અમદાવાદ: સપ્તક સંગીત મહોત્સવનો નવમો દિવસ પણ પૂર્ણ થઈ ગયો છે. સપ્તકના આ નવમા દિવસે સરોદ વાદક ઉસ્તાદ અમજદ અલી ખાનના સરોદવાદન, રિતેશ-રજનીશ મિશ્રાના ભક્તિ સંગીત અને સ્વપ્નિલ સૂર્યવંશીના પખાવજ સંગીતનો અદભૂત માહોલ ઉભો કર્યો હતો. સપ્તકના નવમા દિવસની કલાકારોની વિશિષ્ટ રજૂઆત કેવી રહી ચાલો જાણીએ...
પખાવજના યુવા કલાકાર સ્વપ્નિલ સૂર્યવંશીએ કરી કમાલ:
સપ્તકના નવમા દિવસની પ્રથમ સત્રનો આરંભ મૂળ પુણેના યુવા કલાકાર સ્વપ્નિલ સૂર્યવંશીના પખાવજ થકી ભક્તિમય સંગીતથી થઈ હતી. પંડિત નંદન મહેતા, તાલ વાદ્ય સ્પર્ધાના વિજેતા સ્વપ્નિલ સૂર્યવંશીએ પખાવજના માધ્યમ થકી એકલ વાદન રજૂ કર્યું હતું. સ્વપ્નિલ સૂર્યવંશીએ ચૈતાલથી શરૂઆત કરી સાથે પોતાની પ્રસ્તુતિમાં તેમણે પારંપરિક પ્રાદેશિક બંદિશમાં શબ્દો થકી વિવિધ ભક્તિના સૂરો પખાવજ થકી રજૂ કર્યા હતા. પોતાના હાર્મોનિયમ પર સાથી યશવંત ચિટે સહ મહાદેવ અને હરિ ઓહ્મના નાદ સાથે તેમના વદનમાં ભક્તિ તત્વોના સમન્વયથી ભક્તિમય માહોલ ઉભો કર્યો હતો.
પંડિત રાજન મિશ્રાના પુત્રોએ બનારસ ઘરાના'ના ગાન થકી માહોલ સંગીતમય બનાવ્યું:
બીજા સત્રમાં બનારસના પંડિત રાજન મિશ્રાના બે પુત્રો પંડિત રિતેશ મિશ્રા અને રજનીશ મિશ્રાએ શાસ્ત્રીય ગાન થકી સંગીતમય માહોલ ઉભો કર્યો હતો. પંડિત રિતેશ મિશ્રા અને પંડિત રજનીશ મિશ્રાએ પોતાની આગવી ગાયકીના અંદાજમાં રાગ બિહાગમાં બડા ખ્યાલમાં વિલંબિત એકતાલની પ્રસ્તુતિ કરી હતી. પંડિત રિતેશ મિશ્રા અને પંડિત રજનીશ મિશ્રાએ બંદિશ 'ચલી પ્યારી પ્યારે કો મિલન..,' 'મદમાતી કોયલીયા બોલે બાગ મે..,' 'બાજો રે ડફ બાજો..,' અને 'અંતિમ જગત મે જૂઠી દેખી પ્રીત..,' જેવા ભજન ગાઈ વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું.
સરોદ વાદક ઉસ્તાદ અમજદ અલી ખાને સરોદ પર 'વૈષ્ણવજન' અને 'રામ નામનો સૂર' રેલાવ્યો:
સપ્તકના નવમા દિવસના અંતિમ સત્રમાં સરોદ વાદકના મહાન કલાકાર ઉસ્તાદ અમજદ અલી ખાને પોતાની રજૂઆતના આરંભમાં ગુજરાતી કવિ નરસિંહ મહેતાની રચના 'વૈષ્ણવજન તો તેને રે કહીએ..,' વગાડી માહોલ સર્જ્યો હતો.
ઉસ્તાદ અમજદ અલી ખાન સાહેબ એ ત્યારબાદ 'રઘુપતિ રાઘવ..,' ની ધૂન વગાડી ઉપસ્થિત શ્રોતાઓના મન હરી લીધા હતા. તેમણે તેમની રજૂઆતના પ્રારંભમાં ભારતીય સંગીતના દિગ્ગજ કલાકાર તબલા વાદક ઉસ્તાદ ઝાકિર હુસૈન અને સપ્તકના સહસ્થાપક મંજુ મહેતાને શબ્દાંજલિ આપી હતી.
"દુર્ગા રો રહી હૈ" - સરોદ વાદક ઉસ્તાદ અમજદ અલી ખાન
ઉસ્તાદ અમજદ અલી ખાને પોતાના સરોદ વાદનમાં રાગ દુર્ગા થકી પ્રસ્તુતિ કરી હતી. તેમણે આપણા દેશમાં દુર્ગા સ્વરૂપ સ્ત્રીઓ સાથે થતા ભેદભાવ અને દુષ્કર્મ અંગે પોતાની ચિંતા પ્રગટ કરી હતી. ઉસ્તાદ અમજદ અલી ખાને દેશમાં સ્ત્રી સાથે દુષ્કર્મ કરનાર ગુનેગાર માટે ફાંસીની સજાનો અનુરોધ કર્યો હતો. તેમણે માતાને સંતાનોના પ્રથમ ગુરુ ગણાવી હતી.
પોતાની અંતિમ રજૂઆતમાં તેમણે રવીન્દ્રનાથ ટાગોર રચીત 'એકલો જાને રે..,' ની પ્રસ્તુતિ કરી ઉપસ્થિત શ્રોતાઓની દાદ મેળવી હતી.
આમ, સપ્તકનો નવમો દિવસ દિગ્ગજ કલાકારોની પ્રસ્તુતિ થકી સુરમય બન્યો હતો. ઉસ્તાદ અમજદ અલી ખાન સાહેબમાં સ્ત્રી સન્માન પર પોતાના વિચારો અને પંડિત રાજન મિશ્રાના પુત્રો પંડિત રિતેશ મિશ્રા અને પંડિત રજનીશ મિશ્રાની બંધુ બેલડીના મધુર વાદનથી નવમો દિવસ યાદગાર બન્યો હતો.
આ પણ વાંચો: