નડિયાદ:નડિયાદમાં નકલી નોટો છાપવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ખેડા SOG દ્વારા શહેરના વહોરવાડ વિસ્તારમાંથી ભારતીય ચલણની બનાવટી નકલી નોટો સાથે બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે 500, 200 અને 100 ના દરની કુલ રૂ.1,03,600 ની કિંમતની 328 નોટો જપ્ત કરી છે. પોલીસે આ બનાવટી નોટો તેમજ પ્રિન્ટર સહિતની સાધન-સામગ્રી અને બે મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
500,200 અને 100 ની કુલ 328 નોટો ઝડપાઈ
ખેડા એસઓજીએ બાતમીને આધારે મહંમદ શરીફના કબજા ભોગવટાના મકાનમાં રેડ કરી હતી. જ્યાંથી બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે આરોપીના ઘરમાંથી બનાવટી નોટો સાથે કલર પ્રિન્ટર, પેપર, પેપર કટર સહિતની સામગ્રી જપ્ત કરી હતી. રૂ.500 ના દરની 135 નંગ જેની કિંમત રૂ.67500 અને રૂ.200 ના દરની 168 નંગ જેની કિંમત રૂ.33,600 તેમજ રૂ.100 ના દરની 25 નંગ જેની કિંમત રૂ.2500 છે. આ બનાવટી નોટો જપ્ત કરી હતી. જે કુલ 328 નોટો જેની કુલ કિંમત 1,03,600 છે.
આરોપીઓ વિરુદ્ધ પોલીસે નોંધ્યો ગુનો
આ બાબતે ખેડા એસઓજી PI ડી.એન.ચુડાસમાએ જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રે અમને ખાનગી બાતમી મળેલી કે વહોરવાડ નડિયાદ ટાઉન ખાતે રહેતા મહંમદ શરીફ મલેક તથા તેનો મિત્ર અરબાઝ બંને સાથે મળીને આરોપી મહંમદ શરીફના મકાનમાં ભારતીય ચલણની બનાવટી નોટો બનાવી અને તેનો ઉપયોગ કરવા માટે સંગ્રહ કરે છે. જે બાતમીના આધારે પંચો સાથે બાતમી વાળી જગ્યાએ રેડ કરતા બંને આરોપીઓ મકાનમાં મળી આવેલા. આરોપીના ઘરમાંથી કલર પ્રિન્ટર, ટોનરિંગ, A-4 સાઈઝના પેપર, પેપર કટર તથા આ સાધનોની મદદથી બનાવેલી ભારતીય ચલણની 500, 200 તથા 100ના દરની કુલ 328 બનાવટી નોટો મળી હતી. જેની કિંમત રૂ.1,03,600 થાય છે. આ જ બનાવટી ચલણી નોટો માટે અસલ નોટોનો ફરમો પણ મળી આવ્યો છે. જે મુદ્દામાલ મળી આવતા એફએસએલ તથા રાષ્ટ્રીયકૃત બેંકના અધિકારીને પણ સ્થળ પર બોલાવી નોટોની ચકાસણી કરેલી. આ અનુસંધાને બી.એન.એસની અલગ અલગ કલમોથી કાયદેસરની કાર્યવાહી કરી ગુનો રજીસ્ટર્ડ કરવામાં આવેલો છે.