અમદાવાદ: દેશના સૌથી મોટા સંગીત ઉત્સવમાં સ્થાન ધરાવનાર સપ્તક વાર્ષિક સંગીત સમારોહ 2025 નું આયોજન 1 થી 13 જાન્યુઆરી દરમિયાન એલ.ડી. આર્ટસ કોલેજ કેમ્પસમાં કરવામાં આવ્યું છે. નવા વર્ષના પહેલા દિવસે તેમજ સપ્તક વાર્ષિક સંગીત સમારોહના પણ પ્રથમ દિવસ હતો ત્યારે પદ્મશ્રી, પદ્મવિભૂષણ કલાકારો દ્વારા પોતાની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
સપ્તક વાર્ષિક સંગીત સમારોહ 2025: દર વર્ષે, ભારતીય શાસ્ત્રીય સંગીતના પ્રેમીઓ, જાણકારો અને રસિકો નવા વર્ષની શરૂઆત કરવા માટે એક જ ઇવેન્ટની આતુરતાથી રાહ જુએ છે, જે છે સપ્તક વાર્ષિક સંગીત ઉત્સવ ! હંમેશની જેમ, સપ્તક શહેરમાં પ્રખ્યાત ઉસ્તાદ, શાસ્ત્રીય સંગીત જાણકારો, નવા ઉભરતા સંગીતકારો અને સંગીતના માર્તંડો આ 13 દિવસ દરમિયાન પોતાની પ્રસ્તુતિ આપશે.
મંજુ મહેતા અને ઉસ્તાદ ઝાકીર હુસેનને શ્રદ્ધાંજલિ: સપ્તક વાર્ષિક સંગીત સમારોહ 2025 ના પ્રથમ દિવસે સપ્તક સ્કૂલ ઓફ મ્યુઝિકના સહ સંસ્થાપક વિદુષી મંજુ મહેતા અને ઉસ્તાદ ઝાકીર હુસેનને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. પહેલા દિવસની પહેલી બેઠકમાં સપ્તક સ્કૂલ ઓફ મ્યુઝિકના વિદ્યાર્થીઓ વિદુષી મંજુ નંદન મહેતા દ્વારા સંકલ્પિત અને કંપોઝ કરાયેલ એક એન્સેમ્બલની પ્રસ્તુતિ પણ કરવામાં આવી હતી.
પરવીન સુલતાનાએ લોકોને મંત્રમુગ્ધ કર્યા: બીજી બેઠકમાં પદ્મશ્રી અને પદ્મવિભૂષણ પરવીન સુલતાના દ્વારા પોતાના ગાયનથી સમગ્ર શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા ત્યારે તેમની સાથે તબલા પર મુકુંદરાજ ડિયો અને હાર્મોનિયમ પર શ્રીનિવાસ આચાર્ય દ્વારા તાલ આપવામાં આવ્યો હતો.
સિતાર અને તબલાની જુગલબંધી પ્રસ્તુત થઈ: ત્રીજી બેઠકમાં સિતાર અને તબલાની એક અલગ પ્રકારની જુગલબંધી જાણીતા સિતાર વાદક પૂર્વાયન ચેટરજી અને તબલા વાદક શુભ મહારાજ દ્વારા પ્રસ્તુત કરવામાં આવી હતી.
મંજુ મહેતા યાદ કરતા પરવીન સુલતાનાની આંખમાંથી આંસુ આવ્યા: પરવીન સુલતાનાજી દ્વારા પોતાની પ્રસ્તુતિ પહેલા વિદુષી મંજુ મહેતા અને ઉસ્તાદ ઝાકીર હુસેનને યાદ કરવામાં આવ્યા હતા. મંજુ મહેતાને યાદ કરતા પરવીન સુલતાનજીની આંખોમાં આંસુ આવી ગયા હતા અને તેમણે જણાવ્યું હતું કે એવું લાગી રહ્યું છે કે મંજુ મહેતા અહીં આપણી આસપાસ જ છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 'જ્યારે જ્યારે હું અમદાવાદ સપ્તકમાં આવું ત્યારે મંજુ મહેતા મારુ સ્વાગત કરવા માટે બહાર જ ઊભી રહેતી હતી. આજે પણ જ્યારે ગાડીમાંથી પગ નીચે મુક્યો ત્યારે એ જ પ્રસંગ આંખો સામે આવી ગયો હતો કે હમણાં મંજુ આવશે.'
વિદુષી સુલતાના પરવીને પોતાની પ્રસ્તુતિ પહેલા વિદુષી મંજુ મહેતાને યાદ કર્યા હતા અને ત્યાર બાદ રાગ મલુહા માંડમાં, મધ્ય વિલંબિત જપતાલમાં એક રચના અને બીજી રચના દ્રુત ત્રિતાલમાં એમ બે રચનાઓની પ્રસ્તુતિ કરી હતી. તેમની સાથે પંડિત મુકુન્દ રાજ દેવે તબલા સંગત પ્રસ્તુત કરી હતી.
વાદ્યવાદક વિશ્વ મોહન ભટ્ટે કહ્યું હતું,' આ સપ્તકમાં લોકો એટલા પ્રેમ ભાવથી આવતા હોય છે. આ 45 મો સપ્તક સમારોહ છે. સપ્તકમાં સૌથી વધુ યોગદાન નંદન મહેતા, પ્રફ્ફૂલ ભાઈ મહેતાજી અને મંજુબેન મહેતાનું જેમણે આ સપ્તકનું સિંચન કર્યું હતું. હું મારી બહેન મંજુ મહેતાની કમી મહેસૂસ કરી રહ્યો છું. એમની ઉપસ્થિતી ખુબ જ વાઈબ્રન્ટ હતી. તે દરેક કલાકારોને સાંભળતી હતી. હું વિશ્વ મોહન ભટ્ટ મંજુ મહેતાને ખુબ જ મીસ કરી રહ્યો છું.'
તમામ કલાકારો દ્વારા પ્રસ્તુતિ સમયે પ્રસ્તુતિ પહેલા અને પ્રસ્તુતિ પછી માત્ર આંખોમાં આંસુ સાથે વિદુષી મંજુ મહેતાનું નામ અને તેમના સ્મરણો છલકાતા હતા.
આ પણ વાંચો: