પાટણ: આજે ભારત દેશમાં જ નહીં પરંતુ વિશ્વના ઘણા દેશોમાંથી માનવ તસ્કરીના સમાચારો સામે આવે છે. નાના બાળકોને જન્મતાની સાથે પણ વેંચી દેવાની ઘટના સામે આવી છે. ત્યારે આવી જ એક બાળ તસ્કરીની ઘટના પાટણ જિલ્લામાં સામે આવી છે. નિં:સંતાન દંપતિને બાળક 1.20 લાખમાં વેંચી દીધુ હતું. પરંતુ બાળક બિમાર પડતા દંપતિએ બાળકને પરત કરી દીધુ હતું. ત્યારબાદ નકલી ડોક્ટર સુરેશ ઠાકોરે તે બાળકને બિન વારસી હાલતમાં ફેંકી દીધું હતું. આરોપીઓની કડક પૂછપરછ કરતા અન્ય બાળક પણ દાટી દીધું હોવાની કબૂલાત આરોપીઓએ કરી હતી.
આરોપીઓએ ચોંકાવનાર ખુલાસા કર્યા: પોલીસે બાળ તસ્કરીના આરોપી નકલી ડોક્ટર સુરેશ ઠાકોર સહિત 3 આરોપીઓના રિમાન્ડ મેળવીને તપાસ હાથ ધરી હતી જેમાં ચોકાવનાર ખુલાસા થયા હતા.આરોપીઓએ પોલીસ સમક્ષ અન્ય એક બાળકને સમીના દાદર ગામે બનાસ નદીના પટમાં દાટી દીધું હોવાની કબૂલાત કરી હતી. જે બાદ SOG સહિત FSLની ટીમ ઘટના સ્થળે પહોચી હતી. જ્યાં સ્થળ ઉપર ખોદકામ કરતા મીઠું મળ્યું પરંતુ બાળકના અવશેષ ન મળતા પોલીસ ટીમ પરત ફરી હતી.
નકલી ડોક્ટરે 1.20 લાખમાં બાળક વેંચ્યું: સમગ્ર ઘટના અંગે પાટણ પોલીસ એસપી ડો. રવિન્દ્ર પટેલે ખુલાસો કરતા જણાવ્યું કે, આ બાળકનો જન્મ પાટણ જિલ્લાની થરાની સંસ્કાર હોસ્પિટલમાં થયો હતો. ત્યારે એ હોસ્પિટલમાં રુપસિંહ નામના કમ્પાઉન્ડરે આ બાળકનો સોદો કરી નાખ્યો હતો અને આ બાળકને શિલ્પા ઠાકોર અને નકલી ડોક્ટર સુરેશ ઠાકોરને આપ્યું હતું. નકલી ડોક્ટર સુરેશ ઠાકોરે નિરવ મોદી નામના વ્યક્તિને 1.20 લાખમાં બાળકને વેંચ્યું હતું. બાળક બિમાર પડતા દત્તક લેનાર દંપતિએ બાળકને પરત કરી દીધું હતું.
શું હતી સમગ્ર ઘટના: જ્યારે દત્તક લેનારા દંપતિએ પોતાના પૈસા નકલી ડોક્ટર સુરેશ ઠાકોર પાસેથી પરત માંગતા તેણે 1.20 લાખમાંથી 30 હજાર પરત આપ્યા હતા. આ બિમાર બાળકનો નિકાલ કરવા માટે નકલી ડોક્ટર સુરેશ ઠાકોર અને નર્સ શિલ્પા ઠાકોરે સિદ્ધપુર થઈ પાલનપુર ડીસા હાઇવે પાસે આવેલ મોટા ગામે બાળકને બિનવારસી હાલતમાં ત્યજીને ફરાર થઈ ગયા હતા. ત્યજેલા બાળકનો અવાજ આસપાસના લોકોને સંભળાતા તેમણે સરપંચને જાણ કરી હતી. જેની બાળક બિનવારસી હાલતમાં મળી આવતા તે બાબતે ગઢ પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાઈ. જ્યારે બાળકને ખરીદનારે 51 રુપિયાનું ટોકન આપતા સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટયો હતો.
લોકેશન પરથી કંઇ ન મળ્યું: પોલીસને નદીના પટમાં અન્ય જગ્યાએ ખોદકામમાં લાગી હતી. પણ કોઈ સફળતા ન સાંપડતા પોલીસે શોધખોળ રોકી દીધી હતી. લોકેશન પરથી બાળકની લાશ ન મળતાં હાલ પોલીસ સુરેશ ઠાકોરની કડક પૂછપરછ શરૂ કરી છે. દાદર કામલપુર માર્ગ પરના બ્રિજ નીચે દાટેલા બાળકની પોલીસ દ્વારા હાથ ધરાયેલી કામગીરી દરમિયાન લોકોના ટોળેટોળા બ્રિજ ઉપર ઉમટી પડ્યા હતા. નકલી ડૉક્ટર સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોરના 2 ડિસેમ્બર સુધીના તેમજ અન્ય આરોપી રૂપસિંહ ઠાકોરના 3 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર થયા છે. ત્યારે બાળ તસ્કરીના બનાવમાં અનેક રહસ્યો બહાર આવી શકે તેમ હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો: