રાજકોટ: રાજકોટમાં મંગેતર અન્ય વ્યક્તિ સાથે ભાગીને પ્રેમ લગ્ન કરી લેતા યુવક યુવતીની કૌટુંબિક સંબંધી પર એસિડ એટેક કર્યો હોવાની ઘટના સામે આવી છે. એસિડ એટેકનો ભોગ બનેલી પરિણીતા વર્ષા ગોરીયા દ્વારા સોખડા ગામ ખાતે જ રહેતા પ્રકાશ સરવૈયા નામના વ્યક્તિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે.
1 વર્ષ પહેલા યુવકની સગાઈ થઈ હતી
બનાવની મળતી વિગત મુજબ, કુવાડવા રોડ પોલીસને આપેલી ફરિયાદમાં પરિણીતાએ જણાવ્યું છે કે, સોખડા ગામ ખાતે રહેતા અમારી જ જ્ઞાતિના પ્રકાશ સરવૈયા નામના વ્યક્તિ સાથે મારા સગા કાકાની દીકરીની સગાઈ 1 વર્ષ પેહલા કરાવી હતી. સગાઈના બે મહિના બાદ મારી બહેન કોઈ બીજા છોકરાને પ્રેમ કરતી હોવાથી તેની સાથે ભાગીને પ્રેમ લગ્ન કરીને જતી રહી હતી. ત્યારબાદ પ્રકાશ અવાર નવાર મારી પાસે આવીને કહેતો હતો કે મંગેતર યુવતી ક્યાં છે? તે તમને ખબર છે તેમ છતાં તમે મને કહેતા નથી. યુવતીને શા માટે તમે શોધી લાવતા નથી? તમારે ન જવું હોય તેને લેવા તો તમે મને સરનામું આપો. હું તેને શોધી લાવીશ તેવું કહેતો હતો. પરંતુ હું તેને કહેતી હતી કે યુવતીએ બીજા છોકરા સાથે લગ્ન કરી લીધા છે તો તમે તેને શોધીને પણ શું કરશો?'
મંગેતર ન મળતા ઉશ્કેરાઈને કૌટુંબિક બહેન પર હુમલો
ઘટનાના દિવસે યુવતીની કૌટુંબિક બહેન સાંજના સમયે ઘરે હતી. ત્યારે પ્રકાશ સરવૈયા આવ્યો હતો. ત્યારબાદ દર વખતની માફક યુવતી ક્યાં છે? તેનું સરનામું આપો તમે શા માટે શોધી નથી લાવતા? તે સહિતની બાબતો કહેતા ફરિયાદી મહિલાએ તેને કહ્યું હતું કે, 'મારી બહેને હવે બીજા સાથે લગ્ન કરી લીધા છે. તેને શોધવાનો હવે કોઈ ફાયદો નથી.' જે સાંભળતા પ્રકાશ ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાની પાસે રહેલ સ્ટીલની બરણીનું ઢાંકણું ખોલી તેમાં રહેલા એસિડ વડે હુમલો કર્યો હતો. જેથી મહિલાને બળતરા થવા માંડતા તેણે બૂમાબૂમ કરી મૂકી હતી. જેથી પરિવારના લોકો એકઠા થઇ ગયા હતા. તેમજ ત્યારબાદ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
પોલીસે આરોપીને ઝડપી લીધો
તપાસ અધિકારીના જણાવ્યા અનુસાર, બનાવ સંદર્ભે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. તેમજ તેની પૂછપરછમાં તે પરણીતા ઉપર ફેંકવામાં આવેલું એસિડ રાજકોટ ખાતેથી ખરીદ્યું હોવાનું જણાવ્યું છે. તેના દ્વારા આપવામાં આવેલા નિવેદનને ક્રોસ વેરીફાઇ પણ કરાવવામાં આવી રહ્યું છે. પ્રકાશ સરવૈયા ખેત મજૂરીના કામકાજ સાથે સંકળાયેલો હોવાનું તેને જણાવ્યું છે. પોલીસની પૂછપરછમાં તેણે હુમલો કરવા પાછળનું કારણ જણાવ્યું છે કે, મને શંકા હતી કે મારું સગપણ કરાવનારા વર્ષા બહેનને પારસ ક્યાં રહે છે? તેમજ તેને કયા યુવક સાથે લગ્ન કર્યા છે. તે સહિતની બાબતો ખબર હોવા છતાં તેઓ મને પારસથી દૂર રાખવા માટે જણાવતા નહોતા. જેથી મને ગુસ્સો આવતા મેં તેમની ઉપર હુમલો કર્યો છે. પરણીતાને એસિડ મોઢાના ભાગે, છાતીના ભાગે અને સાથળના ભાગે ઉડ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો: