પોરબંદરઃ પોરબંદરમાં શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ દ્રારા આજે ટ્રાએથલોનનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે બે દિવસની રાષ્ટ્રીય કક્ષાની સમુદ્રી તરણ સ્પર્ધાનો પણ દબદબાભેર પ્રારંભ કરવામાં આવ્યો હતો. આજે પોરબંદરના આંગણે સ્વિમિંગ, રનિંગ અને સાયકલિંગનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. એટલે કે ટ્રાએથલોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 85 સ્પર્ધકોએ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો.
પોરબંદરમાં આજે શનિવારે વહેલી સવારે સવારના ફૂલ ગુલાબી ઠંડીમાં ટ્રાએથલોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્પર્ધકોમાં ભારે જોમ અને જુસ્સો જોવા મળ્યો હતો. પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા, કલેક્ટર એસ.ડી. ધાનાણી અને જિલ્લા વિકાસ અધિકારી કે બી ઠકકર સહિતના મહાનુભાવોના હસ્તે ટ્રાએથોલોનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં વયજુથ મુજબ સુપર સ્પ્રિન્ટ ટ્રાએથોલોન, સ્પ્રિન્ટ ટ્રાએથલોન અને સ્ટાન્ડર્ડ ટ્રાએથલોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુપર સ્પ્રિન્ટ ટ્રાએથોલોનામાં 375 મીટર સ્વિમિંગ, 10 કિમી સાયકલિંગ અને 2.50 કિ.મી. રન તેમજ સ્પ્રિન્ટ ટ્રાએથલોનમાં 750 મીટર સ્વિમિંગ, 20 કિ.મી સાયકલિંગ અને 5 કિ.મી રન તેમજ સ્ટાન્ડર્ડ ટ્રાએથલોનમાં 1500 મીટર સ્વિમિંગ, 40 કી.મી સાયકલિંગ અને 10 કિ.મી સાયકલીગ કરવામાં આવ્યું હતું.
અલગ-અગલ ત્રણેય સ્પર્ધામાં વય જુથ મુજબના સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાં સુપર સ્પ્રિન્ટ ટ્રાએથોલનમાં 8થી 14 વર્ષની વયજુથમાં સુરત અને અમદાવાદના સ્પર્ધકોએ મેદાન માર્યું હતું. જ્યારે 14થી 40ની વયજુથમાં પણ અમદાવાદ અને સુરત સ્પર્ધકોએ મેદાન માર્યું હતું અને 40 ઉપરના વયજુથમાં સુરત અવ્વલ રહ્યું હતું. સ્પ્રિન્ટ ટ્રાએથલોન 40 ઉપરના વયજુથમાં પુરૂષોમાં મહારાષ્ટ્ર અને મહિલામાં ગુજરાત પ્રથમ રહ્યું હતું. તેમજ 14થી 40માં મહારાષ્ટ્ર અગ્રેસર રહ્યું હતું અને સ્ટાન્ડર્ડ ટ્રાએથલોનમાં 40થી ઉપરના વયજુથમાં વડોદરાએ મેદાન માર્યું હતું. તેમજ 14થી 40માં પોરબંદર અને અમદાવાદ અગ્રેસર રહ્યું હતું. પોરબંદરમાં સૌ પ્રથમવાર રાષ્ટ્રીયકક્ષાની ટ્રાએથલોનનું આયોજન સફળતા પૂર્વક કરવામાં આવ્યું હતું.
દર વર્ષે યોજાતી સમુદ્ર ઉત્સવ તરીકેની આ સ્પર્ધામાં મોટી સંખ્યામાં અલગ અલગ રાજ્યમાંથી સ્પર્ધકો ભાગ લે છે. શ્રીરામ સી સ્વિમિંગ ક્લબના સદસ્ય હર્ષિતભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, આ વખતે 11 રાજ્યોમાંથી 1200 થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો છે. સંસ્થા દ્વારા સ્પર્ધકો માટે રેસ્ક્યુ તથા રહેવા જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. જેમાં અનેક દાતાઓનો અમૂલ્ય ફાળો રહે છે.
નાગપુરથી આવેલા કોચ સંજય બાટવેએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા ચાર વર્ષથી આ સ્પર્ધામાં અનેક વિદ્યાર્થીઓ સાથે પોરબંદર સ્પર્ધામાં લાવે છે અને મહારાષ્ટ્રમાં પણ યોજાતી સ્પર્ધામાં નંબર લાવે છે ત્યારે શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા યોજાતી આ સ્પર્ધાનું આયોજન અને વ્યવસ્થાને શ્રેષ્ઠ ગણાવી માતા પિતાને પણ સંદેશો આપતા જણાવ્યું હતું કે, સમુદ્ર તરણથી બાળકોનું માનસિક બળ મજબૂત બને છે અને સાહસ બળ વધે છે. માતા-પિતા ડરતા હોય છે કે બાળક દરિયામાં જશે તો કંઈક થશે પરંતુ સમુદ્રના તરણથી તેઓમાં સાહસ વૃત્તિ મજબૂત બને છે.
રાજસ્થાનથી આવેલા જગદીશ તૈલી જણાવ્યું હતું કે, તેઓએ 2018 માં તરીને ઇંગ્લિશ ચેનલ પાર કરી છે. પોરબંદરમાં જ્યારથી આ સ્વિમિંગ કોમ્પિટિશન શરૂ છે ત્યારથી અમે આવીએ છીએ અને 22 જેટલા સ્પર્ધકો તેમની સાથે આવ્યા છે અને સ્પર્ધામાં ભાગ લીધેલો છે. રાજસ્થાનમાં એક મીઠા તળાવમાં તેઓ પ્રેક્ટિસ કરતા હોય છે પરંતુ દરિયામાં સ્વિમ કરવાનો અહીં અનુભવ પણ થાય છે. તળાવનું પાણી મીઠું હોય છે જ્યારે દરિયાનું પાણી ખારું છે. આથી ઘણીવાર મોઢામાં જાય તો ખારું લાગે છે અને દરિયાનું પાણી તળાવના પાણીની સરખામણીએ હલકું હોય છે આથી તરવાની ખૂબ જ મજા આવે છે. અમે ખૂબ ઉત્સાહથી આ સ્પર્ધામાં જોડાઈએ છીએ. સ્પર્ધામાં ભાગ લેવો જરૂરી છે નહીં કે, જીત મેળવવી. આમ તમામ સ્પર્ધકોને ઠેર ઠેર યોજાતિ તરણ સ્પર્ધામાં ભાગ લેવા માટે અપીલ કરી હતી.