ખેડા: BZ ગ્રુપના તાર હવે ખેડા જીલ્લામાં પણ જોડાયેલા સામે આવ્યા છે. BZ ગ્રુપના બે એજન્ટો ઉત્કંઠેશ્વર મહાદેવના કિરીટ સેવક અને પોપટસિંહ ચૌહાણની જુગલ જોડીએ લોકોના લાખો રૂપિયા ડુબાડ્યા હોવાનું સામે આવ્યુ છે. બંનેએ લોભામણી લાલચો આપી વિસ્તારમાં અનેક લોકોને પોન્ઝી સ્કીમમાં નાણા રોકાવ્યા હોવાની માહિતી બહાર આવી છે. જો કે BZ પોન્ઝી સ્કીમની ઘટના બહાર આવતા હાલ આ બંને એજન્ટો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. બંને સોશિયલ મીડિયામાં ચકાચોંધવાળા વીડિયો અપલોડ કરી લોકોને લલચાવતા હોવાનું પણ સામે આવ્યુ છે. જો કે વિસ્તારના રોકાણકારો કોઈ અજ્ઞાત ભયને કારણે હાલ સામે આવવાથી બચી રહ્યા છે.
હાલ બંને એજન્ટ ભૂગર્ભમાં: ઉત્કંઠેશ્વર મહાદેવ ખાતે આવેલી કિરીટ સેવકની ભૂદેવ દુકાનના શટર પડી ગયેલા જોવા મળી રહ્યા છે. તો તેમનો સાથીદાર પોપટસિંહ સોમજીભાઈ ચૌહાણ શિક્ષક તરીકે ખેડબ્રહ્માની પરોયા શાળામાં ફરજ બજાવે છે. હાલ વાઘજીપુર ગામ ખાતેના મકાનમાં તાળા લટકેલા જોવા મળી રહ્યા છે. BZ પોન્ઝી સ્કીમની ઘટના બહાર આવતા શિક્ષક અને તેનો પરિવાર ગામ છોડીને ચાલ્યા ગયા છે.
વાઘવજીપુર વિસ્તારના ચંદ્રકાન્ત સેવકે 57 લાખની પૈતૃક સંપત્તી વેચી જીવનમૂડી આ સ્કીમમાં રોકી હતી, ત્યારે મૂડી જોખમમાં જતા આભ ફાટ્યું છે. વિસ્તારમાં આવા અનેક લોકોએ નાણાં રોક્યા છે. જેને હાલ રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે. પરંતુ કોઈ અજ્ઞાત ભયને કારણે આ રોકાણકારો પણ હવે સામે આવવાથી બચી રહ્યા હોવાનુ જણાઈ રહ્યું છે.
![શિક્ષક અને તેનો પરિવાર ગામ છોડીને ચાલ્યા ગયા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/05-12-2024/gj-khd-02-bz-agent-av-gj10050_04122024183207_0412f_1733317327_308.jpeg)
સોશિયલ મીડિયા પર ચકાચૌંધવાળા વીડિયો અપલોડ કર્યા: પોન્ઝી સ્કીમની સમગ્ર ઘટના બહાર આવતા એજન્ટ કિરીટ સેવક અને પોપટસિંહની સ્પેશિયલ મોડસ ઓપરેન્ડી પણ બહાર આવી છે. બંને લોકોને લલચાવવા સોશિયલ મીડિયા પર ચકાચોંધવાળા વીડિયો અપલોડ કરતા હતા. બંને અવારનવાર દુબઈ, થાઈલેન્ડના વિદેશ પ્રવાસ કરી તેના વીડિયો પણ સોશિયલ મીડિયા પર અપલોડ કરતા હતા. તેમજ નવા વ્હીકલ છોડાવી તેના પણ વીડિયો અપલોડ કરી લોકોને રોકાણ કરવા માટે લલચાવતા હતા.
કિરીટ સેવક તેના ઈન્સ્ટાગ્રામ પર ચકાચૌંધવાળા લલચાવતા વીડિઓ થયા વાઈરલ: "બિઝનેસ સિર્ફ વહી બંદા કર સકતા હૈ જિસમેં રિસ્ક લેને કા દમ હો વરના બિના રિસ્ક કે તો નોકરી હૈ હી", "કિરીટ સેવકની ચોથી ઇન્ટરનેશનલ ટુર, લાખ લાખ અભિનંદન BZ ગ્રુપને, સપના હકીકત હો ગયા" જેવા લખાણ સાથે પોસ્ટ કરી લલચાવતો હતો. "દુબઈની મોજ કિરીટ સેવક સાથે," "નિંદર ક્યાથી આવે હજી તો BLACK SCORPIO લેવાની બાકી છે મારા વ્હાલા", "માય ન્યુ બુલેટ, BZ હૈ તો સબ મુમકીન હૈ", "જીદ હોની ચાહિયે કુછ હાંસલ કરને કે લિયે, વરના ઉમ્મીદ લગાકર તો હર કોઈ બેઠા હૈ, કિરીટ સેવક BZ ગ્રુપ" આવા અલગ અલગ કેપ્શન સાથે કિરીટ સેવક તેના ઈન્સ્ટાગ્રામ પર ચોકાવનારા વીડિયો વાઈરલ કરી રહ્યો હતો.
આ પણ વાંચો: