કચ્છ: ફેબ્રુઆરી માસમાં બજેટ સમયે કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરવામાં આવી હતી.પરંતુ હાલમાં જિલ્લા મથક ભુજને પણ કોર્પોરેશનનો દરજ્જો લોકસભા ચૂંટણી બાદ મળી શકે છે તેવા અહેવાલો સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમોમાં પ્રકાશિત કરવામાં આવી રહ્યા છે જે એક પેઇડ ન્યુઝ હોવાનો અને મતદારોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા હોવાનું કોંગ્રેસ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.
ચૂંટણી સમયે મતદારોને ભરમાવવા પ્રયાસો: લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે આવા અહેવાલો થકી મતદારોને ભરમાવવા માટે આવા સમાચારો ફેલાવવામાં આવી રહ્યા હોવાનું ભુજ શહેર કોંગ્રેસના પ્રમુખે જણાવ્યું હતું તો બજેટ સમયે જ્યારે અન્ય 7 શહેરોને મહાનગરપાલિકાની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે પણ ભુજ નગરપાલિકાને પણ દરજ્જો આપવાની સત્તાવાર રીતે ઘોષણા કરવામાં આવી હોત પરંતુ ચૂંટણી સમયે આવા અહેવાલોનો ફેલાવો કરીને મતદારોને રીઝવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.
બજેટ સમયે શા માટે સતાવાર જાહેરાત ના કરાઈ: સમગ્ર બાબતે માહિતી આપતા ભુજ શહેર કોંગ્રેસના પ્રમુખ કિશોરદાન ગઢવીએ જણાવ્યું હતું કે, ચૂંટણી સમયે આવા પેઇડ ન્યુઝ ફેલાવીને લોકોને ભરમાવવામાં આવી રહ્યા છે. સૂત્રોના નામે અહેવાલો પ્રસિદ્ધ કરવામાં આવી રહ્યા છે. કોઈ શહેરી વિકાસ અધિકારી કે મંત્રીએ જાહેરાત કરી હોય તેવું ક્યાંય પણ નોંધવામાં નથી આવ્યું. બે મહિના અગાઉ જ્યારે બજેટમાં ગાંધીધામ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જા આપવાની વાત કરવામાં આવી ત્યારે જ શા માટે સત્તાવાર રીતે જાહેર કરવામાં ના આવ્યું.
ભૂતકાળમાં પણ ચૂંટણી સમયે કરાઈ હતી સિટી બસોની જાહેરાત: ભૂતકાળમાં પણ 2022ની વિધાનસભાની ચૂંટણી સમયે પણ ભુજને 9 કરોડના ખર્ચે નવી 22 જેટલી સિટી બસો મળશે તેવા પેઇડ સમાચારો પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. જે આજદિન સુધી સિટી બસની સેવા ભુજને મળી નથી અને જનતાને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતાં. ભાજપના નેતા દ્વારા મહાનગરપાલિકાના દરજ્જા માટે પ્રયત્નો પણ કરવામાં નથી આવ્યા. મહાનગરપાલિકા માટે યોગ્ય રજૂઆતો કરવી જોઈએ જે કરવામાં નથી આવી રહી અને ભાજપના નેતાઓના ભરોસે ભુજને મહાનગરપાલિકાનો દરજ્જો નહીં મળે તેવી વાત કરી હતી.
સતાવાર રીતે કોઈ જાહેરાત નથી કરાઈ:મહાનગરપાલિકાના દરજ્જા અંગેની જાહેરાત અંગે etv ભારતે ભુજ નગરપાલીકાના ચીફ ઓફિસર જીગર પટેલ સાથે ટેલીફોનીક વાતચીત કરી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે આ અંગે સતાવાર રીતે કોઈ પણ જાહેરાત કરવામાં આવી નથી અને કોઈ સૂચનો પણ નથી મળ્યા.જો આવી કોઈ જાહેરાત કરવામાં આવી હોય તો તેમને પત્ર દ્વારા જાણ કરવામાં આવશે.
ચીફ ઓફિસરને પ્રથમ જાણ કરાય છે: ભુજ નગરપાલિકાના ચેરમેન મહિદીપસિંહ જાડેજાએ etv Bharat સાથેની ટેલીફોનીક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, આ અંગે સતાવાર કોઈ જાહેરાત કરવામાં નથી આવી અને જો આવી કોઈ જાહેરાત હોય તો પણ ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસને પ્રથમ જાણ કરવામાં આવે અને દરજ્જા અંગેનો પત્ર પણ તેમને આપવામાં આવે છે.
- ક્ષત્રિય મહિલાઓએ પીએમ મોદીને લખ્યો પત્ર, મહીસાગરમાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન - Parshotam Rupala Controversy
- સયાજી હોસ્પિટલમાં રિનોવેશન સમયે ખોદકામ કરતાં ઓક્સિજનની પાઇપ તૂટી; દર્દીઓના જીવ તાળવે ચોંટ્યા - Sayaji Hospital Oxygen pipe broken