ભાવનગર: જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના માટે જિલ્લા ગ્રામીણ વિકાસ એજન્સી (District Rural Development Agency) દ્વારા સર્વે કામગીરી હાથ ધરવામાં આવશે. જો કે તેમાં કેટલાક ધારા ધોરણો નક્કી કરવામાં આવ્યા છે. ગ્રામીણ વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના માટે 1.20 લાખની સહાય આપવામાં આવશે, પરંતુ તેના ધારા ધોરણો શું છે આ રકમ કોને મળવા પાત્ર છે ચાલો જાણીએ.
શહેરોમાં પ્રધાનમંત્રી આવાસ બાદ હવે ગ્રામ્ય કક્ષાએ પણ સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) માટે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. ભાવનગરની ગ્રામીણ વિકાસ એજન્સી દ્વારા ઓનલાઈન સર્વે અને વધુ માહિતી માટે પંચાયત કચેરી અને તાલુકા પંચાયત કચેરીનો સંપર્ક કરવા માટે જણાવવામાં આવ્યું છે.

જિલ્લામાં વસ્તી અને ગ્રામ્ય પ્રધાનમંત્રી આવાસ સર્વે: ભાવનગર જિલ્લામાં 10 તાલુકાઓ આવેલા છે ત્યારે વસ્તી કુલ 18 લાખ આસપાસ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત આવાસના બાંધકામ માટે સર્વે શરૂ કરવામાં આવ્યો છે. ઉપરાંત ઓનલાઇન સર્વે અને વધુ માહિતી માટે પંચાયત કચેરી અને તાલુકા પંચાયત કચેરી તેમજ નક્કી કરેલા સર્વેયરનો સંપર્ક કરવાનો રહેશે. જો કે સર્વે માટે છેલ્લી તારીખ 31 જાન્યુઆરી, 2025 છે. આ સહાય માટે નવો સર્વે વર્ષ 2024-25 થી વર્ષ 2028-29 સુધીનો હાથ ધરવામાં આવ્યો છે.
કેટલા લાખની સહાય અને ધારા ધોરણો: શહેરી વિસ્તારમાં મહાનગરપાલિકા અને નગરપાલિકા હસ્તક સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો બનાવવામાં આવ્યા છે. હવે ગ્રામ્ય કક્ષાએ પણ પ્રધાનમંત્રી આવાસ માટેનો લાભ ગરીબ વર્ગના લોકોને મળી રહે તે હેતુસર જિલ્લા ગ્રામીણ વિકાસ એજન્સી અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના માટે એક સર્વેનું આયોજન કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા આવાસ બાંધકામ માટે 1,20,000 ની સહાય નવા સર્વે પ્રમાણે વ્યક્તિગત ધોરણે આપવામાં આવશે.

ધારા ધોરણો શુ અને શું 'ન' હોવું જોઈએ લાભાર્થી પાસે: સહાય મેળવવા માટે નીચે મુજબની વસ્તુઓ તમારી પાસે ન હોવી જોઈએ:
- થ્રી વ્હિલ/ફોર વ્હિલ વાહન ન હોવું જોઈએ
- ખેતી લાયક સાધન થ્રી વ્હિલ/ફોર વ્હિલ વાહન ન હોવું જોઈએ
- રૂપિયા 50,000 થી ઉપર કીસાન ક્રેડીટ લીમીટ ન હોવું જોઈએ
- ઘરનો કોઈ વ્યક્તિ સરકારી કર્મચારી ન હોવો જોઈએ
- ઘરનો કોઈ પણ વ્યક્તિ સરકાર સાથે નોંધાયેલ બિન કૃષિ ઉદ્યોગો ધરાવતા ન હોવા જોઈએ
- પરીવારના કોઇ પણ વ્યક્તિની માસિક આવક રૂપિયા 15000 થી વધુ ન હોવી જોઈએ
- ઇન્કમ ટેક્સ ભરતો ન હોવો જોઈએ
- પ્રોફેશનલ ટેક્સ ભરતો ન હોવો જોઈએ
- 2.5 એકર અથવા તેનાથી વધુ પિયત જમીન ન હોવી જોઈએ
- 5 એકર અથવા તેનાવી વધુ બિન પિયત જમીન ન હોવી જોઈએ
આ ઉપરાંત નિયામક, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભાવનગરના જણાવ્યા અનુસાર, ઓનલાઇન સર્વે અને વધુ માહિતી માટે લગત ગ્રામ પંચાયત કચેરી, નિમણુક થયેલ સર્વેયર તેમજ લગત તાલુકા પંચાયત કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.
આ પણ વાંચો: