અમદાવાદ:ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં જે રાજ્યસભાના સાંસદો નિવૃત થયા છે એમના સ્થાને 27, ફેબ્રુઆરી-2024ના રોજ ચૂંટણી યોજાવાની છે. ગુજરાતથી ચાર રાજ્યસભાના સાંસદો બિન હરીફ ચૂંટાવાના છે. કોંગ્રેસ પાસે સંખ્યાબળ નથી એટલે કોઈ ઉમેદવારને રાજ્યસભાની ચૂંટણીમાં ઉતારશે નહી. ભાજપે આજે વસંતપંચમીના દિવસે ચાર ઉમેદવારો 1. જે. પી. નડ્ડા 2. ગોવિંદ ધોળકિયા 3. મયંક નાયક અને 4. ડો. જશવંતસિંહ પરમાર જાહેર કર્યા છે. છેલ્લા 25 વર્ષથી ભાજપ રાજ્યસભાની ચૂંટણીમાં ગુજરાત બહારથી એક ઉમેદવારને સતત ઉતારતું આવ્યું છે.
આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાને ગુજરાતથી રાજ્યસભાના ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. દેશના વિદેશમંત્રી એસ. જયશંકર પણ ગુજરાતથી રાજ્યસભાના સાંસદ છે. આજે ભાજપે સૌરાષ્ટ્રના બે પાટીદાર નેતા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા અને કૃષિ - ખેડૂત કલ્યાણ વિભાગના રાજ્યમંત્રી પુરુષોત્તમ રૂપાલાને ફરીથી રિપિટ નહીં કરીને લોકસભાની ચૂંટણી પહેલાં પુનરાવર્તન નહીં, પરિવર્તનનો સૂર આલાપ્યો છે.
જે. પી. નડ્ડાને બનશે ગુજરાતથી રાજયસભાના સાંસદ
ભાજપના કેન્દ્રીય પક્ષ પ્રમુખ જગત પ્રસાદ નડ્ડા ઉર્ફે જે. પી. નડ્ડાને ગુજરાતથી રાજ્યસભાના ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. હિમાચલપ્રદેશથી જે. પી. નડ્ડા ત્રણ વખત ધારાસભ્ય બન્યા હતા. 1993 થી 2012 સુધી સળંગ જે. પી. નડ્ડા ધારાસભ્ય બન્યા હતા. 1998 થી 2003 સુધી તેઓ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના મંત્રી હતા. 2014માં તેઓ પ્રથમવાર રાજ્યસભાના સાંસદ બન્યા હતા. 2014 થી 2019માં જે.પી. નડ્ડા કેન્દ્ર સરકારમાં આરોગ્ય મંત્રી બન્યા હતા. હાલ જે.પી. નડ્ડા ભાજપના કેન્દ્રીય પ્રમુખ તરીકે કાર્યરત છે.
ગોવિંદ ધોળકિયાને રામ મંદિરના રૂ. 11 કરોડનું દાન ફળ્યું
હિરાના વેપારી તરીકે જાણીતા ગોવિંદ ધોળકિયા મૂળ સૌરાષ્ટ્રના વતની છે, અને હાલ સુરત ખાતે ઉદ્યોગપતિ તરીકે જાણીતા છે. કાકાના હુલામણા નામથી જાણીતા ગોવિંદભાઈએ અયોધ્યા ખાતે રામ મંદિરના નિર્માણમાં રૂ. 11 કરોડનું દાન આપ્યું હતુ. એવું મનાય છે કે, કાકાને રાજ્યસભાના ઉમેદવાર તરીકે જાહેર કરીને ભાજપે રિર્ટન ગિફ્ટ આપી છે. નોકરી છોડી 1964માં સુરત ખાતે આવી સ્વ-મહેનત થકી ગોવિંદ ધોળકિયાએ હીરા ઉદ્યોગમાં પોતાનું વર્ચસ્વ સ્થાપ્યું છે.
મયંક નાયક, ઉત્તર ગુજરાતના OBC નેતાને મારી માટી, મારો દેશ અભિયાન ફળ્યું
ગુજરાત ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રમુખ મયંક નાયકને ભાજપે મેરી મિટ્ટી, મેરા દેશ અભિયાન માટે ગુજરાતની જવાબદારી સોંપી હતી. જે મયંક નાયકે સફળતાપુર્વક નીભાવી હતી. મયંક નાયક હાલ બાજપના બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ છે. અમિત શાહની નજીક મનાતા મયંક નાયક મહેસાણા જિલ્લાનો અગ્રણી ચહેરો છે. મયંક નાયકે પાટણ, મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્તરથી લઇને રાજ્ય સ્તર સુધી મહત્વની જવાબદારી નિભાવે છે.
પક્ષ છોડી ગયેલા, પાછી ધર વાપસી કરેલા ઓબીસી નેતા ડૉ. જસવંતસિંહ પરમારને મળી ભેટ
ભાજપે જાહેર કરેલ રાજ્યસભા ચૂંટણીના ઉમેદવાર તરીકે મહત્વનો મધ્ય ગુજરાતથી નવો ચહેરો ડૉ. જસવંતસિંહ છે. ઓબીસી સમાજથી આવતા .ડો જશવંત સિંહનો જન્મ પંચમહાલ જિલ્લાના ગોધરા પાસેના વાઘજીપૂર ગામે થયો હતો.ડો જશવંતસિંહ છેલ્લા ઘણા વર્ષોથી ગોધરા ખાતે પોતાનું ખાનગી હોસ્પિટલ જનરલ સર્જન તરીકે ચલાવે છે. વર્ષોથી ડૉ. જસવંતસિંહ ભાજપ સાથે જોડાયેલા છે. શહેરાના ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડના નજીક મનાય છે.બે ટર્મ પેહલા વિધાન સભામાં તેઓએ ભાજપ પાસે ગોધરા વિધાન સભા માટે ટીકીટ માંગી હતી. જો કે તે સમયે તેમને ટીકીટ ના મળતા તેઓએ પક્ષમાંથી રાજીનામુ આપી અપક્ષમાં ચૂંટણી લડી હતી. તેમાં તેમની હાર થઈ હતી જ્યારે અને સી.કે રાઉલજીની જીત થઈ હતી ત્યારબાદ ફરીથી તેમને ઘર વાપસી કરી ભાજપમાં જોડાયા હતા. બક્ષીપંચ સમાજમાં સારું એવું વર્ચસ્વ ધરાવતો ચેહેરો માનવામાં આવે છે.
- Rajya Sabha Elections : રાજસ્થાનમાંથી રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવતાં સોનિયા ગાંધી
- Bharat Jodo Nyay Yatra: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદી પર આકરા પ્રહારો કર્યા