સુરત: શહેરમાં 26 ડિસેમ્બરના રોજ બિલ્ડિંગમાં ગેસલાઇનમાં ભંગાણ પાડવાને કારણે આગ લાગવાની ઘટના બની હતી. જેમાં એક પરિવારના ચાર સભ્યો આગની ઝપેટમાં આવ્યા હતા. ચરે સભ્યોને સર્વરકના અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં ઘટનાના સાત દિવસ બાદ પરિવારના બે બાળકોનું મોત નીપજ્યું છે.
ગેસલાઈનમાં ભંગાણ: મળતી માહિતી અનુસાર જાણવા મળે છે કે, ગોડાદરાના સુપર સિનેમા સામે આવેલા કેશવનગરમાં મેઈન રોડની સાઈડમાં સાત દિવસ પહેલા એટલે કે 26 ડિસેમ્બરને સવારે DGVCL દ્વારા કોન્ટ્રાક્ટ પર કામગીરી સોંપવામાં આવી હતી. જે અંતર્ગત JBP ઈન્ફાપાવર પ્રોજેક્ટ પ્રાઈવેટ લિમિટેડ કંપનીના કર્મચારીઓ દ્વારા કેબલ નાખવા માટે ખાડો ખોદવાની કામગીરી થઈ રહી હતી. આ દરમિયાન બીજી વખત ડ્રીલિંગ કરતી વખતે ગેસલાઈનમાં ભંગાણ સર્જાતા ગેસ લીકેજ થવાનું શરૂ થયું હતું. પરિણામે આગ લાગવાની ઘટના બની હતી.
2 બાળકોનું મોત: આગની ઘટના દરમિયાન બિલ્ડિંગના બીજા માળથી બહાર નીકળી રહેલા પરિવારના સભ્ય 32 વર્ષીય સૂરજકુમાર ફૌજદાર નિષાદ, પત્ની પરમીલા સૂરજકુમાર નિષાદ, 2.5 વર્ષીય પુત્રી પરિધિ અને 10 મહિનાનો પુત્ર શિવાંશ આગની ઝપેટમાં આવી જતા દાઝી ગયાં હતાં. પરિવારના સભ્યોને ગંભીર ઈજાને પગલે સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં સાત દિવસની લાંબી સારવારમાં પુત્રી પરિધિનું અને પુત્ર શિવાંશનું મોત નીપજ્યું છે.
સમગ્ર ઘટનાને લઈને ગોડાદરા પોલીસ દ્વારા પિતાને જાણ કરવામાં આવી હતી. પોલીસે પીએમ કરાવીને મૃતદેહને પિતાને સોંપ્યા હતા. પિતા દ્વારા પુત્ર અને પુત્રીના ઉમરાના સ્મશાનગૃહમાં અંતિમસંસ્કાર કરી દીધા હતા. સમગ્ર ઘટના મામલે ગોડાદરા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
'JBP ઇન્ફ્રાપાવર પ્રોજેક્ટ કંપની કસૂરવાર જણાશે તો પગલાં લેવાશે' - ગોડાદરા પીઆઈ
ગોડાદરાની ગેસ લીકેજની ઘટનામાં નિષાદ પરિવારના ચાર સદસ્યો પૈકી નિષાદ પરિવારની 2.5 વર્ષની પુત્રી અને 10 મહિનાના પુત્રએ સાત દિવસની સારવારમાં દમ તોડી દીધો અને માતા જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યા છે.
તમને જણાવી દઈએ કે, કેબલ લાઇન નાખવાની કામગીરીનો કોન્ટ્રાક્ટ ડીજીવીસીએલ દ્વારા એલ & ટી કંપનીને આપ્યો અને તેણે પેટા કોન્ટ્રાક્ટ JBP ઇન્ફ્રાપાવર પ્રોજેક્ટ કંપનીના ડાયરેક્ટર જયંતિ પટેલને આપ્યો હતો. કંપનીના કર્મચારીની ડ્રીલિંગ કરતી વખતે બેદરકારી દાખવવાના કારણે બે બાળકોનાં મોત થયા હોવાની વાત કહેવાય રહી છે.
આ દરમિયાન ગોડાદરાના પીઆઇ હર્ષદ આચર્યે જણાવ્યું કે, 'બનાવને લઇને હાલ એડી દાખલ કરીને તપાસ શરૂ કરવામાં આવી છે. JBP ઇન્ફ્રાપાવર પ્રોજેક્ટ કંપની કસૂરવાર જણાય તો કાયદેસરનાં પગલાં લેવામાં આવશે.'
આ પણ વાંચો: