ગાંધીનગર: ગુજરાત રાજ્ય “નમો ડ્રોન દીદી યોજના”ની અમલવારીમાં અગ્રીમ હરોળના રાજ્ય પૈકીનું એક છે. નમો ડ્રોન દીદી યોજના એ મહિલા સશક્તિકરણ અને કૃષિ ક્ષેત્રે ક્રાંતિ લાવવાની એક મહત્વકાંક્ષી પહેલ છે. જેનો લાભ મેળવીને આજે ગ્રામ્ય વિસ્તારની અનેક મહિલાઓ “ડ્રોન દીદી” બની છે. ગુજરાતમાં અત્યારે સખી મંડળો સાથે જોડાયેલી ગ્રામ્ય વિસ્તારની 58 મહિલાઓએ ડ્રોન દીદી બનીને પોતાની આવકનો નવો સ્ત્રોત ઉભો કર્યો છે. ગુજરાતની આ 58 ડ્રોન દીદીઓએ માત્ર 9 માસના સમયગાળામાં જ રાજ્યના 3000થી વધુ ખેડૂતોની 8000 એકર જેટલી જમીનમાં ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરીને રૂ.24.66 લાખથી વધુની આવક મેળવી છે.
નોંધનીય છે કે, ગુજરાતમાં નમો ડ્રોન દીદી યોજનાના પ્રારંભિક તબક્કે વર્ષ 2023-24માં કેટલીક ફર્ટીલાઇઝર કંપનીઓ દ્વારા પોતના CSR ફંડમાંથી સખી મંડળની આ મહિલાઓને ડ્રોન પૂરા પાડવામાં આવ્યા હતા. જેમાં IFFCO દ્વારા 18, GNFC દ્વારા 20 અને GSFC દ્વારા 20 એમ કુલ મળી 58 ડ્રોન તથા 58 મહિલાઓને ડ્રોન તાલીમ પૂરી પાડવામાં આવી હતી.
કૃષિ અને ગ્રામ વિકાસ મંત્રીશ્રીનો પ્રતિભાવ
ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, આગામી સમયમાં ગુજરાતના સખી મંડળની વધુ 206 બહેનોને ડ્રોન પાયલટની તાલીમ અને ડ્રોન ખરીદીમાં સહાય આપીને રાજ્ય સરકાર દ્વારા દરેક જિલ્લામાં ઓછામાં ઓછી બે “ડ્રોન દીદી” કાર્યરત કરવામાં આવશે. રાજ્યમાં નવી 206 ડ્રોન દીદી કાર્યરત થતા ખેડૂતોનો ખેતી ખર્ચ, સમય અને રસાયણિક દવાઓનો અંધાધૂંધ ઉપયોગ ઘટશે. તેમજ સખી મંડળની બહેનો માટે રોજગારીની તકોમાં પણ વધારો થશે.
યોજના હેઠળ મળવાપાત્ર સહાય
નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત સ્વ-સહાય જૂથ સાથે જોડાયેલી ગ્રામ્ય વિસ્તારની બહેનોને DGCAની માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી 15 દિવસની ડ્રોન પાઇલટની તાલીમ, ડ્રોનની ખરીદીમાં 80 ટકા સબસીડી સહાય તેમજ લોનની રકમ ઉપર 3 ટકા વ્યાજ સહાય આપવામાં આવે છે. એડવાન્સ ટેક્નોલોજીના સુયોગ્ય ઉપયોગથી આજે ડ્રોન દીદી કરીને કૃષિ ક્ષેત્રને નવી દિશાઓ આપી રહી છે.
ડ્રોન દીદી બનવા માટેની લાયકાત
સ્વ-સહાય જૂથ અથવા ક્લસ્ટર લેવલ ફેડરેશન સાથે જોડાયેલી કોઇપણ ગ્રામ્ય વિસ્તારની મહિલા ડ્રોન દીદી બની શકે છે. મહિલાની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ અને 50 વર્ષથી ઓછી હોવી જોઈએ. મહિલાએ ધોરણ-10 સુધીનો અભ્યાસ કરેલો હોવો જોઈએ. લાયકાત ધરાવતી મહિલાઓની રાજ્ય સરકાર દ્વારા પસંદગી કરવામાં આવશે અને DGCA માન્યતા પ્રાપ્ત ડ્રોન પાઇલટ તાલીમ સંસ્થામાંથી ડ્રોન પાઇલટની તાલીમ આપવામાં આવશે. તાલીમ બાદ DGCA પાસેથી રિમોટ પાઇલટ તરીકેનું લાયસન્સ પણ મેળવવાનું રહેશે.
આ પણ વાંચો: