ગુજરાત

gujarat

ETV Bharat / state

ચારેકોર પાણી-પાણી પણ "એકતા" ન હારી : કલાણા ગામની સગર્ભાનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન - Pregnant woman rescue - PREGNANT WOMAN RESCUE

રાજકોટના ધોરાજી અને ઉપલેટા પંથકમાં ખાબકેલા ધોધમાર વરસાદની વચ્ચે સગર્ભાને હોસ્પિટલ લઈ જઈ રહેલી 108 એમ્બ્યુલન્સ પાણીમાં ફસાઈ હતી. શું કરવું કંઈ સમજાતું નહોતું, ત્યારે સ્થાનિક લોકો અને વહીવટી તંત્ર આગળ આવ્યું અને શરુ થયું, દિલધડક રેસ્ક્યુ ઓપરેશન

દિલધડક રેસ્ક્યુ ઓપરેશન
દિલધડક રેસ્ક્યુ ઓપરેશન (ETV Bharat Reporter)

By ETV Bharat Gujarati Team

Published : Jul 20, 2024, 11:15 AM IST

રાજકોટ :ધોરાજી અને ઉપલેટા પંથકમાં અનરાધાર 15 ઇંચ જેટલા વરસાદના કારણે ચોતરફ પાણી ફરી વળ્યાં છે. તેવી સ્થિતિમાં ધોરાજીનું કલાણા ગામ પાણીના વહેણના કારણે સંપર્કથી વિખૂટા પડી ગયું હતું. આ પરિસ્થિતિમાં રસ્તા પર વાહન ચલાવવા અતિ મુશ્કેલ બની ગયા હતા. તે સમયે કલાણા ગામની 20 વર્ષીય સગર્ભા વનીતાબેન મહેન્દ્રભાઈને પ્રસુતિની પીડા ઉપડી હતી, પણ કરવું શું...

સગર્ભાને ઉપડી પ્રસુતિ પીડા :કલાણા ગામની 20 વર્ષીય સગર્ભાને પ્રસુતિની પીડા ઉપડતા સવારે 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. સગર્ભાને લેવા 108 એમ્બ્યુલન્સ ગામમાં પહોંચી તો ખરી, પણ સગર્ભાને હોસ્પિટલ સુધી લઈ જવામાં મોટી બાધા ઉભી હતી. અનરાધાર વરસાદ અને પાણીના ભારે વહેણના કારણે વચ્ચે આવતા તમામ ગામોના રસ્તા પર પાણીના વહેણ ફરી વળ્યા હતા. જેમાં એમ્બ્યુલન્સ રોડ વચ્ચે ફસાઈ ગઈ હતી.

દિલધડક રેસ્ક્યુ ઓપરેશન (ETV Bharat Reporter)

પાણી વચ્ચે એમ્બ્યુલન્સ ફસાઈ :આ મુશ્કેલીની વેળાએ દર્દીને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવા રેસ્ક્યુ ઓપરેશન કરવું પડે તેમ હતું. આથી ધોરાજી મામલતદારને જાણ કરવામાં આવી હતી. જેઓએ ગામના સરપંચ સાથે ચર્ચા કરી 108 એમ્બ્યુલન્સને યોગ્ય રસ્તે બહાર લાવવા જણાવ્યું હતું. આ સમયે ગ્રામજનોએ ટ્રેકટરની મદદથી રસ્તાનો અંદાજ કાઢી પાણી કેટલા ફૂટ રસ્તા પર વહે છે અને વહેણનું જોર કેટલું છે તે જાણ્યું.

ગ્રામજનો મદદે આવ્યા :ત્યારબાદ ટ્રેક્ટરની પાછળ પાછળ 108 એમ્બ્યુલન્સ ચલાવવામાં આવી હતી. ત્યારબાદ આગળના ગામ ઉપલેટાના કાથરોટાની પણ આવી જ પરિસ્થિતિ હતી. રસ્તા પાણીમાં ડૂબી ગયા હોવાથી આ તકે ઉપલેટા મામલતદાર મદદે આવ્યા હતા. તેઓએ સરપંચને જાણ કરી ગામના અન્ય રસ્તે 108 એમ્બ્યુલન્સ બહાર નીકળે તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.

ત્રણ કલાકની પડકારજનક સફર :કાથરોટા ગામમાંથી સલામત બહાર નીકળ્યા બાદ સમઢીયાળા ગામે પણ પાણીના વહેણ રસ્તા પર ફરી વળ્યાં હતાં. આ તકે મામલતદારે પોતે જ દોરડા બાંધી વહેણ વચ્ચે એમ્બ્યુલન્સ સુધી પહોંચી દર્દીની ખબર લીધી હતી. તેમજ જરૂર પડ્યે JCB માં દર્દીને લઈ જવાની તૈયારી દર્શાવી. પરંતુ દર્દીને કોઈપણ પ્રકારનું જોખમ ન લેવાની સ્થિતિમાં અન્ય રસ્તે એમ્બ્યુલન્સ આગળ વધારી ત્રણ કલાકની જહેમત બાદ 108 ઉપલેટા સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ પહોંચી હતી.

મહિલા સંપૂર્ણ સ્વસ્થ :108 ઈમરજન્સી સેવાના પ્રોજેક્ટ મેનેજર ચેતનભાઈએ સમગ્ર ઘટના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, સવારે 09:00 થી બપોરના 12:00 વાગ્યા સુધીના ઘટનાક્રમ દરમિયાન સગર્ભાની તબિયત અંગે સતત માર્ગદર્શન મેળવવામાં આવી રહ્યું હતું. ટીમ દ્વારા વિડીયો કોલ કરી જરૂરી સારવાર આપવામાં આવી રહી હતી. જરૂર પડ્યે એમ્બ્યુલન્સમાં જ પ્રસૂતિ માટે ટીમ તૈયાર રાખવામાં આવી હતી. પરંતુ આ મુશ્કેલ સમયમાં મહિલાને સતત હિંમત પૂરી પાડતી ટીમ હોસ્પિટલ સુધી દર્દીને સુખરૂપ પહોંચાડવા સફળ રહી હતી. મહિલા સંપૂર્ણ સ્વસ્થ હોવાનું ડોક્ટર્સે જણાવ્યું છે.

સફળ રેસ્ક્યુ ઓપરેશન :આ તકે રાજકોટ કલેકટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ઉપલેટા મામલતદાર એમ. ટી. ધનવાણી, નાયબ મામલતદાર મહેશ કરંગીયા, ધોરાજી મામલતદાર એ.પી. જોશી, પોલીસ વિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશનમાં માનવીય મદદ કરી હતી. આ તકે કલેકટર દ્વારા 108 અને ધોરાજી તેમજ ઉપલેટાની વહીવટી તંત્રની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે. ચોમાસાની ઋતુમાં ખૂબ જ કઠિન પરિસ્થિતિમાં પણ 108 એમ્બ્યુલન્સ સમયસર પહોંચી ઇમર્જન્સીમાં દર્દીને સધિયારો પૂરો પાડવાનું શ્રેષ્ઠ ઉદાહરણ આ તકે પૂરું પાડ્યું છે.

  1. પોરબંદરમાં વરસાદનો કહેર, SP અને પોલીસ વિભાગ દ્વારા લોકોનું રેસ્ક્યુ કરવા ટીમ તૈનાત
  2. સંકટ મોચન સુરત ફાયર વિભાગ : તાપી નદીમાં છલાંગ લગાવનાર આધેડનો જીવ બચાવ્યો

ABOUT THE AUTHOR

...view details