નવસારી : રાજ્યની નવ પાલિકાને મહાનગરપાલિકામાં તબદીલ કરવા રાજ્ય સરકાર દ્વારા લીલી ઝંડી આપવામાં આવી છે, જેમાં નવસારીનો પણ સમાવેશ થયો છે. નવસારીના શહેરીજનોનું વર્ષો જૂનું સ્વપ્ન પૂર્ણ થતા શહેરમાં ખુશીનો માહોલ સર્જાયો છે. લોકો ફટાકડા ફોડી ઉજવણી કરી રહ્યા છે.
નવસારીને મળ્યો મહાનગરપાલિકાનો દરજ્જો : ગાયકવાડી સ્ટેટ તરીકે ઓળખાતું નવસારી પહેલા સુધરાઈ હતું. બાદમાં નવસારી નગરપાલિકામાં રૂપાંતરિત થયું અને બાદમાં નવસારી નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવામાં આવે તેવી સમાન અંતરે માંગ ઉઠી રહી હતી. રાજકીય નેતાઓ સહિત અન્ય આગેવાનો દ્વારા સરકારને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. ભારે મથામણ બાદ નવા વર્ષના દિવસે નવસારીને મહાનગરપાલિકાની ભેટ મળતા શહેરીજનોમાં ખુશીનો માહોલ છવાયો છે.
શહેરીજનોએ ફટાકડા ફોડી નિર્ણયને વધાવ્યો : વર્ષો જૂની માંગ પૂરી થતાં શહેરીજનોએ નવસારીને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યાનો આનંદ મનાવ્યો હતો. નવસારીના દેવજી સર્કલ પર નવસારીના બિલ્ડરો અને શહેરીજનોએ મળીને ફટાકડા ફોડીને શહેરને મળેલી નવા વર્ષની બક્ષિસના વધામણા કર્યા છે. સાથે જ નવસારી શહેર વિકાસની ઊંચી દિશાઓ સર કરશે તેવી આશા અપેક્ષા વ્યક્ત કરી છે.
મહાનગરપાલિકા બનતા શું ફાયદો થશે ? નવસારી મહાનગરપાલિકા બનતા સ્થાનિક આગેવાનોએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, સરકારે નવા વર્ષના પ્રથમ દિવસે જ ભેટ સ્વરૂપે નવસારીને મહાનગરપાલિકાની આધિકારિક જાહેરાત કરી છે. શહેરના આગેવાનોને પાલિકામાં જે મુશ્કેલી પડી રહી છે, એનો નિવેડો આવશે. મોટુ મહેકમ મળવા સાથે IAS અધિકારીને કમિશનર બનાવતા શહેરનો વિકાસ થશે. ગુજરાત સરકાર સાથે કેન્દ્ર સરકારની ગ્રાન્ટ અને વિશ્વ બેંક થકી પણ ફંડ મળશે, તેનો ફાયદો મળશે. જેથી નવસારી વિકાસની ઊંચાઇ સર કરશે.