અમદાવાદઃ ઉત્તરાયણના તહેવારનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે ઉત્તરાયણના તહેવારને ગુજરાત હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં જોખમી દોરી અને તુકકલ પર રોક લગાવવાની દાદ માગવામાં આવી છે. આ મામલે સુનાવણી દરમિયાન જાહેરમાં રંગાતી દોરીની તપાસ કરવા ગુજરાત હાઇકોર્ટે સૂચના આપી છે અને હાઇકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી છે કે ચાઈનીઝ દોરી અને તુકકલનું વેચાણ અટકાવો.
ગુજરાતમાં ઉત્તરાયણનો તહેવાર ખૂબ જ ધૂમધામથી મનાવવામાં આવે છે અને ઉત્તરાયણ દરમિયાન લોકોના જીવ જોખમમાં મુકતા હોય છે ત્યારે ચાઈનીઝ દોરીથી લોકોને નુકસાન ના થાય તેને લઈ ઘણા લોકો અત્યારે પણ જાગૃત નથી અને ચાઈનીઝ દોરીના કારણે અનેક લોકો જીવ ગુમાવી બેસે છે. ચાઈનીઝ તુકકલના કારણે આગ લગાવવાની પણ ઘટનાઓ સામે આવે છે. આ ઘટનાને ધ્યાનમાં લઈને હાઈકોર્ટમાં એક પિટિશન દાખલ કરવામાં આવી છે. જેમાં જોખમી દોરી ચાઈનીઝ દોરી અને તુકકલના વેચાણ પર રોક લગાવવાની માગ કરી છે. આ મામલે હાઇકોર્ટે ટકોર કરી છે કે, જાહેરમાં વપરાતી જોખમી વસ્તુઓનું ધ્યાન રાખો લોકોના જીવ જોખમમાં ના મુકાય તેનું ધ્યાન રાખો અને જાહેરમાં રંગાતી દોરીની પણ તપાસ કરવા ગુજરાત હાઇકોર્ટની સૂચના આપી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતના અરવલ્લી જિલ્લાની અંદર ભિલોડા તાલુકામાં લીલછા ગામે બે દિવસ અગાઉ ચાઈનીઝ દોરીથી એક યુવકનું ગળું કપાઈ ગયું હતું. જોકે આ યુવકને સમયસર સારવાર મળી રહેતા જીવ બચી ગયો હતો અને ત્યારબાદ ભિલોડાના લીલછા ગ્રામ પંચાયતે પહેલ કરી હતી કે ભિલોડાના લીલછા ગામમાં કોઈ વ્યક્તિ ચાઈનીઝ દોરી વેચતા પકડાશે તો 5,000 નો દંડ કરવામાં આવશે.