છોટાઉદેપુર: જિલ્લામાં તારીખ 25, 26 અને 27 આમ સળંગ ત્રણ દિવસ વરસેલા મુસળધાર વરસાદને લઇને જિલ્લાની નાની મોટી તમામ નદીઓ ગાંડીતુર બની હતી. વરસેલા વરસાદથી જિલ્લાના માર્ગો ઉપર મસ મોટા ખાડા પડી ગયા છે તો ખાસ કરીને ખેતીમાં કપાસ, ફૂલના પાક અને શાકભાજીના પાકોને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું છે.
પૂરમાં પુલ થયો ધરાશાયીઃજન્માષ્ટમીના દિવસે વરસેલા મુસળધાર વરસાદને લઈને ભારજ નદી પરના સુખી ડેમના 6 દરવાજામાંથી 15 હજાર ક્યૂસેક જેટલું પાણી ભારજ નદીમાં છોડવામાં આવતા છ મહિના પહેલા જ 2 કરોડ 28 લાખના ખર્ચે બનવવામાં આવેલો ડાયવર્ઝન સંપૂર્ણ ધોવાઈ ગયો હતો, ત્યારે બે વર્ષથી ક્ષત્તિ ગ્રસ્ત થયેલા ભારજ નદીના પુલ ઉપરથી લાઈટ વેઇટ વાહનો પસાર થતા હતા. પરંતુ ડેમમાંથી છોડવામાં આવેલા પાણી અને વરસેલા વરસાદથી આવેલા પૂરના ભારે પ્રવાહને કારણે પુલનો વચ્ચેનો ભાગ પાણીના પ્રવાહ માં તણાઈ જતાં, સિહોદથી છોટાઉદેપુર મધ્યપ્રદેશનો વાહન વ્યવહાર સદંતર બંધ કરી જેતપુર પાણીથી રંગલી ચોકડીથી મોડાસર ચોકડી બાજુનું ડાયવર્ઝન અપાતા જનતાનેં 40 કિલોમીટરના ફેરો ફરીને છોટાઉદેપુર જવાનો વારો આવ્યો છે.
જિલ્લા પ્રભારી મંત્રીએ કહ્યું ખાસ નુકસાન થયું નથીઃ વરસાદથી પ્રભાવિત જિલ્લાની જિલ્લા પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમાર મુલાકાત લીધી હતી અને પ્રેસ વાર્તા દરમિયાન જણાવ્યું હતું કે, છોટાઉદેપુર જિલ્લામાં વરસાદથી ખાસ કોઈ નુકસાન થયું નથી, અને ભારજ નદીનો પુલ જેતે વખતે પુલ બન્યો તે વેળાએ પુલના પાયા મજબૂત નહીં બનાવવાના કારણે પુલ તૂટી ગયો તેમ જણાવતા છોટાઉદેપુર જિલ્લાનું રાજકારણ ગરમાયું છે અને આજે કોંગ્રસના નેતાઓ પણ તૂટેલા પુલની મુલાકાત લીધી હતી.