિકા ટર્મીનેટ :સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સૂત્રોના જણાવ્યા મુજબ, શાળા ક્રમાંક- 121ના શિક્ષિકા નિમિષા પટેલ છેલ્લા એક વર્ષથી ગેરહાજર હતા. તેઓ શાળાએ ફરજ બજાવવા આવતા ન હતા. જોકે, તેઓ લાંબા સમયથી દેશ બહાર હોવાની ચર્ચા પણ ચાલી રહી છે. નિમિષા પટેલને લાંબી ગેરહાજરી બદલ એક વર્ષમાં અધધ 15 નોટિસ ફટકારવામાં આવી હતી. નિમિષા પટેલને ચાર્જશીટ બાદ આખરે ટર્મિનેટ કરી દેવાયા છે.
બે શિક્ષકો રડારમાં :આ સિવાય અન્ય બે શિક્ષકોમાં શાળા નંબર 190 ના શિક્ષિકા આરતી ચૌધરી પણ છ મહિનાથી વધુ સમયથી ગેરહાજર છે. શાળા નંબર 275 ના શિક્ષક અન્સારી મુસાની તો છેલ્લા ત્રણ મહિનાથી કોઈ જાણકારી જ નથી. આ બન્ને શિક્ષકો અન્સારી મુસા અને આરતી ચૌધરીને 23 ઓગસ્ટના રોજ હાજર રહીને જવાબ આપવાની નોટિસ અપાઈ છે. જો સંતોષકારક જવાબ રજૂ ન કરે અથવા તો ગેરહાજર રહેશે તો તે બન્ને શિક્ષકોને પણ ટર્મિનેટ કરી દેવાશે.
ઝોનદીઠ ટીમ બનાવાઈ :સુરતમાં શિક્ષણ સમિતિમાં URC અને CRC બનીને ફરનારા કેટલાક શિક્ષકો શાળામાં હાજર સુધ્ધાં થતા નથી. તેઓ શિક્ષણ કાર્ય સાથે જોડાયેલા ન હોય તેમની સામે પણ તપાસનો દોર શરૂ કરાયો છે. ઝોનદીઠ ટીમ બનાવી હાજરીનો રિપોર્ટ સબમિટ કરાશે. આગામી દિવસોમાં આવા શિક્ષકોની યાદી બનાવી તેમની સામે કાર્યવાહી થશે.
- ગુજરાતમાં ગેરહાજર શિક્ષકો મુદ્દે વિધાનસભામાં સરકાર અને વિપક્ષ સામસામે
- જામનગરના ત્રણ ગુલ્લીબાજ શિક્ષકોને પ્રાથમિક શિક્ષણાધિકારીએ નોટિસ આપી