રાજકોટ:સરદાર ધામ સૌરાષ્ટ્રના ઉપપ્રમુખ પર રાત્રિના અરસામાં કણકોટ મહુડી રોડ પર આવેલ શ્યામ પાર્ટી પ્લોટ ખાતે PI સંજય પાદરીયા દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે જુનાગઢ ટ્રેનિંગ સેન્ટર ખાતે PI તરીકે ફરજ બજાવનારા સંજય પાદરીયા વિરુદ્ધ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જયંતી સરધારા દ્વારા ગુનો નોંધવવામાં આવ્યો છે. સંજય પાદરીયા દ્વારા જયંતિ સરધારાને 'સરદારધામના ઉપપ્રમુખ બનીને સમાજ સાથે ગદ્દારી કરી છે' તેમ કહી ગાળો આપવામાં આવી હતી. તેમજ જયંતિ સરધારાને માથાના ભાગે પિસ્તોલ જેવા કોઈ હથિયાર વડે ઘા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું સામે આવ્યું છે.
લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા જયંતી સરધારા
પોલીસને આપેલી ફરિયાદમાં જયંતિ સરધારાએ જણાવ્યું છે કે, 25 નવેમ્બર 2024 ના રોજ મારા મિત્ર રમેશ કોટકના પુત્રના લગ્ન શ્યામ પાર્ટી પ્લોટ ખાતે યોજાયા હતા. જે પ્રસંગમાં હું હાજરી આપવા ગયો હતો. ત્યારે હું સમાજના અગ્રણી મિત્રો સાથે વાતચીત કરતો હતો. તે દરમિયાન એક વ્યક્તિ મારી પાસે આવ્યો હતો અને મને કહ્યું હતું કે, હું સંજયભાઈ પાદરીયા PI છું અને જુનાગઢ SRP રિજિયનમાં છું અને તું સમાજનો ગદ્દાર " આવું કહી મને માર મારવાની કોશિશ કરવા જતા અન્ય અગ્રણીઓ દ્વારા વચ્ચે પડીને ઝઘડો અટકાવ્યો હતો.
ત્યારે આ સંજય પાદરીયાએ મને કહ્યું હતું કે, "નરેશ પટેલની સક્રિય ટીમમાં છું અને તે સરદારધામમાં ઉપપ્રમુખ બનીને ગદ્દારી કરી છે, જેથી હવે તને અહીંથી જીવતો જવા દેવો નથી". ત્યારબાદ પાર્ટી પ્લોટના પાર્કિંગમાં સંજય પાદરીયાએ મારી ગાડી પાર્કિંગમાં ઉભી રાખી મને કારમાંથી બહાર નીકળવા કહ્યું હતું. ત્યારબાદ સંજય પાદરીયાએ પોતાની પાસે રહેલા પિસ્તોલ જેવા કોઈ હથિયાર વડે સીધું મને માથાના ભાગે માર્યું, જેથી હું તરત જ નીચે પડી ગયો હતો. ત્યારબાદ સંજય પાદરીયાએ ઢીકા પાટુનો માર મારીને 'આજે તને પતાવી જ દેવો છે' તે પ્રકારની ધમકી આપી હતી.