કેવડિયા: સોશિયલ મીડિયા પર ભ્રામક, લોકોને ગેરમાર્ગે દોરવા, અધકચરી માહિતી ઉપરાંત અરાજકતા ફેલાવનાર તત્વો સામે સાયબર ક્રાઈમ કડક હાથે કામ લઈ રહી છે. ત્યારે સોશિયલ મીડિયા પર આવી જ એક ભ્રામક ખબરને લઈને પોલીસે યુઝર સામે લાલ આંખ કરી છે અને કાયદાનું ભાન કરાવ્યું છે.
સ્ટેચ્યૂ ઓફ યુનિટીને લઈને વાંધાજનક પોસ્ટ: દુનિયાની સૌથી મોટી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યૂનિટીને લઇને સોશિયલ મીડિયા પર વાંધાજનક અને ભ્રામક માહિતી સાથેની પોસ્ટ કરવા બદલ યુઝર સામે પોલીસે ફરિયાદ નોંધીને કાયદાનું ભાન કરાવ્યું છે. ગત 8 સપ્ટેમ્બર 2024ના રોજ પોસ્ટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર @RaGa4India નામના એકાઉન્ટ પરથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીને લઈને કરવામાં આવી હતી.
SoUએ નોંધાવી પોલીસ ફરિયાદ: આ પોસ્ટમાં સ્ટેચ્યુ ઓફ યૂનિટીની 2018ની તસવીર મુકી "કભી ભી ગીર શક્તિ હૈ, દરાર પડના શુરૂં હો ગઇ હૈ"નો દાવો કરવામાં આવ્યો હતો. આ અંગેની પોસ્ટ સ્ટેચ્યુ ઓફ યૂનિટીના વ્યવસ્થાપકોની ધ્યાને આવતા પોલીસ સ્ટેશનમાં ખોટી અફવા ફેલાવવા બદલ X એકાઉન્ટ ધારક સામે ફરિયાદ નોંધાવી છે. SoUના નાયબ કલેક્ટર અભિષેક સિન્હાએ આ ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે.
PIBનું ફેક્ટ ચેક: જોકે પીઆઈબી ફેક્ટ ચેકની ટીમ દ્વારા પણ આ અંગે તપાસ કરવામાં આવતા સોશિયલ મીડિયા પર કરાયેલો સ્ટેચ્યુ ઓફ અંગેનો દાવો બિલ્કુલ ખોટો સાબિત થયો અને આ પોસ્ટ સંપૂર્ણ પણે ભ્રામક સાબીત થઈ. ટીમે કહ્યું કે, આ ફોટો વર્ષ 2018માં સ્ટેચ્યૂ ઓફ યુનિટીના નિર્માણ દરમિયાની છે.
દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા: મહત્વપૂર્ણ છે કે, સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ રૂપે નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે બાંધવામાં આવેલી 182 મીટર ઊંચી પ્રતિમા પ્રવાસીઓનું મુખ્ય આકર્ષણ છે. જ્યાં ન માત્ર ગુજરાત પરંતુ દેશ અને દુનિયાના હજારો પ્રવાસીઓ મુલાકાતે આવે છે. 31 ઓક્ટોબર 2018માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું અનાવરણ કર્યુ હતું.
- ભૂટાનના રાજા અને વડાપ્રધાન સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ગુજરાત આવ્યા, વડોદરા એરપોર્ટ પર કરાયુ ભવ્ય સ્વાગત - BHUTAN KING AND PM TO VISIT SOU
- Bill Gates at Statue of Unity: બિલ ગેટ્સ પહોંચ્યા સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા, વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા જોઈને થયા અભિભૂત