ગાંધીનગર : ગુજરાતની વીજ વિતરણ કંપનીઓ દ્વારા ગ્રાહકોના ઘરે સ્માર્ટ મીટર લગાડવામાં આવી રહ્યાં છે. જે અંગે કેટલાક સ્થળોએ લોકોનો ભારે વિરોધ છે. સાથે માધ્યમોમાં સ્માર્ટ મીટરના ધાંધીયાના સમાચારો પણ સામે આવી રહ્યાં છે. ત્યારે સરકારે એક પ્રેસ રીલીઝ દ્વારા કેટલીક વિગત રજૂ કરી છે.ગાંધીનગર : ગુજરાત સરકાર તરફથી પ્રેસ રીલીઝ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગુજરાતની વીજ વિતરણ કંપનીઓ દ્વારા ગ્રાહકોના ઘરે સ્માર્ટ મીટર લગાડવામાં આવેલ છે જે અંગે છેલ્લા કેટલાક સમયથી વિવિધ સમાચાર પત્રો અને મીડિયાના અન્ય માધ્યમોમાં અલગ- અલગ પ્રકારના દાવાઓ રજૂ થયેલ છે જે અન્વયે નીચે મુજબની વિગત રજૂ કરવામાં આવે છે. ગુજરાતની વીજ વિતરણ કંપની દ્વારા તમામ પ્રકારની પ્રક્રિયા પૂર્ણ કરી જાન્યુઆરી ૨૦૨૪માં સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરવામાં આવેલ હતી. છેલ્લા ત્રણ મહિનામાં MGVCL માં 27700, DGVCL માં 11800, PGVCL માં 7000 અને UGVCL માં 1000 થી વધુ સ્માર્ટ મીટર લગાવવામાં આવેલ છે. સ્માર્ટ મીટર લગાવ્યા પહેલા જે-તે ક્ષેત્રમાં આ બાબત વિષેની જાણકારી આપવામાં આવેલ હતી.
જાણકારીના અભાવે સંશય :સ્માર્ટ મીટર બાબતે લોકોમાં કદાચ પૂરતી જાણકારીના અભાવે સંશય પેદા થયેલ છે. જૂનું મીટર બદલી સ્માર્ટ મીટર લગાડવામાં આવે ત્યારે છેલ્લા બિલના રીડિંગથી જૂના મીટર બદલવાના સમયે નોંધાયેલા રીડિંગ વચ્ચેના તફાવતના આધારે ગ્રાહકના વીજ વપરાશનું બિલ એક સાથે ગ્રાહક પાસેથી લેવાના બદલે તેની સામે સિક્યુરિટી ડિપોઝીટની રકમ એડજસ્ટ કરીને ફાઇનલ આઉટસ્ટેન્ડિંગ એમાઉન્ટ (FOA) ની ગણતરી કરી તેને મહતમ છ મહિનામાં વસૂલ કરી શકાય તે રીતે દૈનિક રકમ ગ્રાહકના ખાતામાંથી ઉધારવાની જોગવાઈ કરવામાં આવેલ હતી. સ્માર્ટ મીટર ધારકોના બેલેન્સમાંથી દૈનિક વીજ વપરાશના ચાર્જ ઉપરાંત આ જૂના વપરાશના બિલની રકમ પણ ઉધારવામાં આવતી હોવાથી સ્માર્ટ મીટર ગ્રાહકને વીજબિલ વધુ આવતું હોવાની ગેરસમજ ઊભી થયેલ છે.
ચાર્જની ગણતરીના વિવિધ સ્લેબ : વધુમાં દૈનિક વીજ વપરાશના ચાર્જની ગણતરી પણ ગ્રાહકના વીજ વપરાશ મુજબ વિવિધ સ્લેબ મુજબ થતી હોવાથી સ્લેબ બદલાતા ચાર્જની ગણતરી બદલાતી હોવાથી પણ આ પ્રકારની ગેરસમજ ઊભી થયેલ છે. આ પ્રકારના તમામ દાવાઓની વીજ વિતરણ કંપની દ્વારા ચકાસણી કરવામાં આવી છે અને તમામ કિસ્સામાં ચાર્જની ગણતરી વીજ વપરાશ મુજબ જ થયેલ છે. આથી ગ્રાહક પાસેથી વધુ ચાર્જ વસૂલાતો હોવાના દાવાઓમાં તથ્ય નથી. પરંતુ ચાર્જની ગણતરી વિશે માહિતી ન હોવાથી આ પ્રકારનો સંશય પેદા થયેલ છે.
બેલેન્સ નીચે જાય તો વીજ જોડાણ કપાવાના કિસ્સા : ગ્રાહકના ખાતામાં ચાર્જ બેલેન્સ માઇનસ 300થી નીચે જવાના કિસ્સામાં ડિસ્કનેક્શન કરવામાં આવેલ હતું. મોટા ભાગના કિસ્સાઓમાં રીચાર્જ કર્યા બાદ ગ્રાહકના એકાઉન્ટ રિકનેસન તેની નિયત સમય મર્યાદામાં થયેલ છે. વધુમાં ડિસ્કનેક્શનની કામગીરી કામકાજના દિવસોમાં કચેરી સમય દરમિયાન જ કરવામાં આવેલ છે. રજાના દિવસોમાં કે કચેરી સમયના બાદના કલાકોમાં કોઈપણ ડિસ્કનેક્શન કરવામાં આવેલ નથી. જેનો તમામ રેકોર્ડ સિસ્ટમમાં મોજૂદ છે. તેથી રાત્રે કે વહેલી સવારે ડિસ્કનેક્શન કરવામાં આવેલ હોવાના દાવાઓ તથ્ય નથી.