અમદાવાદ:થોડા સમય પહેલા કોલકાતામાં જુનિયર ડોક્ટર પર રેપ-મર્ડર કેસના વિરોધમાં હડતાળ પર ઊતરેલા રાજ્યભરના રેસિડેન્ટ ડોક્ટરો વધુ એકવાર તેમને મળતા સ્ટાઈપેન્ડના મુદ્દે આજે હડતાળ પર ઉતર્યા છે. આજ અનુસંધાને શહેરની સિવિલ હોસ્પિટલ, સોલા સિવિલ હોસ્પિટલ, LG હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ અને SVP હોસ્પિટલ ખાતે તમામ OPD સેવાઓ બંધ રાખી માત્ર ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખીને રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે.
રેસિડેન્ટ અને ઇન્ટર્ન ડોક્ટરની હડતાલ:અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બીજે મેડિકલ કેમ્પસમાં રેસિડેન્ટ અને ઇન્ટર્ન ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે. સ્ટાઈપેન્ડ મામલે ડોક્ટરોએ હડતાળ શરૂ કરી છે. જ્યાં સુધી સરકાર દ્વારા સ્ટાઈપેન્ડ વધારવાનું તથા સ્ટાઈપેન્ડ દર 3 વર્ષે વધારવાનો નિર્ણય કરવામાં નહીં આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે. 1 લાખથી વધુની રકમનું સ્ટાઈપેન્ડ લાંબા સમયથી રેસિડેન્ટ ડોક્ટરોને આપવામાં આવે છે. તેમાં પણ સરકારે 20 ટકાનો વધારો કરીને 1.30 લાખ સુધીનું કર્યું છે. દેશમાં અન્ય રાજ્યોમાં આપતા સ્ટાઈપેન્ડની સામે ગુજરાતમાં રેસિડેન્ટ ડોક્ટરોને અપાતું સ્ટાઈપેન્ડ વધુ છે.
ગુજરાતમાં 1 વર્ષનો બોન્ડ: વધુમાં અન્ય રાજ્યોમાં 3 વર્ષના બોન્ડ જેની સામે ગુજરાતમાં 1 જ વર્ષનો બોન્ડ છે. આ ઇન્ટર્ન અને રેસિડેન્ટ ડોક્ટરોને ભણાવતા કરાર આધારિત પ્રોફેસરો કરતાં વધુ રકમ સ્ટાઇપેન્ડરૂપે આ રેસિડેન્ટ ડોક્ટરોને અપાય છે.જુનિયર ડોક્ટર એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ ડૉ. સશાંક અસારા એ ETV BHARAT સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, તેઓની પૈસા માટેની લડાઈ નથી. તેઓના સ્વાભિમાન માટેની લડાઈ છે. જે 40 ટકા વધારો દર વખતે દેવામાં આવતો હતો તે ઓછો કરીને માત્ર 20 ટકા દેવામાં આવ્યો છે. અમે એવું નથી કહેતા કે પૂરતો 40% નો વધારો આપો. પરંતુ સાવ 20% ટકાનો વધારો પણ અમને માન્ય નથી.
40 % વધારાની માંગ સાથે હડતાલ:બીજે મેડિકલ કોલેજના પીજી ડિરેક્ટર ડૉ. મીનાક્ષી પરીખે જણાવ્યું કે, શનિવારે સાંજે સાંજથી જ રેસીડેન્ટ અને ઇન્ટર્ન ડોક્ટરો દ્વારા આવેદનપત્ર આપીને સોમવારે હડતાલ કરવાની ચીમકી આપવામાં આવી હતી. પરંતુ આ યોગ્ય નથી. દિલ્હી સિવાય બધા રાજ્યો કરતા વધારે ગુજરાત રાજ્યની અંદર રેસિડેન્ટ ડોક્ટરને સ્ટાઈપેન્ડ મળે છે. તે ઓછું ન કહેવાય સાથે તેમણે એ પણ જણાવ્યું હતું કે, જે પ્રકારે આ રેસિડેન્ટ ડોક્ટર 40% વધારાની માંગ સાથે હડતાલ પર ઉતર્યા છે. દર 3 વર્ષે 40% નો વધારો કરવો તેવો કોઈ ઠરાવ કરવામાં આવેલો નથી.
110 મેડીકલ ઓફિસરને ફરજ પર મૂકાયા: પીજી ડોક્ટરે જણાવ્યું કે, અમે તેમની સાથે વાટોઘાટો કરીને હડતાલનો અંત આવે તે પ્રકારની કોશિશ કરી રહ્યા છીએ. સાથે દર્દીઓને હાલાકી ના ભોગવવી પડે તે માટે પણ અમે 110 જેટલા મેડિકલ ઓફિસરને તેમના સ્થાને ફરજ માટે મૂક્યા છે. 1100 જેટલા રેસીડેન્ટ અને ઇન્ટર્ન ડોક્ટરો જ્યારે હડતાલ પર છે. ત્યારે તેમની સામે 110 મેડિકલ ઓફિસરોનો આંકડો ઓછો કહેવાય પરંતુ ઇમરજન્સીમાં અને જે લોકો વોર્ડની અંદર દાખલ છે. લોકોને હાલાકી ન ભોગવવી પડે તે બાબતની અમે તકેદારી લઈ રહ્યા છીએ.