રાજકોટ:આજે રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો જૂથવાદ સામે આવ્યો છે. રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં સહકાર પેનલનો જયોતીન્દ્ર મહેતા (મામા) અને સંસ્કાર પેનલનો કલ્પક મણિઆર (ભાણેજ) સંચાલન કરે છે. 28 વર્ષ બાદ આ ચૂંટણી યોજવામાં આવી છે. જેમાં 21 ડિરેક્ટરોની બેઠક સામે સહકાર પેનલમાંથી 21 ઉમેદવારો તો સંસ્કાર પેનલમાંથી 11 ઉમેદવારો ફાઇનલ થયા છે. 6 બેઠક અગાઉ જ બિન હરીફ થઈ ગઈ છે. તો સંસ્કાર પેનલના 4 ઉમેદવારોના નામ રદ કર્યા બાદ આજે મતદાન યોજાયું હતુ.
સ્વયંસેવકોથી આ બેંક ચાલે છે: જ્યોતીન્દ્ર (મામા) સામે પડેલા (ભાણેજ) કલ્પક મણિઆરે જણાવ્યું હતું કે, 'રાજકોટ નાગરિક સહકારી બેંકમાં 10 લાખ લોકોનું હિત જોડાયેલું છે અને આ બેંકને કૌભાંડ મુક્ત કરવામાં આવે તે માટેની અમારી લડાઈ છે. સ્વયંસેવકોથી ચાલતી આ બેંક છે. જેથી આમાં કૌભાંડો જરા પણ ચલાવી ન શકાય. RBI એ ક્લીન ચીટ આપી, તે વાત સદંતર ખોટી છે, કારણ કે 13 મી સપ્ટેમ્બરે RBIના ચીફ જનરલ મેનેજર સાથેની બેઠક હતી અને તેમાં ફરીથી ઓડિટ કરવા માટે જણાવવામાં આવ્યું હતું.'