રાધનપુરમાં મસાલી શાળા સંચાલનની ગંભીર બેદરકારી પાટણ :રાધનપુર તાલુકાના મસાલી ગામમાં આવેલી શાળાના સંચાલકોની ઘોર બેદરકારી સામે આવી છે. આ શાળાના વિદ્યાર્થીઓને મીની ટ્રકમાં બેસાડીને પાટણ ખાતે શૈક્ષણિક પ્રવાસ માટે લાવ્યા હોવાનો વીડિયો સામે આવ્યો છે. શાળા સંચાલકોએ આ મીની ટ્રકમાં વિદ્યાર્થીઓને ખીચોખીચ બેસાડી તેમના જીવ ભયમાં મુકાય તેવી જોખમી મુસાફરી કરાવી હતી. આ પ્રવાસ અંગે શાળાના સત્તાધીશોએ કોઈ પરવાનગી લીધી છે કે કેમ તેની તપાસ પાટણ DPO દ્વારા શરૂ કરવામાં આવી છે.
આ નહીં સુધરે ? તાજેતરમાં જ વડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટનામાં શાળાના માસુમ વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા છે. આ ઘટનામાંથી બોધપાઠ લઈ બાળકોની સુરક્ષા માટે જરૂરી નિર્ણય લેવા જોઈએ, તેના બદલે ઘણા શાળા સંચાલકો પોતાની મનમાની કરી બેદરકારી દાખવી રહ્યા છે. ત્યારે રાધનપુરમાં મસાલી ગામની શાળા સંચાલનની બેદરકારીથી વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાતા હોવાની સાબિતીનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો વાયરલ થતાં જિલ્લા શિક્ષણ તંત્ર દોડતું થયું છે.
શાળા સંચાલકોની ઘોર બેદરકારી : પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મસાલી ગામની શાળામાં શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરાયું હતું. જોકે આ પ્રવાસ માટે શાળા સંચાલકો વિદ્યાર્થીઓને મીની ટ્રકમાં ખીચોખીચ બેસાડી પાટણ લઈ ગયા હતા. આ શાળાના વિદ્યાર્થીઓ જોખમી પ્રવાસ કરતા હોવાનો વીડિયો સામે આવ્યો છે. શાળા સંચાલકોની કામગીરી અને બેદરકારી પર અનેક સવાલો ઉભા થયા છે. શાળા દ્વારા પ્રવાસ અંગે DPO કે TPO ની પરવાનગી લીધી હતી કે કેમ તથા શાળા પ્રવાસ માટે વિદ્યાર્થીઓને આવી રીતે મીની ટ્રકમાં લઈ જઈ શકાય ?
વહીવટી તંત્રની કાર્યવાહી :આ સમગ્ર મામલો પાટણ DPO ની જાણમાં આવતા તેમને આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પાટણ DPO નરેન્દ્રસિંહ ચાવડાએ જણાવ્યું કે, આ પ્રકારે ટ્રકમાં પ્રવાસ કરી શકાય જ નહીં અને પેસેન્જર વાહન હોય તો જ પ્રવાસની પરવાનગી આપવામાં આવે છે. તાલુકા શિક્ષણાધિકારીને આ બાબતે તપાસ કરવા માટે સૂચના આપવામાં આવી છે. મસાલી શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને પ્રવાસ લઈ જવા અંગે પરવાનગી લેવામાં આવી હતી કે નહીં તે બાબત તપાસ કરવામાં આવી છે. તપાસમાં સત્ય બહાર આવશે તો શિક્ષકો સામે કાયદેસરની કાર્યવાહી કરાશે.
- Mamlatdar Suicide: હારીજના મામલતદારે કચેરીના ત્રીજા માળેથી પડતુ મુકી જીવન ટૂંકાવ્યું
- Patan Crime : પાટણમાં છ મહિનામાં બીજીવાર ત્યજી દીધેલ નવજાત મળ્યું, પાટણ સિવિલ હોસ્પિટલમાં સારવાર શરુ