સુરત:સુરતના કાપોદ્રા સિદ્ધકુટીર મંદિરની પાછળ તાપી નદીમાંથી એક 20 વષીય યુવતીની લાશ મળવાની ઘટનામાં કાપોદ્રા પોલીસે યુવતીના દૂરના કૌટુંબીક ભાઈ અને તેના મિત્ર વિરુદ્ધ આપઘાતના દુષ્પ્રેરણાનો ગુનો નોંધી બંનેની ધરપકડ કરી છે. યુવતી છ મહિના અગાઉ દૂરના કૌટુંબીક ભાઈના સંપર્કમાં આવી હતી અને બંને સોશીયલ મીડિયા મારફતે સંપર્કમાં હતા.
રાત્રે ઘરેથી ગુમ થઈ હતી યુવતી
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના કાપોદ્રામાં પસાર થતી તાપી નદીમાંથી અનુસુચિત જાતિની 20 વર્ષીય યુવતીની લાશ તાપી નદીમાંથી મળી હતી. 8મી તારીખે રાત્રે ઘરેથી ગુમ થયેલી યુવતી સાથે અઘટિત ઘટના બની હોવાના આક્ષેપ સાથે પરિવારજનો કાપોદ્રા પોલીસ મથક ખાતે પહોંચ્યા હતા. પોલીસે ન્યાયિક તપાસની ખાતરી આપતા બાદમાં યુવતીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
લગ્ન પ્રસંગમાં યુવતી યુવકના સંપર્કમાં આવી હતી
પોલીસ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, યુવતી શનિવારે વહેલી સવારે 3.30 વાગ્યે ઘરેથી નીકળીને ઈંગ્લીશ મીડીયમ સ્કુલ પાસે એકલી પહોંચી હતી અને ત્યાં એક રીક્ષાચાલક પાસે મોબાઈલ ફોન માંગી તેણે કાનો પરમારને ફોન કર્યો હતો. થોડીવાર બાદ કાનો અન્ય એક યુવાન સાથે બાઈક પર ત્યાં આવ્યો હતો અને અનીતા તેમની સાથે બેસીને ગઈ હતી. આથી પોલીસે ઉત્રાણ ગરનાળા પાસે વિજયનગર સોસાયટીમાં રહેતા બુધાભાઈ પરમારની અટકાયત કરી પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, તે છ મહિના પહેલા એક લગ્નપ્રસંગમાં યુવતીના સંપર્કમાં આવ્યો હતો અને ત્યાર બાદ બંને સ્નેપચેટ અને અન્ય સોશીયલ મીડિયા મારફતે એકબીજાના સંપર્કમાં હતા.