રાજકોટઃરાજકોટમાં લાખો કરદાતાઓએ પ્રમાણિકતાપૂર્વક કરવેરો ભર્યો હતો, તો બીજી તરફ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો કરોડો રૂપિયાનો વેરો બાકી છે. ત્યારે છાત્રોને પ્રામાણિકતાનાં પાઠ ભણાવનાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પોતે જ વેરા ભરવામાં આવ્યા નથી. રાજકોટ મનપાના વેરા વિભાગની ટીમ આ વેરાની ઉઘરાણી કરવા માટે પહોંચી હતી. જોકે યુનિ.ના કુલપતિએ આ માટે રાજ્ય સરકાર સાથે પત્રવ્યવહાર ચાલુ હોવાનું અને સરકાર પાસેથી ફંડ મળતા તરત જ વેરો ભરવાની ખાતરી આપી હતી.
તંત્ર વેરો લેવા દોડ્યું પણ ખાલી હાથે પાછું વળ્યું
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિદ્યાનું મંદિર છે જ્યાં જ્ઞાન મેળવીને સારા નાગરિકો બનતા હોય છે પરંતુ શરમની વાત તો એ છે કે, આ યુનિવર્સિટી ખુદ પ્રમાણિકતા ભૂલી વેરો ભરવાનું ચૂકી ગઈ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ગતવર્ષ સુધીનો રૂ. 12 કરોડ મળીને કુલ રૂ.17 કરોડથી વધુનો મિલકત વેરો ભરવાનો બાકી છે. જેને લઈને આજે વેરા વિભાગની વેસ્ટ ઝોનની ટીમો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે વેરાની ઉઘરાણી કરવા માટે દોડી ગઈ હતી. જોકે આમ છતાં પણ બાકી વેરો વસૂલી શકાયો નહોતો.
RMCની વેરા ઉઘરાણી (Etv Bharat Gujarat) 17 કરોડનો વેરો બાકી
સમગ્ર મામલે મનપાના વેરા વિભાગના અધિકારી ફાલ્ગુનીબેન કલ્યાણીએ જણાવ્યું હતું કે, વેસ્ટ ઝોન વિસ્તારમાં હાલ બાકી વેરો વસુલવાની ઝુંબેશ ચાલી રહી છે. જે અંતર્ગત બાકીદારોને નોટિસ આપવામાં આવી છે. અમારી ટીમ્સ દ્વારા રૂબરૂ જઈને વેરા વસુલાત કરવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. નોટિસ આપવા છતાં વેરો નહીં ભરનારા આસામીઓની મિલકત સીલ કરવા સુધીની કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે અમારી ટીમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે પણ પહોંચી હતી. હાલ યુનિવર્સિટીનો કુલ રૂ. 17 કરોડ કરતા વધુ વેરો બાકી છે.
રાજ્ય સરકાર પાસે ફંડ માંગવામાં આવ્યું
તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કાર્યકારી કુલપતિ ડૉ. કમલ ડોડિયાએ જણાવ્યું હતુ કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બાકી વેરા બાબતે આજે કોર્પોરેશનની ટીમ આવી હતી જેમાં હાલ રૂ. 15 કરોડ જેટલો વેરો બાકી હોવાનું મારા ધ્યાનમાં આવ્યું છે. જે બાબતે હાલ રાજ્ય સરકાર સાથે પત્ર વ્યવહાર ચાલુ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો કેટલો ભાગ રૈયા ગામમાં આવે છે અને કેટલો ભાગ મુંજકા ગામમાં આવે છે તે બાબત નક્કી કરવાની પણ બાકી છે. જે બાદ વેરો ભરવાનો રહેશે. તેમજ હાલ વેરાના નાણા ભરવા માટે રાજ્ય સરકાર પાસે ફંડ માંગવામાં આવ્યું છે. જે મળી ગયા બાદ તરત વેરાની બાકી રકમ નિયમ મુજબ ભરપાઈ કરવામાં આવશે.
- જામનગરમાં જી.જી હોસ્પિટલ પાસે લટાર મારતી નીલગાય દેખાઈ, સોશિયલ મીડિયા પર વાઇરલ થયો વીડિયો
- સુરત નજીક મળ્યો સળગેલી હાલતમાં મૃતદેહ, પોસ્ટમોર્ટમમાં થયો ચોંકાવનારો ખુલાસો