કચ્છઃ ક્રાંતિગુરુ શ્યામજીકૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીમાં એક આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર અને ચાર સેક્શન ઓફિસરની કાયમી ભરતીમાં ગેરરીતિ કરવામાં આવી હોવાના આક્ષેપો કચ્છના એડવોકેટ અને સામાજિક કાર્યકર દ્વારા કરવામાં આવ્યા છે. આ ભરતી પ્રક્રિયામાં 16 જેટલા નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરી કચ્છ યુનિવર્સિટીના કુલપતિ તેમજ રજિસ્ટ્રારના પી.એ. તરીકે કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારી તરીકે ફરજ બજાવતા 2 સહિત 5 લાગતા વળગતા કર્મચારીઓ પાસે કોઇપણ પ્રકારની લાયકાત માટે જરૂરી અનુભવ ના હોવા છતાં તેમજ યુજીસીના સ્ટેચ્યુટ, ઓર્ડિનન્સ કે એક્ટનો ખુલ્લેઆમ ભંગ કરીને કાયમી ઓર્ડર આપી નિમણૂક કરવામાં આવતા ષડયંત્ર રચવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેનો ખુલાસો આજે કુલપતિએ આપ્યો હતો.
ક્લાસ-1 અને ક્લાસ-2 અધિકારીની ભરતી પ્રક્રિયામાં ગેરરીતિના આક્ષેપો
કચ્છના સામાજિક કાર્યકર રમેશ ગરવાએ આ બાબતે ફરિયાદ કરી હતી અને જણાવ્યું હતું કે, ગત વર્ષે માર્ચ માસમાં કોઇપણ નોટિફિકેશન નંબર કે આઉટવર્ડ નંબર વિના ભરતી માટેની જાહેરાત આપી દેવામાં આવી હતી અને તેના પછીના 9 મહિનાની તમામ પ્રક્રિયા કરીને 26 ડિસેમ્બરના રોજ 5 લાગતા વળગતા કર્મચારીઓને ક્લાસ-1 અને ક્લાસ-2 અધિકારી તરીકે નિમણૂક આપી દેવામાં આવી હતી અને 28મી ડિસેમ્બરે તેમને હોદ્દાની ફાળવણી કરી દેવામાં આવી છે. આ ભરતી કૌભાંડ સંદર્ભે અન્યો ઉમેદવારો સાથે પણ અન્યાય થયો છે.
આસિસ્ટન્ટ રજીસ્ટ્રાર અને ચાર સેક્શન ઓફિસરની ભરતી
કચ્છ યુનિવર્સિટી દ્વારા માર્ચ 2024માં એક રજિસ્ટ્રાર, એક આસિ. રજિસ્ટ્રાર, ચાર સેક્શન ઓફિસર સહિત કુલ 8 વિભાગોમાં કુલ 28 કર્મચારીની ભરતી કરવા માટેની જાહેરાત મૂકવામાં આવી હતી. આમ તો નિયમ મુજબ જાહેરાતનું નોટિફિકેશન હોવું જરૂરી છે. તેમજ આ ભરતીની જાહેરમાં આઉટવર્ડ નંબર હોવા પણ જરૂરી છે અને ભરતી માટેના ફોર્મ માત્રને માત્ર ઓનલાઈન મંગાવવાના રહેતા હોય છે. જો ઓનલાઈન ન મંગાવવાના હોય તો ટપાલ દ્વારા જ મંગાવી શકાય તેવો નિયમ છે, પરંતુ કચ્છ યુનિવર્સિટીના ભરતી થવા માંગતા ઉમેદવારોએ રૂબરૂમાં ફોર્મ આપી દેવામાં આવ્યા હતા.
ઓ.એમ.આર. સીટ કોમ્પ્યુટરાઈઝડ ન હતી
15 સપ્ટેમ્બર 2024ના રોજ કચ્છ યુનિવર્સિટીના સી બ્લોકમાં આસી. રજીસ્ટ્રાર, સેકશન ઓફીસરની લેખિત પરીક્ષા લેવામાં આવી હતી. આક્ષેપો પ્રમાણે આ લેખિત પરીક્ષાઓના પરિણામમાં કુલપતિએ પોતાના મળતિયાઓને જેમની સાથે નાણાકીય ગોઠવણ થયેલી છે, તેવા ઉમેદવારોને પરીક્ષા પૂર્વે જ પરીક્ષામાં પુછાનાર અડધાથી વધુ પ્રશ્નો આપી દેવામાં આવ્યા હતા. ઉપરાંત આ પરીક્ષાના આયોજન માટે યુનિવર્સિટી કક્ષાએ કોઈપણ સમિતિની રચના પણ કરવામાં આવી ના હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. તો લેખિત પરીક્ષામાં ઓ.એમ.આર શીટનો ઉપયોગ થયેલો છે. તે ઓ.એમ.આર. સીટ કોમ્પ્યુટરાઈઝડ ન હતી પરંતું આખી ઓ.એમ.આર. પ્રશ્નોતરી સીટની ઝેરોક્ષ કોપી હતી, ઝેરોક્ષ કોપી ઉમેદવારોને આપવામાં આવી હતી. આ ઓ.એમ.આર. સીટ ઉપર કોઈપણ પ્રકારનો બારકોર્ડ લગાવામાં આવેલો ન હતો. ઉપરાંત ઓ.એમ.આર. સીટ પર કોઈ પણ જાતનું નંબરીંગ કરેલું ન હતું. જેથી આવી ઝેરોક્ષ ઓ.એમ.આર. નો ગેર ઉપયોગ થયેલો છે તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા.
ભરતી પ્રક્રિયાના તમામ ધારા ધોરણોનો ખુલ્લેઆમ ભંગ
ઉલ્લેખનીય છે કે આ ઓ.એમ.આર સીટની ચકાસણી કોમ્પ્યુટરાઈઝ થયેલી નથી. આમ લેખિત પરીક્ષાના રાજય સરકારના શિક્ષણ વિભાગની ભરતી પ્રક્રિયાના તમામ ધારા ધોરણોનો ખુલ્લેઆમ ભંગ થયેલો છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે. બીજી તરફ કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. મોહન પટેલ સ્થાનિક કચ્છ જિલ્લાના અગ્રીમ અખબારોમાં આગામી 18 ડિસેમ્બર બાદ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક જગ્યાઓ માટેની ભરતી સંદર્ભે ઈન્ટરવ્યુ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે શિક્ષણ વિભાગ તરફથી “ના વાંધા પ્રમાણપત્ર" અને રાજય સરકારના પ્રતિનિધિની નિમણૂક પર કરી દેવામાં આવેલી હોઈ હવે આ ભરતી પ્રક્રિયામાં કોઈપણ ફરિયાદ કે વાંધા નથી એવું સૂચવ્યું હતું.
નિમણૂક આપીને માત્ર એપોઈન્ટમેન્ટ લેટરના બે દિવસ બાદ હોદ્દા પણ ફાળવી દેવામાં આવ્યા
આ ભરતી પ્રક્રિયાની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું ત્યારે પ્રોવિઝનલ અને ફાઈનલ પરિણામમાં ટોપ-5માં જે ઉમેદવાર પાસ થયા હતા. તેઓને એડમિનિસ્ટ્રેટિવ અનુભવ ના હોવાના બહાના બતાવીને ગેરલાયક ઠેરવાયા હતા. જ્યારે ઓછા માર્ક મેળવનારાને ઈન્ટરવ્યૂ માટે સિલેક્ટ કરી લેવાયા હતા. પછી તેમાંથી જે અગાઉથી પસંદ થયેલા હતા તેવા પાંચ ઉમેદવારમાંથી એકને ક્લાસ-1 અધિકારી આસિસટન્ટ રજિસ્ટ્રાર તરીકે જ્યારે 4 લોકોને ક્લાસ-2 અધિકારી સેક્શન ઓફિસર તરીકે નિમણૂક આપીને માત્ર એપોઈન્ટમેન્ટ લેટરના બે દિવસ બાદ હોદ્દા પણ ફાળવી દેવામાં આવ્યા છે. તેવા પણ આરોપો લાગ્યા છે.
28માંથી 23ની ભરતી કરવાની બાકી
કૌભાંડ કરીને ભરતી કરાયેલાના આક્ષેપો સાથેના પાંચેય કર્મચારી લાંબા સમયથી કચ્છ યુનિવર્સીટીમાં ફરજ બજાવી રહ્યા છે. ત્યારે આ કૌભાંડ તેમજ ગેરરીતિ બાબતે શિક્ષણ વિભાગ તપાસ કરે તો હકીકત બહાર આવશે તેવું મનાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, હજુ 28માંથી 23ની ભરતી કરવાની બાકી છે તેમાં પણ જો ગેરરીતિનું પુનરાવર્તન કરાશે અને તેમાં પણ અન્યો ઉમેદવારોને અન્યાય થશે તો આ મામલો વધુ ગરમાશે.
નિમણૂક પામેલા પાંચે ઉમેદવારોએ કાયમી કર્મચારી બનવા યુનિવર્સિટી પર કર્યો હતો કેસ
ઉલ્લેખનીય છે કે આ ભરતીમાં પસંદ થયેલા પાંચે ઉમેદવારો કે જે લાંબા સમયથી કચ્છ યુનિવર્સીટીમાં કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી કરતા હતા. તેઓએ કાયમી થવા માટે અગાઉ કચ્છ યુનિવર્સિટી સામે કોર્ટ કેસ કરેલો છે. હાલમાં જ કચ્છ યુનિવર્સીટીએ નેક(NAAC)ની માન્યતા માટે અરજી કરી છે. જેમાં યુનિવર્સીટીની છબી પણ ચોખ્ખી હોવી જોઈએ. તેમજ કાયમી કર્મચારીઓ પણ હોવા જોઈએ. ત્યારે યુનિવર્સીટી પર તો કેસ છે. માટે આ કોર્ટ કેસ પાછો ખેંચાવા માટે આ ગેરરીતિ આચરીને ભરતી કરવામાં આવી હોવાના આરોપો છે.
યુનિવર્સિટીના કુલપતિએ શું કહ્યું?
કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મોહન પટેલે જણાવ્યું હતું કે, આ સમગ્ર મામલે પારદર્શક તપાસ કરવામાં આવશે. જે ઉમેદવારો પસંદ કરવામાં આવ્યા છે તે યોગ્ય લાયકાત ધરાવતા તેમજ ભરતી પ્રક્રિયાને જે ક્રાઈટેરિયા છે. તેમજ અનુભવ ધરાવે છે, તેવા ઉમેદવારોને જ નિમણૂક આપવામાં આવી છે અને આ પાંચે ઉમેદવારો લાંબા સમયથી કચ્છીનીવર્સિટીમાં જ કામ કરી રહ્યા હતા. કોઈપણ પ્રકારની ગેરરીતિ આ ભરતી પ્રક્રિયામાં આચરવામાં આવી નથી.
આસિસ્ટન્ટ પ્રોફેસરની નાણાકીય લેવડદેવડ અંગેના સ્ક્રીનશોટ અંગેનો ખુલાસો
બીજી બાજુ કચ્છ યુનિવર્સીટીના અર્થ એન્ડ એન્વાયરમેન્ટ સાયન્સ વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ.ગૌરવ ચૌહાણ પર પણ નાણાકીય લેવડદેવડના આક્ષેપો તેમજ ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ આચરવામાં સંડોવણી હોવાના વોટ્સએપ ચેટના સ્ક્રીનશોટ વાયરલ થયા છે. જે બાબતે ગૌરવ ચૌહાણે ખુલાસો આપતા જણાવ્યું હતું કે, તેમને એક દિવસ વોટસપના માઘ્યમથી વોટસપ ચેટ હિસ્ટ્રીના ડોકયુમેન્ટ કે જેમાં 8 સ્ક્રીન શોટ તેમજ 8 પેજની પી.ડી.એફ. ફાઈલ એક મીડિયા રિપોર્ટર મારફતે મળી હતી. જેનો અભ્યાસ કરતા જાણવા મળેલું કે, ડૉ. ગૌરવ દિપક ચૌહાણે ખોટી રીતે રિસ્વત માંગેલ છે અને ખોટી રીતે નાણા પડાવી અને ભરતી કરેલી છે. તેમજ તેઓની વોટસપ ચેટમાં જે રિસ્વત માટે જે જે ઓનલાઈન રકમની માંગણી માટે બે નંબર પર મંગાવવામાં આવેલા. તે નંબર તેમના નથી કે તેમના લગતા વળગતા પરિવારના નથી. જે નંબર જણાવેલા છે તે નંબર અને તે નંબર કચ્છ યુનિવસિટીના જ કર્મચારીઓના છે. જેઓ આ ભરતી પ્રક્રિયાના ઉમેદવારો હતા અને તે પૈકી એક ઉમેદવારની આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર તરીકે નિમણૂક પણ થઈ છે. સ્ક્રીનશોટમાં આપેલ તમામે તમામ વિગત તેમની નથી અને તે કોઈ અન્ય વ્યકિત દ્વારા ખોટી રીતે એડીટ કરી અને તેમના નામથી ખોટી રીતે વાયરલ કરેલા છે. આ વિગતની જાણ પ્રોફેસર દ્વારા પશ્ચિમ કચ્છ એસપી અને વોટસએપના ગ્રીવિયન્સ ઓફીસરને પણ જાણ કરવામાં આવી છે.