ગીર સોમનાથ : કેન્દ્ર સરકાર દ્વારા જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના 197 જેટલા ગામોમાં નવા ઇકો ઝોનના કાયદાની અમલવારીને લઈને પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારનું પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ થતાની સાથે જ તમામ 197 અસરગ્રસ્ત ગામના લોકો, ખેડૂતો અને ગ્રામ પંચાયતોની સાથે ભાજપ-કોંગ્રેસના રાજકીય આગેવાનો અને સહકારી સંસ્થા સાથે જોડાયેલા સહકારી આગેવાનોમાં પણ સંભવિત ઈકો ઝોનના કાયદાને લઈને ભારે વિરોધ જોવા મળ્યો છે.
તાલાલા APMC ખાતે બેઠક : ગ્રામ પંચાયતથી લઈને સહકારી અગ્રણીઓએ તેમજ જિલ્લા પ્રમુખ અને રાજકીય નેતાઓએ પણ રાજ્યના મુખ્યપ્રધાનને પત્ર પાઠવીને સંભવિત નવા કાયદાની અમલવારી તુરંત રોકી દેવામાં આવે તેવી માંગ કરી છે. તાલાલા APMC ખાતે સામૂહિક બેઠકનું આયોજન થયું હતું. જેમાં ભારતીય કિસાન સંઘ, ભાજપ-કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષો સાથે જોડાયેલા કાર્યકરો, ખેડૂતો અને મોટી સંખ્યામાં મહિલાઓએ હાજરી આપી હતી.
ઈકો ઝોન વિરુદ્ધ ગીર સોમનાથમાં વિરોધનો વંટોળ (ETV Bharat Gujarat) ઇકો ઝોનના વિરોધમાં રેલી : જે રીતે પંજાબ અને હરિયાણામાં ખેડૂત આંદોલન દરમિયાન મહિલાઓએ પણ રોષભેર તેમનો વિરોધ વ્યક્ત કર્યો હતો, બિલકુલ તેવી જ રીતે ઈકો ઝોનના કાયદાની વિરુદ્ધમાં હવે ગીર વિસ્તારની મહિલાઓ પણ રણચંડી બની હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા. 5000 કરતાં વધારે લોકોની રેલીમાં સમાન સંખ્યા મહિલા ખેડૂતો અને સામાન્ય ગ્રામજનોની હતી.
જિલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું : સમગ્ર રેલીની આગેવાની પર મહિલા ખેડૂતોએ લઈને કેન્દ્ર અને રાજ્યની સરકારને સંભવિત ઈકો ઝોનના કાયદાની અમલવારી ન થાય તે માટે ઢંઢોળવાનો પ્રયાસ પણ કર્યો હતો. તાલાલા માર્કેટિંગ યાર્ડથી નીકળેલી રેલી મામલતદાર કચેરી પહોંચી હતી. જ્યાં 45 કરતા વધુ ગામોના લોકો દ્વારા સામૂહિક રીતે લખાયેલા આવેદનપત્ર જિલ્લા કલેકટર મારફતે રાજ્ય અને કેન્દ્રની સરકારને પહોંચાડવા વિનંતી ખેડૂતોએ તાલાલા મામલતદારને કરી હતી.
- Eeco zone ના કાયદાનો વિરોધ, માધવપુરમાં 45 ગામના ખેડૂતોનું મળ્યું સંમેલન
- ઇકો ઝોનને લઈને વન પ્રધાનનો સંકેત, ખેડૂતોને મળી શકે છે સારા સમાચાર