નિર્માણાધિન બ્રિજનો પીલર નમી પડ્યો (ETV Bharat Reporter) વલસાડ : પારડી તાલુકાના ઉમરસાડી દેસાઇવાડથી દરિયા કિનારા તરફ આવાગમન સરળ બનાવવા બ્રિજ નિર્માણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે પૂર્ણ થાય એ પહેલાં બ્રિજના પિલર નીચેની માટી ધોવાઈ જતા એક પીલર બીજા પીલર પર જઈ પડ્યો અને અટક્યો હતો. બ્રિજ એવી જગ્યા પર બની રહ્યો છે, જ્યાં માટીનું સતત ધોવાણ થયું છે. આ ઘટનાથી બ્રિજના નિર્માણ પર અનેક સવાલો ઉઠ્યા છે.
નિર્માણાધીન બ્રિજનો પિલર નમ્યો :ઉમરસાડી દેસાઇવાડ સ્મશાનભૂમિ અને 66kv પાવરહાઉસ વચ્ચેથી બનાવવામાં આવી રહેલ બ્રિજના પિલરની આ દશા બ્રિજના કામ અંગે શંકા ઉભી કરી છે. બ્રિજનું કામ કેટલું મજબૂત હશે? કે ભર ચોમાસે પત્તાનો મહેલ ધરાશાયી થાય તે રીતે તેનો એક પીલર જમીનમાંથી જ ફસકી ગયો છે.
વિપક્ષે ભાજપ સરકારને ઘેરી :પારડી તાલુકાના ઉમરસાડી ગામમાં નિર્માણાધીન બ્રિજના પિલરની આ દુર્દશા જોઈ વિપક્ષે આક્ષેપ કર્યો છે કે, ભાજપના રાજમાં ભ્રષ્ટાચાર છાપરે ચઢીને પોકારી રહ્યો છે. તેનો આ ઉત્તમ નમૂનો છે. આ ઘટનામાં કોઈ દોષી પુરવાર થશે નહીં, કારણ કે આવા દોષી લોકોના પાર્ટી ફંડના કારણે જ ભાજપ આજે મજબૂત બન્યું છે.
ઇજનેરે કર્યો પાંગળો બચાવ :આ અંગે વલસાડ જિલ્લા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરે જણાવ્યું કે, આ બ્રિજની કામગીરીમાં બે નંગ અબટમેન્ટ, ચાર નંગ પીયર અને બે નંગ બોક્સની કામગીરી થઈ છે. બ્રિજમાં પીયરકેપ સુધીની કામગીરી પૂર્ણ થતા સુપરસ્ટ્રક્ચરની કામગીરી માટે તેમજ હોડીઓના અવરજવરની માંગણીના કારણે પશ્ચિમ તરફ (દરિયા સાઈડ) ખાડીનો પ્રવાહ ડાયવર્ટ કરવામાં આવ્યો અને માટીના પાળા નાખી પ્રોટેકશન કરવામાં આવ્યું હતું.
કાર્યપાલક ઇજનેરે વધુમાં જણાવ્યું કે, વધુ વરસાદ અને દરિયાઈ ભરતીના કારણે માટીના પાળાને નુકસાન થયું છે. આ બ્રિજના અબટમેન્ટ લોકેશન A-2 થી દરિયા બાજુ આવેલા બોક્સની નીચે પાણીનો વધુ પડતો પ્રવાહ આવતા સ્કાવરીંગના કારણે બ્રિજ નમી ગયો છે. જેના કારણે બોક્સ સાથે સ્લેબથી જોડાયેલા પિલર પણ ખેંચાઈ આવ્યા છે. આ સુધારાની કામગીરી તુરંત હાથ પર લેવામાં આવશે. ડિઝાઇન પણ ફરીથી ચેક કરવામાં આવશે. બ્રિજમાં લોકેશન A-1, P-1, P-2, P-3, P-4 અને A-1 સાઈડ બોક્સના સ્ટ્રક્ચરોને કોઈપણ જાતનું નુકસાન થયું નથી.
9.50 કરોડના ખર્ચે નિર્માણ :નાણામંત્રી કનુભાઈ દેસાઈના ગામમાં અટલ બ્રિજની પેટર્ન પર આધારી પેડેસ્ટીયલ બ્રિજ નદીથી 24 ફૂટ ઊંચાઈ પર બનાવવામાં આવનાર હતો. અંદાજે રૂપિયા 9.50 કરોડના ખર્ચે બનનાર આ બ્રિજનું ખાતમુહૂર્ત નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું. પરંતુ આ બનીને તૈયાર થાય તે પહેલા જ ગઈકાલે તેનો એક પીલર ધરાશાયી થતા કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલી કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.
કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા માંગ :જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા અને પારડી તાલુકાના રહેવાસી કપિલભાઈ હળપતિએ જણાવ્યું કે, જો નાણાપ્રધાનના ગામમાં જ આવી ઘટના બને તો આ ભ્રષ્ટાચારનો ઉત્તમ નમૂનો કહેવાય. આ ઘટના બની ત્યારે નીચે કોઈ હાજર ન હતું, નહીં તો કોઈ મોટી હોનારત પણ થઈ શકી હોત. આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા પણ તેમણે માંગ કરી છે.
- વલસાડ જિલ્લામાં 47 જેટલા રોડ બંધ, મુશળધાર વરસાદને પગલે જનજીવન ખોરવાયું
- વલસાડના દાંતી ગામનું અસ્તીત્વ નકશા ઉપરથી મટી જશે, દરિયો વધી રહ્યો છે આગળ