અમદાવાદ: લોકો પડદા પર દેખાતા પાત્રોને હંમેશા યાદ રાખતા હોય છે પરંતુ પડદાની પાછળની ભૂમિકા ભજવતા પાત્રોને જીવંત બનાવવા માટે કામ કરતા કેટલા બધા એવા લોકો હોય છે જેને સામાન્ય વ્યક્તિ ઓળખતું નથી. આવી એક વ્યક્તિ છે જે ઘણી વખત પડદા પર પણ રહી ચુકેલા છે પરંતુ તેમની મુખ્ય ભૂમિકા પડદા પાછળ રહેલી છે. આમ જ પડદા પાછળ કામ કરીને 'જુગાડુ કોસ્ચ્યુમ ડિઝાઈનર' તરીકે ખ્યાતિ પામેલ એક નામ એટલે પૌરવી જોશી...
જુગાડુ કોસ્ટ્યુમ ડિઝાઈનર તરીકેની ઓળખ મેળવી: પૌરવી જોશી જણાવે છે કે તેમનામાં પહેલાથી જ ક્રિએટિવિટી રહેલી હતી. તેઓ વિવિધ પ્રકારની વસ્તુઓ બનાવે છે. વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા માટે પણ તેઓ ઓળખીતા છે. મોટાભાગે ફિલ્મોની અંદર કામ કરતી વખતે તેમના જુગાડ તેમને ખૂબ જ કામ લાગે છે આથી જ તેમને "જુગાડુ કોસ્ચ્યુમ ડિઝાઈનર" તરીકે પણ ઓળખવામાં આવે છે.
તેઓ જણાવે છે કે દરેક જગ્યાએ જુગાડ કરવાનો આવે છે કેમકે સમય ઓછો હોય, બજેટ પણ લિમિટેડ હોય અને આર્ટિસ્ટ ઢગલો હોય જ્યારે એમાંથી તેમને કંઈક કરવાનું આવે ત્યારે તેઓ જે શૂન્યમાંથી સર્જન કરવાનું શીખ્યા છે તે તેમને ખૂબ કામ લાગે છે.
ફિલ્મ સાઈન કરવાથી ફિલ્મ પ્રમોશન સુધીની સફર: પૌરવી જોશી જણાવે છે કે જ્યારે ફિલ્મ સાઇન કરવામાં આવે ત્યારથી જ તેમની સફરની શરૂઆત થઈ જતી હોય છે. અલગ-અલગ પાત્રો માટે અલગ-અલગ પ્રકારના કોસ્ચ્યુમ ડિઝાઈન કરવાના હોય છે. બધા ડિપાર્ટમેન્ટ સાથે તેમને સતત સંપર્કમાં રહેવું પડે છે. કયા લોકેશનમાં શૂટ કરવાનું છે? કેવા લાઈટનીંગમાં શૂટ કરવાનું છે? તે બધી તકેદારી લઈને તેમને કોસ્ચ્યુમ ડિઝાઇન કરવા પડતા હોય છે.