પોરબંદર:ગુજરાત ગરબાનું ઉદ્ભવ સ્થાન છે. એમાં પણ અહિંના પારંપરિક ગરબા આંખ અંજવવા માટે પૂરતા છે. એવા જ એક પારંપરિક ગરબા એટલે કે પોરબંદરમાં યોજાતા મહેર સંસ્કૃતિના રાસ અને ગરબા. દર વર્ષની જેમ આ વર્ષે પણ પાંચમાં નોરતે મહેર સુપ્રીમ કાઉન્સીલ દ્વારા પરંપરાગત પહેરવેશમાં મણિયારા અને મહિલા રાસનું આયોજન કરવામાં આવ્યું હતું.
વર્ષો જુના મણીયારા રાસ જગ વિખ્યાત: નવરાત્રિના તહેવારમાં ગુજરાતમાં વિવિધ પ્રદેશોમાં અલગ અલગ રીતે માતાજીની આરાધના કરવામાં આવે છે. જેમાં ગુજરાતમાં વસતા વિવિધ પ્રદેશમાં વસતિ જાતિના અલગ અલગ નૃત્ય તથા રાસ સુપ્રસિદ્ધ છે, ત્યારે ગુજરાતના પોરબંદરમાં અગ્રણી જ્ઞાતિ ગણાતી એવા મહેર સમાજમાં વર્ષો જુના મણીયારા રાસ જગ વિખ્યાત છે. આ વર્ષે ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મહેર સમાજના પુરુષો તથા સ્ત્રીઓ પરંપરાગત પહેરવેશમાં રાસ રમ્યા હતા.
મણીયારો રાસ શૂરવીરતાનું પ્રતિક:પોરબંદર વિસ્તારમાં મહેર જ્ઞાતિનું પ્રભુત્વ વધુ રહ્યું છે, ત્યારે વર્ષો પહેલા ગાયો તથા સ્ત્રીઓની રક્ષા કાજે લડતોમાં જ્યારે જીત થતી ત્યારે મણીયારો રાસ રમવામાં આવતો અને ખુશી મનાવવામાં આવતી હતી. આમ આ મણીયારો રાસ શોર્ય અને શૂરવીરતાનું પ્રતિક ગણાય છે. આજે માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ આ મણીયારો રાસ પ્રખ્યાત ગણાય છે. આ રાસ રમતા ખેલૈયાઓને જોવાની અલગ જ મજા છે અને તેમને રમતા જોઈને જોનારાઓ પણ રોમાંચકતા અનુભવે છે.