વલસાડ : પારડી શહેરના બાલડા ગામે એક અવાવરું બિલ્ડિંગમાંથી મળેલી એક કિશોરનો મૃતદેહ મળ્યો હતો. પ્રાથમિક તપાસમાં કિશોરની હત્યા થઈ હોવાનું જણાયું હતું. જોકે, આ હત્યા કોણે અને શા માટે કરી તે અંગે રહસ્ય સર્જાયું હતું. જોકે, વલસાડ પોલીસે આ મામલે તપાસ કરતા હત્યાનો ભેદ ખુલ્યો છે. જાણો સમગ્ર મામલો...
શું હતો મામલો ? ગત 29 નવેમ્બરના રોજ પારડી નજીક આવેલા બાલદા ગામે નિર્માણાધીન એક બિલ્ડીંગની લિફ્ટના ડક્ટમાંથી એક કિશોરનો મૃતદેહ મળ્યો હતો. મૃતકની ઓળખ અતુલ યોગેન્દ્ર સેન તરીકે થઈ હતી. જોકે, આ કિશોર બે દિવસ પહેલા એટલે કે 27 તારીખના રોજ પોતાના ઘરેથી ગુમ હતો, જેની શોધખોળ તેમના માતા-પિતા કરી રહ્યા હતા. ઘટના અંગે પોલીસને જાણ થતા પારડી પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને આ બાળકની ઓળખ તેના પરિવારજનોએ કરી હતી.
હત્યા કરાયેલો કિશોરનો મૃતદેહ : આ સમગ્ર ઘટનાની જાણ થતા વલસાડ જિલ્લા DSP કરણરાજ વાઘેલા સહિત પોલીસનો કાફલો પારડી ખાતે આવેલી બાલદાના ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જ્યાં ત્રીજા નંબરની બિલ્ડીંગમાં લિફ્ટને ખાડામાં કિશોરનો મૃતદેહ પડ્યો હતો. મૃતકના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી તપાસનો દોર શરૂ કર્યો હતો.
પોલીસ તપાસમાં હત્યાનો ભેદ ખુલ્યો : વલસાડ જિલ્લા પોલીસ વડા ડો. કરણરાજ વાઘેલાએ જણાવ્યું કે, ઘટનાને ગંભીરતાથી લેતા તેમણે વલસાડ જિલ્લાના Dysp સહિતની એક વિશેષ ટીમ બનાવી હતી. જેમાં LCB અને SOG સહિતના પોલીસ કર્મચારીઓ શોધખોળમાં કામે લાગ્યા હતા. અનેક CCTV કેમેરા અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે શોધખોળ હાથ ધરી હતી. જેમાં કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોર શંકાના દાયરામાં હતો.
આરોપી કિશોરે કરી ચોંકાવનારી કબૂલાત : આ અંગે સગીર આરોપી કિશોરે કબૂલાત આપી કે, મૃતક કિશોર અને આરોપી આ બંને મિત્રો વચ્ચે ઝગડો હતો. મૃતકના મોબાઈલ ફોનની સ્ક્રીન તૂટી જતા તેના મિત્ર પાસે મોબાઇલ સ્ક્રીન રીપેર કરાવવા માટે પૈસાની માંગણી કરી રહ્યો હતો. પૈસા ન આપતા મૃતકે મિત્રની મમ્મીને સમગ્ર હકીકત જણાવતા મમ્મીએ તેના મિત્રને માર્યો હતો. જેની અદાવત રાખી મિત્રએ બદલો લેવા પગલું ભર્યું હતું.
ચોથા માળેથી ધક્કો મારી કરી હત્યા : વારંવાર મોબાઇલ સ્ક્રીન રીપેર કરવા માટે પૈસાની માંગણી કરી રહેલા મૃતકથી અદાવત રાખી 29 નવેમ્બરના રોજ મૃતકને પૈસા આપવાનું કહી તેના મિત્ર સગીર આરોપીએ અવાવરું બિલ્ડિંગમાં બોલાવ્યો. બાદમાં ચોથા માળે લઈ જઈ તેને ધક્કો મારી લિફ્ટના ખાડામાં ધકેલી દીધો હતો. એટલું જ નહીં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને જ્યાં સુધી તેનું મોત ન થાય ત્યાં સુધી પરથી ઈંટો વડે ઘા કર્યા, તેથી તેનું મોત થયું હતું.
પોલીસે સગીર આરોપીની અટકાયત કરી : પોલીસે આ સમગ્ર હત્યા મામલે સગીર આરોપીની અટકાયત કરી છે. આરોપી મૃતકનો મિત્ર છે અને પારડી વિસ્તારનો જ રહીશ હોવાનું પોલીસે જણાવ્યું હતું. હાલ તો આ સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે. મોબાઇલની સ્ક્રીન તૂટી જવાને લઈને સમારકામ માટે માંગણી કરી રહેલા મિત્રને જ મિત્રએ મોતને ઘાટ ઉતારી દીધો છે, આમ હત્યાનું કારણ મોબાઇલની સ્ક્રીન બની છે.