ગાંધીનગર :કેન્દ્રીય પ્રધાન અને ભાજપના લોકસભા ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સામે રાજપૂત સમાજનો વિરોધ સતત ઉગ્ર બની રહ્યો છે. વિરોધ પ્રદર્શન કરી રહેલા રાજપૂત સમાજના કેટલાક કાર્યકરોની ધરપકડ થતા હવે નવા જૂની થવાના એંધાણ છે. રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં નારાજગી છે.
કરણી સેના દ્વારા વિરોધ પ્રદર્શન : રાજપૂત કરણી સેનાને ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે વિરોધ પ્રદર્શનની ચીમકી આપી છે. જેના પગલે ગાંધીનગરના કોબા સ્થિત આવેલા પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પ્રદેશ કાર્યાલય ખાતે પોલીસની પીસીઆર વાહન અને પોલીસ જવાનો ચોકી કરી રહ્યા છે. પ્રદેશ કાર્યાલય કમલમ પોલીસ છાવણીમાં ફેરવાયું છે. કમલમ પહોંચવાના દરેક રસ્તા પર પોલીસ બેરિકેટ કર્યું છે. પ્રદર્શન કરતા કાર્યકરોની અટકાયત માટે પોલીસ વાહન ખડકાયા છે.
રાજ શેખાવતની હાકલ : લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનને લઈ ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે મંગળવારે બપોરે 2 વાગ્યે કમલમ ખાતે કેસરી ઝંડા અને મજબૂત દંડા સાથે ક્ષત્રિયોને વિરોધ પ્રદર્શન માટે જોડાવવા કહ્યું હતું. કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે આત્મવિલોપનની તૈયારી સાથે જણાવ્યું હતું કે, હું ગાંધીનગર ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કેસરિયા ઝંડા અને મજબૂત દંડા સાથે પહોંચી રહ્યો છું. તમે બધા પણ ઉપસ્થિતિ દર્જ કરજો.
કમલમ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત : કરણી સેનાની ચીમકીને પગલે કમલમ પ્રદેશ કાર્યાલય પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. કમલમ પ્રદેશ કાર્યાલય જતા માર્ગના સર્વિસ રોડની બંને તરફ પોલીસ બેરિકેટ ગોઠવ્યા છે. સામાન્ય લોકોને સર્વિસ રોડ પર અવરજવર પર રોક લગાવાઈ છે. પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે ફાયર બ્રિગેડના વાહનો પણ તૈનાત કરવામાં આવ્યા છે. ગુજરાતમાં ક્ષત્રિય સમાજને લઈને ઉભો થયેલો વિવાદ વધુ વેગ પકડતો જાય છે.