અમદાવાદ: રાજ્ય GST વિભાગની એન્ફોર્સમેન્ટ બ્રાન્ચને મળેલી માહિતીના આધારે અને તેના પરિણામોના વિશ્લેષણના આધારે 11 નવેમ્બર 2024ના રોજ સુરત, રાજકોટ, ભરૂચ, વાપી, જૂનાગઢ અને ભાવનગરમાં તાંબાના વ્યવસાય સાથે સંકળાયેલી ફોર્ચ્યુન કોપર ઇન્ડસ્ટ્રીઝ અને ઇન્ફિનિટી એક્ઝિમ સહિત 14 કંપનીઓ સામે સર્ચ અને જપ્તીની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન બહાર આવ્યું કે, આ પેઢીઓ તાંબાની બોગસ ખરીદી બતાવીને મોટા પાયે કરવેરા ચોરી સાથે સંકળાયેલી હતી.
M/s. INFINITY EXIM કંપનીના ભાગીદારની ધરપકડ
આ સંદર્ભમાં, રાજ્યના GST વિભાગે અગાઉ 13 નવેમ્બર, 2024 ના રોજ સુરતમાંથી ફોર્ચ્યુન કોપર ઇન્ડસ્ટ્રીઝના ભાગીદાર સંદીપ વિરાણીની 19.46 કરોડથી વધુની GST ચોરી બદલ ધરપકડ કરી હતી. આ સંદર્ભમાં, ગઈકાલે, એટલે કે 3 ડિસેમ્બર 2024ના રોજ, રાજ્ય જીએસટી વિભાગે M/s. INFINITY EXIM કંપનીના ભાગીદાર પ્રગ્નેશ કંટારિયા રાજકોટ ખાતે સ્ટેટ GST સત્તાવાળાઓ સમક્ષ હાજર થતા તેની ધરપકડ કરવામાં આવી હતી.
પ્રગ્નેશ કંટારીયાએ કોપર સ્ક્રેપની બોગસ ખરીદીના આધારે છેતરપિંડીપૂર્ણ ઇનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો કરીને મોટી કરચોરી કરી હોવાનું જણાયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રગ્નેશ કંટારિયા સામે પણ અગાઉ સેન્ટ્રલ GST સત્તાવાળાઓ દ્વારા એક અલગ મામલે કરચોરી માટે કેસ કરવામાં આવ્યો હતો.
186 કરોડથી વધુના નાણાકીય વ્યવહાર દર્શાવી કરોડોની કરચોરી
ટેક્સ ક્રેડિટનો ખોટી રીતે લાભ મેળવવો એ GST કાયદાની કલમ-132 (1) (c) હેઠળ ગુનો છે, અને આ રીતે, તેની સ્પષ્ટ સંડોવણી શોધી કાઢ્યા પછી, વિભાગે વધુ તપાસ માટે ઈન્ફિનિટી એક્સિમના ભાગીદાર પ્રગ્નેશ કંટારિયાની ધરપકડ કરી. પ્રાથમિક તપાસ દર્શાવે છે કે M/s. INFINITY EXIM એ બોગસ કંપનીઓથી રૂ.186 કરોડથી વધુના બનાવટી નાણાકીય વ્યવહારો દર્શાવ્યા હતા અને રૂ. 34 કરોડથી વધુની કરચોરી કરીને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડ્યું હતું.
જેમ જેમ તપાસ આગળ વધે છે તેમ, એવી શક્યતા છે કે મોટી રકમની કરચોરી અને બાકી GST દેણદારી બહાર આવી શકે છે. આ મામલામાં સરકારી આવકના રક્ષણ અને પ્રાપ્તિ માટે યોગ્ય કાનૂની કાર્યવાહી સ્ટેટ GST વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: