સુરત : સુરત શહેરમાં હત્યાનો સિલસિલો યથાવત છે. છેલ્લા ચાર દિવસમાં આઠ હત્યાના બનાવ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે. ત્યારે સુરત શહેરના અલથાણ વિસ્તારમાં ફરી એક વખત હત્યાની ઘટના સામે આવી છે. સીસીટીવી ફૂટેજમાં કેદ હત્યાનો બનાવ હચમચાવી દેનાર છે. નાસ્તાની દુકાન નજીક બેઠેલા એક ઈસમને બેથી ત્રણ લોકો દ્વારા ચપ્પુના ઝીંકી મોતને ઘાટ ઉતારી દે છે. આ સમગ્ર મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
નાનું ઉર્ફે નાનીયા ડાયાભાઈ પટેલની હત્યા : સુરત શહેરના વેસુ વિસ્તાર ખાતે આવેલ આગમ મોલની નીચે ચા નાસ્તાની લારી પાસે બેઠેલા નાનું ઉર્ફે નાનીયા ડાયાભાઈ પટેલની ઘાતકી હત્યા કરવામાં આવી છે. હત્યાની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે કઈ રીતે ત્રણ લોકો ચપ્પુના ઘા ઝીંકી નાનું ઉર્ફે નાનિયા નામના ઇસમને મોતના ઘાટ ઉતારે છે. સીસીટીવી કેમેરામાં દ્રશ્યો હચમચાવી દેનાર છે. જોકે પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે જે વ્યક્તિની હત્યા થઈ છે તે શહેરનો નામચીન બુટલેગર છે.
સવારે બની ઘટના :વહેલી સવારે 07:00 વાગ્યાના અરસામાં નાનું ઉર્ફે નાનીયા વેસુ ખાતે આવેલા પશુપતિ ભોજનાલય નાસ્તાની દુકાન નજીક પોતાના મિત્ર સાથે બેઠો હતો તે દરમિયાન ત્યાં બેથી ત્રણ લોકો આવી પહોંચે છે. તેમાંથી બે લોકો મોઢે રૂમાલ બાંધીને અને હાથમાં ચપ્પુ લઈને એક બાદ એક મૃતક પર હુમલો કરી ત્યાંથી નાસી જાય છે. આશરે ત્રણ લોકો તેની ઉપર હુમલો કરે છે અને ઘટનાને અંજામ આપ્યા બાદ ત્યાંથી નાસી જાય છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ હત્યા કરનાર લોકોમાં પ્રદીપ શુક્લા સહિત ત્રણ લોકો સામેલ છે કે જેઓ સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં રહે છે.
હત્યારાને શોધવા કાર્યવાહી શરૂ: પ્રોહીબેશન કેસમાં આરોપીની હત્યાના આ બનાવ અંગે સુરત શહેરના ડીસીપી વિજય ગુર્જરે જણાવ્યું હતું કે, એક ઈસમ નાનું ઉર્ફે નાનીયા ડાયાભાઈની ત્રણ લોકોએ હત્યા કરી છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ છે. જેના આધારે પોલીસે હત્યારાને શોધવા માટેની તમામ કાર્યવાહી શરૂ કરી છે. પ્રોહિબિશનના અનેક કેસો તેની ઉપર નોંધાઈ ચૂક્યા છે.
હર્ષ સંઘવીના હોમ ટાઉનમાં ચાર દિવસમાં આઠ હત્યા : અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ કમિશનરની નિવૃત્તિ બાદથી સુરતમાં છેલ્લા દોઢ મહિનાથી કોઈ પોલીસ કમિશનરની નિયુક્તિ કરવામાં આવી નથી. આ વચ્ચે છેલ્લા ચાર દિવસમાં આઠ જેટલી હત્યાના બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે. ગૃહપ્રધાન હર્ષ સંઘવીના ગૃહ ક્ષેત્રમાં કાયદા વ્યવસ્થાની આ સ્થિતિ ચર્ચાનો વિષય બની છે. ખટોદરા, મહીધરપુરા, અલથાણ, ચોક બજાર, લિંબાયત, સરથાણા અને વરાછા પોલીસ મથકમાં હત્યાનો બનાવ છેલ્લા ચાર દિવસમાં નોંધાયા છે.
- સુરતમાં લગ્નેતર સંબંધનો લોહિયાળ અંત, પ્રેમી સાથે મળી પત્નીએ કરી પતિની હત્યા - Surat Wife Killed Her Husband
- મિત્રએ મિત્રની હત્યા કરી, ચા પીતાં મિત્ર પર ચા ઢોળાઈ ગઇ હતી, ખટોદરા પોલીસે ભેદ ઉકેલ્યો - Surat Crime