સુરત :તાજેતરના સુરત અપહરણ બાદ લૂંટના મામલે ત્રણ આરોપી ઝડપાયા હતા. સુરત શહેર SOG પોલીસે આરોપીઓનું સરઘસ કાઢ્યું હતુ. આ તપાસ રાંદેર પોલીસ પાસે હતી, પરંતુ હવે સુરત SOG પોલીસને તપાસ સોંપવામાં આવી છે. સુરત SOG પોલીસે આરોપીઓને સાથે લઈ ઘટનાસ્થળનું પંચનામું કર્યું હતું.
સુરત અપહરણ બાદ લૂંટ કેસ :આ બાબતે સુરત SOG DCP રાજદીપસિંહ નકુમે જણાવ્યું કે, થોડા દિવસ પહેલા રાંદેર પોલીસ સ્ટેશનમાં લૂંટ જેવા ગંભીર ગુનાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં ફરિયાદીનું અપહરણ કરવામાં આવ્યું હતું. આરોપીઓને USDT થી પૈસાની જરૂર હતી, જેથી તેઓ ફરિયાદીનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ ફરિયાદી અને આરોપીઓ રાંદેર વિસ્તારના જુનેથ હોસ્પિટલ પાસે એકઠા થયા હતા.
સુરત અપહરણ બાદ લૂંટ કેસ: આરોપીઓનું સરઘસ કાઢ્યું (ETV Bharat Gujarat) 33 હજાર ડોલર ટ્રાન્સફર કરાવ્યા :એકાએક આરોપીઓએ ફરિયાદીના ગળા પર છરો મૂકી પોતાની લાલ ગાડીમાં અપહરણ કરી ઓલપાડ લઈ ગયા હતા. ત્યાં તાત્કાલિક ફરિયાદીના USDT વોલેટમાંથી આરોપીઓએ પોતાના વોલેટમાં 33 હજાર ડોલર ટ્રાન્સફર કરાવ્યા હતા. જે ભારતીય કરન્સી પ્રમાણે રૂપિયા 30 લાખ થાય છે. તે ઉપરાંત ફરિયાદી પાસે હાજર રૂપિયા 18,000 રોકડ પણ આરોપીઓએ લઈ લીધા હતા.
ત્રણ આરોપીઓ ઝડપાયા :ત્યારબાદ ફરિયાદીને સારોલી ચેકપોસ્ટ પાસે ઉતારી આરોપીઓ ગાડીમાં ફરાર થઈ ગયા હતા. ફરિયાદીએ હોસ્પિટલ જઈ સારવાર મેળવી અને ત્યાંથી પોલીસની જાણ કરી હતી. પોલીસે આ મામલે લૂંટનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસ દ્વારા આ તપાસમાં ત્રણ આરોપી કૈલાસ ઉર્ફે કેલિયા પાટીલ, દયાવાન ઉર્ફે બંટી પાટીલ અને અશોક ઉર્ફે ભુરીયા મહાજનને ઝડપી પાડવામાં આવ્યા હતા.
આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ :તમામ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આરોપી કૈલાશ વિરુદ્ધ લિંબાયત, સચિન અને ડીંડોલી પોલીસ સ્ટેશનમાં હત્યા અને મારામારીના ગુના નોંધાયા છે. આરોપી દયાવાન વિરુદ્ધ ડીંડોલી પોલીસ સ્ટેશનમાં હત્યા અને મારામારીના ગુના નોંધાયા છે. આરોપી અશોક વિરુદ્ધ પણ ડીંડોલી પોલીસ સ્ટેશનમાં ચારથી પાંચ મારામારીના ગુના નોંધાયા છે.
જેલમાં ગયા છતાં ન સુધર્યા :આ આખી ગેંગ લિંબાયત અને ડીંડોલી વિસ્તારમાં પોતાનો દબદબો બનાવવા માટે આ પ્રકારના ગુનાઓને અંજામ આપતા હતા. તમામ આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોક ગુના પણ નોંધવામાં આવ્યા હતા, જેથી તેઓને જેલમાં પણ મોકલવામાં આવ્યા હતા. હાલ જેલમાંથી જામીન પર છૂટી ફરી આ પ્રકારના ઘટનાને અંજામ આપ્યો હતો.
- બોગસ ડિગ્રીથી બન્યા 1200 થી વધુ "ઝોલાછાપ ડૉક્ટર"
- સુરતમાં ચપ્પુ બતાવી લૂંટ કરતી ગેંગ, સાગરીતોની કબૂલાત વાંચો