સુરતઃ શહેરના લાલગેટ વિસ્તારમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે પૂર્વ બાતમીને આધારે રેડ કરી કુલ 1 કિલો MD ડ્રગ્સ ઝડપી લીધું છે. આ ડ્રગ્સની કુલ બજાર કિંમત 1 કરોડ રુપિયા જેટલી થાય છે. એસઓજીની પ્રશંસનીય કામગીરી માટે કહી શકાય કે, "સહી...ટાઈમ પે પુલીસ આઈ હૈ!!!"
2 આરોપી ભાગવામાં સફળઃ SOG ડ્રગ્સ ડીલિંગના સાચા સમયે ત્રાટકી હતી.જેના પરિણામે 1 કિલો જેટલું MD ડ્રગ્સ ઝડપી લેવામાં સફળ રહી હતી. જો કે મોહમ્મદ કાશીબ અને શેહબાઝ ખાન નામના 2 આરોપીઓ ત્યાંથી નાસી ગયા હતા. પોલીસને માહિતી મળી હતી કે ડ્રગ્સની મોટી ડીલ થવાની છે આ માહિતીના આધારે તેઓએ લાલગેટ લાલમીયા મસ્જિદની સામે વોચ ગોઠવી હતી. જ્યારે બંને આરોપી ડ્રગ્સની ડીલિંગ કરી રહ્યા હતા ત્યારે પોલીસ આરોપીઓ સુધી પહોંચીને તેમને પકડે તે પહેલા બંને આરોપીઓ બેગ ફેંકીને નાસી ગયા હતા.
પ્રેસ કાર્ડ મળી આવ્યુંઃ પોલીસે જ્યારે બેગની તપાસ કરી ત્યારે અંદરથી 1 કિલોગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું હતું. જેની કુલ કિંમત 1 કરોડ રૂપિયા છે. આરોપી ભાગી રહ્યા છે આ ઘટનાના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. પોલીસને 3 મોબાઈલ, ડ્રગ્સ ઉપરાંત એક પ્રેસ મીડિયાનું કાર્ડ પણ મળી આવ્યું છે. કાર્ડ પર નેશનલ એન્ટિ ક્રાઈમ એન્ડ હ્યુમન રાઈટ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા લખેલું છે. વોલેન્ટિયર કાર્ડ હોવાથી પોલીસને આશંકા છે કે ડ્રગ્સની હેરાફેરી કરવા માટે આરોપીઓ આ કાર્ડ વાપરતા હશે.
આરોપીઓની ઓળખ છતી થઈઃ આ સમગ્ર મામલે જોઈન્ટ પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વત્સે જણાવ્યું હતું કે, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને જાણકારી મળી હતી કે 2 લોકો ડ્રગ્સ ડીલિંગ કરવાના છે. બાતમીના આધારે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ પકડે તે પહેલાં જ આરોપીઓ નાસી ગયા હતા. આરોપીઓની ઓળખ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં પોલીસ બંનેની ધરપકડ કરી લેશે. જોકે અત્યાર સુધી બંને આરોપીઓના કોઈ ગુનાહિત ઈતિહાસ સામે આવ્યા નથી.
- Surat Police: નશાના સૌદાગરો ઝડપાયા, સુરત પોલીસે 51 લાખથી વધુનું ડ્રગ્સ ઝડપ્યું
- Surat News: અલ કાયદા સાથેના કનેક્શન મામલામાં ચાલી રહેલી NIA ની તપાસમાં વોન્ટેડ જાહેર થયેલો આરોપી સુરતથી ઝડપાયો