આણંદ :ગુજરાતની 26 લોકસભા બેઠક પર આગામી સમયમાં મતદાન થવાનું છે. ત્યારે કોંગ્રેસ પાર્ટીએ આણંદ લોકસભા બેઠક પર અમિત ચાવડા અને ખંભાત વિધાનસભાની ખાલી પડેલી બેઠક પર પેટા ચૂંટણીમાં પૂર્વ જિલ્લા પ્રમુખ મહેન્દ્રસિંહ પરમાર પર કળશ ઢોળે તેવું જાણવા મળ્યું છે. ગઈકાલે નવી દિલ્હી ખાતે યોજાયેલ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં બંને નામો પર મંજૂરીની મહોર વાગી ગઈ છે. ત્યારે હવે કોઈ પણ સમયે તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવે તેમ મનાઈ રહ્યું છે.
આણંદ લોકસભા બેઠક :
પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ બેઠક પરથી ભરતસિંહ સોલંકીએ ચૂંટણી લડવાનો ઈનકાર કરતા આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડા દાવેદાર તરીકે સામે આવ્યા છે. હાઈકમાન્ડ દ્વારા તેમના નામ પર મંજૂરીની મહોર મારવામાં આવનાર છે.
હાલમાં જ બોરસદ સત્યાગ્રહ છાવણી ખાતે અમિત ચાવડાની અધ્યક્ષતામાં કોંગ્રેસના કાર્યકરોની બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લાભરમાંથી કોંગ્રેસના નેતાઓ અને આગેવાનો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા હતા. તમામે એક સૂરમાં અમિત ચાવડા પર સર્વસંમતિ સાધી હતી.
જોકે અમિત ચાવડા ઉપરાંત બોરસદના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર અને આણંદ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ નટવરસિંહ મહિડાનું નામ પણ ચર્ચાય છે. પરંતુ કોંગ્રેસે આખરે અમિત ચાવડા ઉપર કળશ ઢોળ્યો હોવાનું મનાઈ રહ્યું છે.
ખંભાત વિધાનસભા બેઠક :
બીજી તરફ ખંભાત વિધાનસભા બેઠક પર વર્ષ 2022 માં કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટાયેલા ચિરાગ પટેલે ધારાસભ્ય પદેથી તેમજ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને કેસરિયો ખેસ ધારણ કર્યો છે. આ ખાલી પડેલી બેઠક પર પેટાચૂંટણી માટે 7 મેના રોજ મતદાન થશે. આ બેઠક પર કોંગ્રેસમાંથી પૂર્વ આણંદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્રસિંહ પરમાર, તાલુકા કોંગ્રેસ પ્રમુખ દાનુભાઈ ગોહેલ, પૂર્વ આણંદ જિલ્લા યુવા પ્રમુખ સાવજસિંહ ગોહિલ અને ઉંદેલના સરપંચ નવીન સોલંકીના નામ ચર્ચાયા છે. પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર મહેન્દ્રસિંહ પરમારના નામ પર મંજૂરીની મહોર વાગશે.
કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે એક ઠરાવ કરીને આણંદ લોકસભા બેઠક પર એકમાત્ર અમિત ચાવડાના નામનો ઠરાવ કરીને પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં મોકલી આપવામાં આવ્યો છે. આણંદ લોકસભા બેઠક પર ફરી એક વખત ક્ષત્રિય અને પાટીદાર ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ જામે તેવા સમીકરણો સક્રિય બની રહ્યા છે.
પાટીદાર VS ક્ષત્રિય જંગ :
16 આણંદ લોકસભા બેઠક અને 108 ખંભાત વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં પાટીદાર અને ક્ષત્રિય ઉમેદવાર સામસામે આવશે તેવું દેખાઈ રહ્યું છે. આણંદ લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ 2019 માં જીતેલા મિતેષ પટેલને રિપીટ કર્યા છે. તો સામે કોંગ્રેસમાંથી ભરતસિંહ સોલંકીએ ચૂંટણી લડવાની ના પાડતા પક્ષ અને કાર્યકરોનો મિજાજ અમિત ચાવડા તરફ ઝુક્યો છે.
તો બીજી તરફ 108 ખંભાત વિધાનસભા બેઠક પર કોંગ્રેસના મેન્ડેટ સાથે જીતેલા ચિરાગ પટેલે અચાનક કોંગ્રેસમાંથી અને ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી કેસરિયા કરી લેતા ખાલી પડેલી વિધાનસભા સીટ પર ભાજપ ચિરાગ પટેલને ઉતારે તેવું ચર્ચાઈ રહ્યું છે. તેની સામે કોંગ્રેસ પૂર્વ જિલ્લા પ્રમુખ મહેન્દ્રસિંહ પરમારને મેદાને ઉતારે તેવા સમીકરણો વધુ મજબૂત બનતા જોવા મળી રહ્યા છે. જો આ પ્રકારનું સમીકરણ બને તો આણંદની આ બંને બેઠકો પર ફરીથી પાટીદાર સામે ક્ષત્રિય ઉમેદવારને ઉતારવાનો વર્ષો જૂનો સિલસિલો યથાવત રહેશે.
- Anand Loksabha Seat: આણંદ બેઠક પર ભાજપે ફરી મિતેષ પટેલને કર્યા રિપિટ, 2019માં કોંગ્રેસના કદાવર નેતાને 1.97 લાખ મતથી હરાવ્યા હતાં.
- Ex. MLA From Khambhat Chirag Patel : કોંગ્રેસ પક્ષના ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે તેમના પદ પરથી રાજીનામું આપ્યું