અમરેલી: સાવરકુંડલાના ખાદી ભંડાર ખાતે આવેલી શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર શહેર અને તાલુકાના ગરીબ અને મધ્યમવર્ગના લોકો માટે આશીર્વાદ રૂપ ગણાઈ છે. કથાકાર મોરારિ બાપુની પ્રેરણા અને મુંબઈના સખી દાતાઓના સહયોગથી શ્રી વિદ્યા ગુરુ ફાઉન્ડેશનની રચના થઈ અને સંસ્થાએ આજથી 10 વર્ષ પહેલાં આ અદ્ભુત અને અદ્યતન હોસ્પિટલનું નિર્માણ કર્યુ.
20 લાખ દર્દીઓ અહીંથી સારવાર લઈને સાજા થયા
દર્દીઓને આ હોસ્પિટલમાં એક પણ રૂપિયો આપવો પડતો નથી (Etv Bharat Gujarat) અત્યાર સુધીમાં 20 લાખ દર્દીઓ અહીંથી સારવાર લઈને સાજા થયા છે. જ્યારે મહાનગરોમાં સારવાર અને ઓપરેશન ના થઈ શકે તેવી કપરી સ્થિતિઓ વચ્ચે પણ આ હોસ્પિટલના તબીબોએ નિર્ણાયક ભૂમિકા ભજવીને દર્દીઓના દુ:ખ દૂર કર્યા છે. શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરમાં સારવાર માટે આવેલા એક દર્દીના સગાએ પણ પોતાનો અનુભવ જણાવ્યો હતો.
''મારા ઘરનાને ડાયાબિટીસની મોટી તકલીફ હતી, અને પગમાં પણ ગેંગ્રીન થયેલું હતું, તેથી જુનાગઢ ઓપરેશન કરાવ્યુ પણ સફળ ન થયું, ત્યાર બાદ અમદાવાદ અને વડોદરા ગયો પણ ત્યાં પણ મેળ ન આવ્યો છેવટે અહીં સાવર કુંડલા આવ્યો તો અમારે સાવ મફતમાં ઓપરેશન થઈ ગયું, નહીંતર જમીન વેચી નાખત તો પણ ઓપરેશન ન થાત એટલો ખર્ચો થાય તેમ હતો અને અહીં ઓપરેશનથી લઈને સારવાર અને ભોજન એકદમ વિનામૂલ્યે થઈ ગયું અને અહીંના ડોક્ટર્સની ટીમ અશક્યને શક્ય કરી દીધું'' -મનજીભાઈ ગોવિંદભાઈ કોટડિયા, દર્દીના સગા
દર્દીઓની સારવારથી લઈને દર્દીઓના પરિવારજનોને નિ:શુલ્ક ભોજન
એક પણ રૂપિયો લીધા વગર નિઃશુલ્ક ચાલતી શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરમાં કેસ લખવાથી લઈને ડોકટરી તપાસ, ઓપરેશન, દવાઓ પણ નિઃશુલ્ક આપવામાં આવે છે, જ્યારે ઇન્ડોર દર્દીઓ અને દર્દીઓના સગા સંબંધીઓને પણ નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થાઓ પણ કરવામાં આવે છે.
નિસ્વાર્થ ભાવે ધમધમતી સાવરકુંડલાની શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર હોસ્પિટલ (Etv Bharat Gujarat) ... તો કેવી રીતે ચાલે છે આ હોસ્પિટલ ?
આજના આ યુગમાં આરોગ્યલક્ષી સેવાઓ વધુ મોંઘી દાટ બની હોય ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આરોગ્યની સેવાઓમાં શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરે ઇતિહાસ રચી દીધો છે, જ્યારે મુંબઇ સાથે અન્ય દેશોમાં સ્થાયી થયેલા સાવરકુંડલા પ્રેમીઓ દ્વારા જે રીતે દાનની સરવાણી વહેતી રહેતા લગભગ માસિક 70 લાખના ખર્ચેને આવરી લઈને આરોગ્યની સર્વોત્તમ સેવાઓ શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર પૂરી પાડી રહ્યું છે.
25 જેટલા ડોકટરો સાથે 70 જેટલા લોકોનો સ્ટાફ અવિરત પણે અહીં સેવાની ભાવના પ્રસરાવી રહ્યા છે, કથાકાર મોરારિ બાપુ દ્વારા આરોગ્ય લક્ષી હોસ્પિટલ માટે એક રામકથા પણ સાવરકુંડલામાં કરીને હવે અન્ય બે વિભાગો પણ શરૂ કરવા માટે નવ નિર્મિત બિલ્ડિંગ નિર્માણની કામગીરીઓ શરૂ કરવામાં આવી રહી છે. - હરેશ મહેતા, પ્રમુખ, શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર
આ પણ વાંચો
- સેફ્ટી એજ સેવા, અમરેલીની યુવતીએ રાત્રી દરમિયાન પશુ આધારીત અકસ્માતો નિવારવા શરૂ કર્યુ અભિયાન
- ખેતીનું દવાખાનું ! અમરેલી જીલ્લાના આ યુવાને ખેડૂતો માટે કર્યો એક અનોખો પ્રયાસ