નડીયાદ: સોડપુર ગામે આવેલી પ્રાથમિક શાળામાં આજે શનિવારે શિક્ષક અને આચાર્ય વચ્ચે બબાલ થતાં મામલો બિચક્યો હતો અને બંને વચ્ચે મારામારી થઈ હતી અને મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. આચાર્ય અને શિક્ષકો એકબીજા સામે બાખડ્યા હોવાની ઘટનાએ ચર્ચા જગાવી છે.
શાળાના આચાર્યએ શિક્ષકોને મોબાઈલ ફોન જમા કરાવવાનું કહેતા એકબીજા પર ઉશ્કેરાઈ જઈ આચાર્ય અને શિક્ષકો વિદ્યાર્થીઓ સામે જ ઝપાઝપી પર ઉતરી આવ્યા હતા. જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.સમગ્ર મામલે આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતી પોલીસ ફરિયાદ સામસામે નોંધાવવામાં આવી છે.જેને લઈ ચકલાસી પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નડીયાદ તાલુકાના સોડપુર ગામ ખાતે આવેલી પ્રાથમિક શાળામાં પ્રાર્થના પહેલા આચાર્યએ શિક્ષકોને મોબાઈલ ફોન મુકવાનું કહ્યું હતુ. જેને લઈ એક શિક્ષકે પ્રાર્થના પછી ફોન મુકવાનુ કહેતા મામલો બિચક્યો હતો. વિદ્યાર્થીઓની સામે જ આચાર્ય અને શિક્ષકો બાખડ્યા હતા.
શાળામાં સવાર-સવારમાં પ્રાર્થનાને બદલે મારામારી સાથે અપશબ્દોનો મારો ચાલ્યો હતો. આજુબાજુથી ગ્રામજનોએ શાળાએ પહોંચી બાખડતા શિક્ષકોને છુટા પાડ્યા હતા.જેના પર બાળકોને કેળવવાની જવાબદારી છે, તેવા શિક્ષકોએ બાળકોના માનસ પર શું અસર થશે તેનો પણ વિચાર ન કર્યો. આ બેજવાબદાર શિક્ષકોની આ હરકત સમગ્ર શિક્ષણ જગતને નીચા જોવા જેવી હરકત કરાવી રહી છે.
આચાર્યનો આક્ષેપ
''મેં શિક્ષકોને મોબાઈલ મુકવાનુ કહેતા બાકીના શિક્ષકોએ મુક્યો અને કીરીટભાઈ વાળંદ નામના શિક્ષકે મોબાઈલ ન મુક્યો તેથી મે એમને પ્રેમપુર્વક કહ્યુ કે, મોબાઈલ મુકી દો પણ એમણે કહ્યું કે, જે થાય એ કરી લો હું મોબાઇલ નહી મુકુ, ત્યારબાદ બધા શિક્ષકોએ ભેગા મળી મારી પર હુમલો કરી મારી સાથે મારામારી કરી છે''. - નરેન્દ્રભાઈ પટેલ, આચાર્ય, સોડપુર પ્રાથમિક શાળા
શિક્ષકનો આચાર્ય પર પ્રતિઆક્ષેપ
''મને આચાર્યએ મોબાઈલ મુકવાનુ કહેતા મેં પ્રાર્થના પછી મોબાઈલ મુકુ છું એમ કહ્યું હતુ. બસ આટલુ બોલીને હું બહાર નીકળ્યો એટલે એમણે દોડીને સીધા મારી પર હુમલો કર્યો.બૂમાબૂમ થતા સ્ટાફવાળા છોડાવવા આવ્યા તો એમની સાથે પણ ઝપાઝપી કરી. રિંકુલભાઈને લાકડાવાળુ ઝાડુના ફટકા માર્યા છે''. કીરીટભાઈ વાળંદ - શિક્ષક, સોડપુર પ્રાથમિક શાળા