બનાસકાંઠા: વડગામ તાલુકામાં પાણીના તળ ઊંડા જતા અગાઉ ખેડૂતોએ રેલી અને આંદોલન કરીને કરમાવત તળાવ અને મુક્તેશ્વર ડેમમાં નર્મદાના નીર નાખવા માટેની ઉગ્ર રજૂઆતો કરી હતી. જે બાદ સરકાર દ્વારા 192 કરોડ રૂપિયાના ખર્ચે પાટણના ડીંડરોલથી મુક્તેશ્વર ડેમ અને કરમાવત તળાવ સુધી પાઇપલાઇન નાખી નર્મદાના નીર લાવવા તૈયારી બતાવી છે, ત્યારે ડીંડરોલ મુક્તેશ્વર યોજનાની પાઈપલાઈન જ્યાંથી પસાર થવાની છે તેના રસ્તામાં આવતા 17 ગામના તળાવ ભરવાની માંગ કરી છે. જો આ ગામ તળાવ ભરાય તો વડગામ તાલુકામાં ઊંડા ગયેલા પાણીના તળ ઊંચા આવી શકે છે જેથી જીગ્નેશ મેવાણી ધારાસભ્ય સાથે ખેડૂતોએ પાલનપુર કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને વડગામ તાલુકાના 17 ગામ તળાવોને ડીંડરોલ મુક્તેશ્વર યોજનામાં સમાવેશ કરવાની માંગ કરી છે.
જીગ્નેશ મેવાણીની રજૂઆત: ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જણાવ્યું કે, ફતેગઢ ગામનું બળાસર તળાવ જે 46 એકરનું મોટુ ગામ તળાવ છે જેને નર્મદાના પાણીથી ભરવાની આ પ્રોજેકટમાં બાદબાકી કરાઈ છે અમારી માંગ છે કે, વડગામ તાલુકાના 17 ગામના ગામ તળાવ ભરવામાં આવે અગાઉ પણ અમે તેમજ વિસ્તારના લોકોએ લડત આપીને કર્માવત તળાવ અને મુક્તેશ્વર ડેમને નર્મદાના નીરથી ભરવા રજૂઆતો કરી છે. જે બાદ સરકારે પ્રોજેકટને મંજૂરી તો આપી છે પરંતુ ડીંડરોલ મુક્તેશ્વર યોજનાની પાઈપલાઈનના રસ્તામાં આવતા 17 ગામોના તળાવ ભરવામાંથી બાદબાકી કરાઈ છે, જો આ તળાવ ભરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરીશું તેવી ચીમકી પણ ધારાસભ્યએ ઉચ્ચારી છે.
આઉટસોર્સિંગ કર્મચારીઓને લઘુત્તમ વેતન ચૂકવવાની રજૂઆત: જીગ્નેશ મેવાણી આ સાથે બનાસકાંઠા જિલ્લાની તમામ કચેરીઓમાં સફાઈ કામદાર તેમજ અન્ય આઉટસોર્સિંગ કર્મચારીઓને લઘુતમ વેતન ચૂકવવા માટેની પણ માંગ કરી છે જીગ્નેશ મેવાણી એ કહ્યું કે, મારી વારંવારની રજૂઆતો છતાં બનાસકાંઠા જિલ્લા કલેકટર કચેરીના તમામ આઉટસોર્સિંગ કર્મચારીઓ તેમજ જિલ્લાની તમામ ઓફિસોમાં કામ કરતા આઉટસોર્સિંગ કર્મચારીઓને લઘુત્તમ વેતન ચૂકવવામાં નથી આવતું ત્યારે મારી એ માંગ છે કે આ તમામ કર્મચારીઓને લઘુત્તમ વેતન ચુકવવામાં આવે.
પાલનપુર કલેકટર કચેરી ખાતે પહોંચેલા ખેડૂતોએ અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ વડગામ તાલુકાના ખેડૂતોને પાણી આપો પાણી આપો અને ખેડૂતોને ન્યાય આપો સાથે જ 17 તળાવોને મુક્તેશ્વર પ્રોજેક્ટ પ્રોજેક્ટમાં સમાવેશ કરોના સૂત્રોચ્ચાર કર્યા હતા ત્યારે આગામી દિવસોમાં સરકાર આ અંગે કેવો નિર્ણય લે છે તે જોવું રહ્યું.
આ પણ વાંચો: