તાપી: આગામી 76માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી તાપી જિલ્લામાં થવાની છે, સાથે સાથે 25 જાન્યુઆરીના રોજ મહિમહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષ સ્થાને વ્યારાના સયાજી ગ્રાઉન્ડ ખાતે એટ હોમ કાર્યક્રમ પણ યોજાશે.ૉ
રાજ્યકક્ષાની ઉજવણી તાપીમાં
રાજભવન ગાંધીનગર ના સૌજન્યથી થનારો આ કાર્યક્રમ વ્યારા તેમજ તાપી જિલ્લા માટે વિશિષ્ટ કાર્યક્રમ બની રહેવાનો છે. 25 જાન્યુઆરીની સંધ્યાએ વ્યારાની દક્ષિણ પથ સ્કૂલના ગ્રાઉન્ડમાં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. ત્યારબાદ 26 જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી અને મહામહિમ રાજ્યપાલ રાજયકક્ષાના ધ્વજવંદન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
પોલીસ અને વહિવટીતંત્રના અધિકારીએ કાર્યક્રમ સ્થળનું નિરીક્ષણ કર્યુ
તાપી જિલ્લા ખાતે યોજાનાર આ કાર્યક્રમોમાં સુરક્ષા બની રહે તે માટે સચિવ સહિતના અધિકારીઓ દ્વારા સ્થળ નિરીક્ષણ કરી વ્યારા કલેક્ટર કચેરી ખાતે અગ્ર સચિવ અશોક મહેતાની અધ્યક્ષતામાં બેઠક યોજી હતી, જેમાં તાપી જિલ્લાના કલેક્ટર, ડીડીઓ, પોલીસ વડા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા, આ તકે મહાનુભાવોની સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવાની સૂચના આપવામાં આવી હતી.
કાર્યક્રમને લઈને દીશાસૂચન
આ રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં તાપી જિલ્લાના સાત તાલુકાના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાનો અંદાજ છે. તમામ મહેમાનોની હાજરીમાં પરેડ, માર્ચ પાસ્ટ, તેમજ પોલીસ વિભાગ દ્વારા બેન્ડ ડિસ્પ્લે પરેડ, મહિલા કોરિયોગ્રાફી ઇવેન્ટ, મોટર સાઇકલ સ્ટંટ, ડોગ શો, હોર્સ શો, તેમજ પુરસ્કાર અને ટ્રોફી વિતરણ જેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.