સુરત : વાહનચોરીના ગુનાઓમાં 11 વર્ષથી વોન્ટેડ આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચે દેવભૂમિ દ્વારકા ખાતેથી ઝડપી પાડ્યો છે. આરોપીએ પોતાના સાગરીત સાથે મળીને વર્ષ 2013માં સરથાણા વિસ્તારની એક સોસાયટીમાંથી 2 મોટરસાયકલની ચોરી કરી હતી.
11 વર્ષે ઝડપાયો આરોપી :આ બાબતે સુરત ક્રાઈમ બ્રાન્ચના PI કે. આઈ. મોદીએ જણાવ્યું કે, વર્ષ 2013માં સરથાણા પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીના 2 ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપી રાકેશ મુવાસીયા ચોંગડને સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દેવભૂમિ દ્વારકા ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે. આ પહેલા વર્ષ 2013માં સરથાણા પોલીસે વાહન ચેકિંગ દરમિયાન હાલ પકડાયેલા આરોપીના સાગરીતને ચોરીની બે મોટરસાયકલ સાથે ઝડપી પાડ્યો હતો. જેમાં આરોપી રાકેશનું નામ સામે આવ્યું હતું.
સુરતનો "બાઈક ચોર" :આરોપી અને તેના સાગરીતો સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં બાંધકામ સાઈટ પર મજૂરી કામ કરતા હતા. આ કામ દરમિયાન તેઓ આસપાસના વિસ્તારમાં ઘરમાં ચોરી કરવા માટે જતા હતા. પરંતુ તેમાં તેઓને રસ ન હોવાથી અંતે સરળતાથી પૈસા કમાઈ શકે તે માટે બાઈક ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો. જેમાં આરોપી અને તેના સાગરીતોએ સરથાણા વિસ્તારની એક સોસાયટીમાંથી 2 મોટરસાયકલની ચોરી કરી હતી.
સાગરીત સાથે મળી કર્યો ગુનો :ચોરી થતાં જ સોસાયટીના લોકો ઉઠી ગયા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. જેથી સરથાણા પોલીસે સમગ્ર વિસ્તારમાં વાહન ચેકીંગ હાથ ધરી હતી. જેમાં આરોપીના સાગરીત પ્રેમસીંગને 2 મોટર સાયકલ સાથે પોલીસે ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછ દરમિયાન હાલ પકડાયેલા આરોપીનું નામ ખુલ્યું હતું. તેને પકડી પાડવા પોલીસ અલીરાજપુર ગઈ, પરંતુ તે પકડાયો ન હતો. જેથી હાલ પકડાયેલા આરોપી રાકેશ મુવાસીયા ચોંગડને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. હાલ આરોપીની વધુ પૂછપરછ ચાલી રહી છે.
- સુરતમાં લાખોની ચોરીનો નોકરો પર આરોપ, ત્રણ આરોપી ઝડપાયા
- લાલચ આપી છેતરપિંડી, પોલીસે કરી સસરા-પુત્રવધુની ધરપકડ